ગૂગળ માત્ર ધૂપ માટે જ નહીં, ઔષધ તરીકે પણ કામનો

29 August, 2022 05:19 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

ચાતુર્માસ દરમ્યાન રોજ સાંજે ગૂગળનો ધૂપ કરીને પછી જ દીવા-બત્તી કરવામાં આવે તો એ આપણને અનેક રોગોથી બચાવે છે. જોકે ધૂપ વિશે તો આપણે અનેક વાર વાતો કરી છે, પણ જો એને યોગ્ય ઔષધ સાથે લેવામાં આવે તો એ અનેક રોગોમાં ચમત્કારિક કામ આપે છે

ગૂગળ માત્ર ધૂપ માટે જ નહીં, ઔષધ તરીકે પણ કામનો

આપણાં શાસ્ત્રોમાં વાતાવરણની સાત્ત્વિકતા, પવિત્રતા અને સ્વચ્છતા માટે સુગંધ અને ધૂપના ઉપયોગને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સંધ્યાકાળમાં ધૂપિયામાં ઊંચી જાતનો ગૂગળ અગ્નિ પર નાખીને આખા ઘરમાં ફેરવવામાં આવતો. હવન-હોમમાં પણ ગૂગળનો ધૂપ આગળ પડતો રહેતો. આજે પણ ગામડાંનાં ઘણાં ઘરોમાં ધાર્મિક પરંપરા હેઠળ સાંજે ધૂપ કર્યા પછી જ દીવા-બત્તી કરવાની પ્રથા ચાલુ છે. એક સમય હતો કે ગૂગળને ત્યારે જીવનજરૂરિયાતની વસ્તુઓની યાદીમાં સ્થાન હતું. જૂના જમાનામાં તેમ જ આજે પણ હવન કે યજ્ઞ પછી ભોજનનો પ્રારંભ આપણે ત્યાં ઘીમાં બોળેલા ગૂગળના ધૂપથી જ થતો. એકટાણું, ચૌવિહાર કે ફરાળસેવન પણ ગૂગળના ધૂપ કર્યા બાદ જ કરવામાં આવતું. સંધ્યાપૂજા વખતે ગૂગળ ન હોય તો ગૂગળબત્તી આવશ્યક ગણાતી. જોકે હવે એ ભુલાતું જાય છે. અહીં એક વાત યાદ રાખવી ઘટે કે ગૂગળ અને લોબાન એ બે જુદી ચીજો છે. લોબાન પીળા રંગનો અને ચીજોને બાળવામાં મદદ કરે છે, જ્યારે ગૂગળ એ પ્રક્ષેપ દ્રવ્ય છે જે કાળો હોય છે. લોબાન ખવાય નહીં, માત્ર બાળવામાં જ આવે; જ્યારે ગૂગળને શુદ્ધ કરીને એનો ખાવામાં અને ઔષધમાં પણ ઉપયોગ થઈ શકે. ચોમાસામાં સૂર્ય વાદળાંથી ઢંકાયેલો રહેવાને કારણે સૂર્યપ્રકાશ ધરતી પર ઓછો પડે છે તેમ જ વરસાદ સતત વરસતો રહેવાથી પાણી, ભેજ, કીચડ, દુર્ગંધ વધે છે અને પરિણામે રોગોનું પ્રમાણ વધે છે. આ તમામ તકલીફોના ઉપાય રૂપે જ ચોમાસાના ચાર મહિનાઓમાં - તહેવારોમાં પૂજા, હોમ-હવન અને ધૂપ કરવામાં આવે છે; પણ જ્યારથી ગૅસનું, ઇલેક્ટ્રિસિટીનું અને ઉતાવળિયા અવ્યવસ્થિત જીવનનું આગમન થયું છે ત્યારથી જ ગૂગળના ધૂપે વિદાય લઈ લીધી છે. આ ભવિષ્યની દૃષ્ટિએ વાતાવરણ માટે તેમ જ મનુષ્યના સ્વાસ્થ્ય અને સંક્રમક રોગોના નાશ પ્રત્યે ઘણું ગુમાવવાનું પગલું ગણવું જોઈએ. 

ગૂગળના ગુણ 

‘ગુગ્ગુલુ’ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે ‘જે શરીરનું બળ અને આરોગ્ય હણી લેનારા રોગોથી બચાવે છે.’ ગુજરાતીમાં આપણે એને ગૂગળ કહીએ છીએ. આર્યોએ ગૂગળનો કેવળ ધૂપરૂપે જ નહીં, ઔષધરૂપે પણ સારો લાભ લીધો છે. રસ, પર્પટી, તેલ, ઘૃત વગેરે જે સ્વતંત્ર ચિકિત્સા હતી એ જ રીતે આયુર્વેદમાં સ્વતંત્રરૂપે ગૂગળ ચિકિત્સા પણ હતી જેને આજની ભાષામાં આપણે ગૂગળથેરપી કહી શકીએ. 

મૉડર્ન મેડિસિનના દૃષ્ટિકોણથી જોઈએ તો ગૂગળ એ ઓલિયો ગમ રેઝિન છે. એમાં ગુંદર, રેઝિન અને ઉડ્ડનશીલ ઑઇલ રહેલાં છે. એમાં કેટલાંક એસેન્શિયલ ઑઇલ્સ અને ફ્લેવનૉઇડ્સ છે. એમાં કેટલાંક નૅચરલ સ્ટેરૉઇડ્સ રહેલાં છે. એમાં રહેલા આ બધા ગુણોને કારણે ઍન્ટિ-ઇન્ફ્લમૅટરી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ તરીકે કામ કરે છે. 

