ગણરાયાને ગમતાં જાસૂદનાં ફૂલ તમારી ટાલ મિટાવી દેશે

07 September, 2022 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યસ, સુંદર, ચમકીલા વાળ અને ત્વચા માટે લાલચટક જાસવંતીનાં ફૂલ દવાની ગરજ સારે છે. હૃદયરોગોમાં તેમ જ સ્ત્રીઓના રીપ્રોડક્ટિવ તંત્રની સમસ્યાઓમાં પણ આ ફૂલ વપરાય છે

ગણરાયાને ગમતાં જાસૂદનાં ફૂલ તમારી ટાલ મિટાવી દેશે

કહેવાય છે કે ગણેશનાં ચરણોમાં દૂર્વા અને જાસૂદનું ફૂલ ધરો તો તેઓ પ્રસન્ન થઈ જાય. ફૂલો આમેય છે જ એવી ચીજ જે ભલભલાનું ચિત્ત પ્રસન્ન કરી દઈ શકે છે. આપણે ત્યાં ગુલાબના ફૂલના ઔષધ પ્રયોગો પ્રચલિત છે, પરંતુ બીજાં પણ અનેક ફૂલો છે જે વ્યક્તિના તન અને મનના સ્વાસ્થ્ય પર ખૂબ પૉઝિટિવ અસર કરે છે. ગણેશોત્સવ ચાલી રહ્યો છે તો આજે આપણે ગણેશપ્રિય જપાકુસુમની જ વાત કરીશું. હા, એને સંસ્કૃતમાં જપાકુસુમ કહેવાય. અંગ્રેજીમાં હિબિસ્કસ ફૅમિલીનાં આ ફૂલનાં હવે તો લાલ, પીળાં, કેસરી, ગુલાબી એમ અનેક વર્ઝન્સ મળે છે પણ એ બધાંમાંથી સૌથી વધુ ફાયદાકારક કોઈ હોય તો એ છે લાલ જપાકુસુમ. કદાચ એટલે જ વિઘ્નહર્તાને ચડાવવામાં પણ લાલ જાસૂદનો જ ઉપયોગ થાય છે. 

ફૂલના ગુણો 

મૉડર્ન મેડિસિને પણ જાસૂદની મેડિસિનલ પ્રૉપર્ટી પર સારોએવો અભ્યાસ કર્યો છે અને એ મુજબ લાલ જાસવંતી ખૂબ બધાં એસેન્શ્યિલ મિનરલ્સથી ભરપૂર છે. આયર્ન, ઝિન્ક, ફૉસ્ફરસ, કૅલ્શિયમ એમાંનાં કેટલાંક ખનીજ છે. એમાં બહુ ઓછા જોવા મળતાં અમીનો ઍસિડ્સ પણ હોય છે. વિટામિનની વાત કરીએ તો બી-કૉમ્પ્લેક્સમાંના ઘણા ઘટકો અને વિટામિન સી ઉપરાંત કૅરાટિન પ્રોટીન હોય છે. આયુર્વેદમાં પ્રચલિત વાળ અને ત્વચાની સુંદરતા માટેના જાસૂદના ઉપયોગો બતાવે છે કે એમાં કૅરાટિન છે એ વાત પૌરાણિક વિજ્ઞાને બહુ પહેલેથી જ સમજી લીધું હતું. હવે મૉડર્ન લોકો હિબિસ્કસ ટી બનાવીને પીએ છે. મનની શાંતિ માટે તેમ જ ત્વચા-વાળની ચમક માટે. જોકે આફ્રિકન દેશોમાં જ્યાં અતિશય ગરમી પડે છે ત્યાં ગરમીની આડઅસરોથી બચવા જાસૂદની ચા પીવાનો રિવાજ સદીઓથી છે. યુરોપિયન અને આફ્રિકન દેશોમાં પિત્તને કારણે શરદી ચડી હોય, કૉલેસ્ટરોલ વધ્યું હોય કે બીપીની સમસ્યા હોય ત્યારે ટ્રેડિશનલ હિબિસ્કસ ટી અપાય છે. આ તો થઈ વિદેશોની વાત, હવે વાત કરીએ આપણા દેશની. 

જાસૂદનાં ફૂલો શીતવીર્ય એટલે કે શરીરની ગરમી દૂર કરે છે. પિત્ત અને કફના દોષોમાં એ અકસીર છે. સ્તંભન ગુણ હોવાથી લોહીનો સ્રાવ અટકાવે છે. લોહીનું શુદ્ધીકરણ કરીને ત્વચાનો રંગ નિખારવામાં મદદરૂપ છે. 

વાળ અને ત્વચા માટે

ઍલોપેસિયાને કારણે ચોક્કસ પૅચમાંથી વાળ ઘટી રહ્યા હોય તો જાસૂદ વાપરી શકાય. કૅન્સરની સારવારને કારણે વાળ ખરી ગયા હોય ત્યારે પણ એ વાપરી શકાય. બેથી પાંચ જાસૂદનાં ફૂલ, ઓવરનાઇટ પલાળેલી મેથી અને મીઠા લીમડાનાં પાનની પેસ્ટ કરીને અસરગ્રસ્ત ભાગ પર લગાવવાથી વાળનો ગ્રોથ જલદી થાય છે. કૅન્સરની સારવારને કારણે ટાલ પડી હોય ત્યારે આ મિશ્રણ માથા પર લગાવવાથી ઓવરઑલ ઠંડક તો મળે જ છે, પણ વાળનો રીગ્રોથ ઝડપી બને છે. વાળમાં નાખવાના તેલમાં પણ જાસૂદનો ઉપયોગ કરવો જોઈએ. બ્રાહ્મી, ભાંગરો, દૂધી અને જપાકુસુમ આ ચારેય ચીજો હેરઑઇલ બનાવવામાં અવશ્ય વાપરવી જોઈએ. વાળમાં ખોડો બહુ થતો હોય તો જાસૂદનો અર્ક તેલમાં મેળવીને લગાવવો. જાસૂદનાં ચારથી પાંચ ફૂલને વાટીને એની પેસ્ટમાં કુંવારપાઠું મેળવીને હેરમાસ્કની જેમ સ્વચ્છ વાળમાં લગાવીને રાખવું. એકાદ કલાક પછી સાદા પાણીથી વાળ ધોઈ લેવા. એનાથી વાળમાં ચમક આવે છે. 

માસિક અને હરસ બન્નેમાં 

જે સ્ત્રીઓને માસિકમાં ખૂબ લોહી વહી જતું હોય તેમણે જાસૂદની ચા બનાવીને પીવી જોઈએ. હરસમાં લોહી પડતું હોય તો એમાં પણ સૂકવેલાં જાસૂદનાં ફૂલનો પાઉડર છાશમાં મેળવીને પીવો. એનાથી લોહી પડતું અટકે છે. શીતળ ગુણને કારણે ખંજવાળ અને બળતરામાં પણ જાસૂદ વાપરી શકાય. એ લોહીમાંના કફ-પિત્તના વિકારને દૂર કરીને ત્વચાને સાફ કરે છે. ખીલ માટે તો આયુર્વેદમાં જાસૂદનો અર્ક પણ વપરાય છે. 

જાસૂદની ચા કઈ રીતે બને?

જાસૂદનાં ફૂલને ઉકાળવાં નહીં. બને તો એને કુદરતી ગરમી આપીને એનું સત્ત્વ પાણીમાં ઊતરવા દેવું. એ માટે જાસૂદની સૂર્યનાં કિરણોથી બનેલી ટી બહુ જ ઉત્તમ છે. જાસૂદનાં ફ્રેશ ફૂલ અથવા તો સૂકાં ફૂલના પાઉડરને પાણીમાં પલાળીને એ તપેલીને પાતળા સુતરાઉ કાપડથી ઢાંકીને કુમળા સૂર્યના તડકામાં મૂકી દેવાં. બેથી પાંચ કલાક પછી ફ્રેશ ફૂલ હોય તો ચોળીને અને બાકીના પાઉડરને ગાળીને એ પાણીને ચાની જેમ પી જવું.  

હાર્ટ હેલ્થના ફાયદા માટે બે જાસૂદનાં ફૂલ, એક તજની લાકડીને એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળવું. ઉપર ડિશ ઢાંકી દેવી. પા ભાગનું પાણી બળી જાય એટલે સહેજ ઠરવા દેવું. કોકરવરણું પાણી હોય ત્યારે લીંબુ નિચોવીને પી જવું.

બેથી પાંચ જાસૂદનાં ફૂલ, પલાળેલી મેથી અને મીઠા લીમડાનાં પાનની પેસ્ટ કરીને વાળમાં  લગાવવાથી ગ્રોથ જલદી થાય છે. : ડૉ. રવિ કોઠારી

health tips columnists dr ravi kothari life and style