ગૂગળનું મહત્ત્વ

આયુર્વેદમાં વાત, પિત્ત અને કફથી થનારા રોગોમાં સૌથી વધારે વાયુને કારણે થતા રોગોની સંખ્યા છે. આ વાયુના તમામ રોગોમાં સર્વોત્તમ ઔષધ તરીકે ‘ગૂગળ’નો ઉલ્લેખ છે. ઋગ્વેદ લઈને આયુર્વેદના લેટેસ્ટ ગ્રંથોમાં પણ ગૂગળના ધૂપની પ્રશંસા કરવામાં આવી છે. જોકે આયુર્વેદમાં એ કૅટલિસ્ટ એટલે કે ઉદ્દીપક ગુણ માટે જાણીતું છે. એનો મતલબ એ કે ગૂગળને જે ઔષધદ્રવ્ય સાથે મેળવવામાં આવે એ દ્રવ્યનો ગુણ અનેકગણા વધારી દઈ શકે છે અને એટલે જ ગૂગળની અનેક પ્રકારની દવાઓ બની છે. એવું કહી શકાય કે આ દવાઓને ખૂબ અન્ડરએસ્ટિમેટ કરવામાં આવી છે, પણ જો એનો સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ખૂબ ફાયદાકારક બની શકે છે. 

કેવો-કેવો ગૂગળ? 

આર્થ્રાઇટિસ, સંધિવા, લકવો કે રાંઝણ (સાયેટિકા) જેવા સાંધાના દુખાવા માટે યોગરાજ ગૂગળ અથવા મહાયોગરાજ ગૂગળનું નામ ખૂબ જ પ્રચલિત છે. વાયુના તમામ રોગોમાં વાતારિ ગૂગળ ખૂબ જ અસરકારક સાબિત થયો છે.

ગૂગળને કેટલાંક દ્રવ્યો સાથે મેળવવામાં આવે તો મેદોહર બની શકે છે. લોહીમાં વધી રહેલા ચરબીને ઘટાડવાની ક્ષમતા છે. એને કારણે આજકાલ એથિરોસ્ક્લેરોસિસની સમસ્યામાં પણ ગૂગળ વપરાય છે. કાકડા, જૂની શરદી, કાનમાં પરુ, શરીરમાં ઇન્ફેક્શન, ઘા વગેરેમાં ત્રિફળા ગૂગળ ખૂબ જ સારું કામ કરે છે.

અમ્લપિત્ત, વાતરક્ત તેમ જ ચામડીના ઘણાખરા રોગોમાં અમૃતા ગૂગળ એક મહત્ત્વનું ઔષધ છે.

ગાંઠ થઈ હોય ત્યારે પણ ગૂગળ કામનો છે. કંઠમાળ હોય કે શરીરમાં થનારી કૅન્સર સહિતના પ્રકારની ગાંઠમાં કાંચનાર ગૂગળ ખૂબ જ સારી દવા છે. થાઇરૉઇડની તકલીફમાં પણ કાંચનાર ગૂગળ ખૂબ જ અકસીર છે. 

પથરી, પ્રદર, શુક્રદોષ, મૂત્ર અટકી-અટકીને આવવું, યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન અને યુરિનરી ટ્રૅક્ટના કોઈ પણ પ્રકારના રોગોમાં ગોક્ષુરાદિ ગૂગળ અદ્વિતીય છે. આજે કેડનો દુખાવો, આમવાત, સ્લિપ્ડ ડિસ્ક, સ્પૉન્ડિલાઇસિસ જેવા રોગો મોટા ભાગે બધાના જ ઘરે જાવા મળે છે. આ તમામ રોગોમાં ત્રયોદશાંગ ગૂગળ અત્યંત અસરકારક છે.
પથ્યપાલન અને શારીરિક કસરત સાથે સહેજ મોટી માત્રામાં અને લાંબો સમય સુધી મેદોહર ગૂગળ લેવાથી મેદ ઘટે છે અને મેદજન્ય રોગોનું પ્રમાણ ઘટે છે. 
પેશાબ અટક્યો હોય, રાંઝણ થઈ હોય, ફેફસાંમાં પાણી ભરાયું હોય કે ટીબી થયો હોય ત્યારે એમાં પુનર્નવા ગૂગળ દરદીને પુનર્જીવન આપે છે.
હાડકું ભાંગ્યું હોય, હેરલાઇન ક્રૅક હોય ત્યારે લાક્ષાદિ ગૂગળ હાડકાંને ફટાફટ સાંધવાનું કામ કરે છે. 
કાનનો દુખાવો, બહેરાશ, માથાનો દુખાવો, સ્નાયુશૂળ જેવાં દરદમાં રાસ્નાદિ ગૂગળ ભૂલવા જેવો નથી.

તહેવારોમાં પૂજા, હોમ-હવન અને ધૂપ કરવામાં આવે છે; પણ જ્યારથી ગૅસનું, ઇલેક્ટ્રિસિટીનું આગમન થયું છે ત્યારથી જ ગૂગળના ધૂપે વિદાય લઈ લીધી છે. 

columnists dr ravi kothari health tips life and style