ભૂખ્યા પેટે વરિયાળી ખાઓ તો ઍસિડિટી થઈ શકે છે?

10 May, 2023 04:50 PM IST  |  Mumbai | Dr. Ravi Kothari

ભલે વરિયાળી ઠંડક કરનારી છે, પણ જો તમે કાચી વરિયાળી ખાલી પેટે ખાશો તો એનાથી ઍસિડિટી અને બેચેની વધે છે. હળદર, મીઠું અને લીંબુમાં પલાળીને શેકેલી વરિયાળી મુખવાસ માટે ઉત્તમ છે. ઠંડક માટે વરિયાળીનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું એ સમજી લો

પ્રતીકાત્મક તસવીર

ગરમીનો પારો ઊંચો ચડી રહ્યો હોવાથી પાચન નબળું પડી ગયું હોય, ગૅસ-ઍસિડિટીને કારણે પેટ ઢમઢોલ થઈ જતું હોય ત્યારે કાચી વરિયાળી ભૂખ્યા પેટે ફાકવામાં આવે તો એ લક્ષણોમાં રાહત આપવાને બદલે વધુ વકરાવે છે. આવા સમયે કાચી નહીં પણ શેકેલી વરિયાળી ખાવી જરૂરી છે. પહેલાં ગુજરાતી ઘરોમાં હળદર, મીઠું, લીંબુમાં પલાળીને શેકેલી વરિયાળી બનતી જે પદ્ધતિ શ્રેષ્ઠ હતી. હવે તો બજારમાંથી લાવીને અને ચાળી-વીણીને સીધી ખાવાના ઉપયોગમાં લેવાય છે. એને કારણે વરિયાળી ઉનાળામાં ગુણ કરવાને બદલે અવગુણ કરે છે. બીજી સૌથી મોટી સમસ્યા છે વરિયાળી પર ચડાવેલા લીલા રંગની. લીલીછમ વરિયાળી કુદરતી રીતે હોય તો ઠીક છે, પણ ફીક્કા રંગની વરિયાળીને રંગ ચડાવીને લીલી કરવામાં આવી હોય તો એનાથી પણ ગૅસ અને ઍસિડિટી વધે છે. 

વરિયાળીનું સંસ્કૃત નામ મધુરિકા છે. વરિયાળી ગુણમાં મધુર હોવાથી વાયુનું અને શીતળ હોવાથી પિત્તનું શમન કરે છે. એમાં મેદ્ય ગુણ રહેલા છે એટલે નિયમિત ખાવાથી ગ્રહણશક્તિ વધે છે. કાચી અને શેકેલી વરિયાળીઓના ગુણધર્મો અલગ-અલગ હોય છે. કાચી વરિયાળી ઉષ્ણ, કટુ અને લઘુવિપાકી હોવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. કાચી વરિયાળી અગ્નિવર્ધક છે ને દીપન-પાચન સુધારે છે. એટલે ભૂખ્યા પેટે જો કાચી વરિયાળી ખાવામાં આવે તો એ ક્યારેક ઍસિડિટી કરે છે. શેકેલી વરિયાળી પિત્ત કરતી નથી, બલ્કે પિત્તનું શમન કરે છે અને ઍસિડિટી ઘટાડે છે.

ક્યારે વરિયાળી લેવાય?

જો ભૂખ ન લાગતી હોય, પાચકરસો યોગ્ય માત્રામાં ન ઝરતા હોય તો કાચી વરિયાળી જમતાં પહેલાં ખાવી જોઈએ. ગરમીની બેચેનીને કારણે માત્ર ભૂખ ન લાગતી હોય તો જમતાં પહેલાં એક ચમચી શેકેલી વરિયાળી ચાવી-ચાવીને ખાવી. એમ કરવાથી ભૂખ ઊઘડશે. જોકે ગરમીમાં ભૂખ્યા પેટે બહુ ઝડપથી ઍસિડિટી પણ થઈ જાય છે એટલે વરિયાળી ખાધા પછી ભૂખ્યા રહેવું યોગ્ય નથી. એ પછી તરત થોડુંક કંઈક ખાઈ લેવું જોઈએ. 

જો ભૂખ બરાબર લાગતી હોય પણ પાચન બરાબર ન થતું હોય, જમ્યા પછી પેટ ભારે લાગતું હોય તો શેકેલી વરિયાળી ખાવી જોઈએ. ઍસિડિટીની તકલીફ હોય અને જો તમે કાચી વરિયાળી ભૂખ્યા પેટે ખાશો તો તકલીફ વધશે. કોષ્ઠમાં જમા થયેલા પિત્તનું પાચન થઈને સરણ થઈ જાય એ માટે શેકેલી વરિયાળી ખાવી જોઈએ. ઔષધ માટે વપરાતી વરિયાળીને શેકીને એનું ચૂર્ણ કરીને ભરી રાખવું બહેતર છે. 

આ પણ વાંચો : દહીં પિત્ત કરી શકે છે એ જાણો છો?

ઉનાળામાં જો પાચનસંબંધી તકલીફો માટે વરિયાળી ખાવી હોય તો એ જમ્યા પછી અને શેકેલી વરિયાળી જ ખાવી. 

દિવસ દરમ્યાન એમ જ વરિયાળી ખાવી હોય તો એ સાદી શેકેલી અથવા તો નમક, લીંબુ અને હળદર નાખીને શેકેલી વરિયાળી ખાવી. 

શેકેલી વરિયાળી જ...

ગરમીમાં વરિયાળીનો બેસ્ટ અને મૅક્સિમમ ફાયદો લેવો હોય તો વરિયાળી અને ખડી સાકરના ચૂર્ણનું મિશ્રણ ઉત્તમ છે. અગેઇન, આમાં પણ શેકેલી વરિયાળી જ વાપરવી. જ્યારે પણ પિત્તનું શમન કરવા માટે વરિયાળી વપરાય ત્યારે હંમેશાં એ સાદી શેકેલી વરિયાળી જ લેવી. એમાં ન મીઠું નાખવું, ન હળદર. કાચી ચીજો પિત્ત કરે ને પાકેલી ચીજો પિત્ત શમન કરે છે. 

શેકેલી વરિયાળીનું ખાંડેલું ચૂર્ણ ૧૦૦ ગ્રામ બનાવો અને ૫૦ ગ્રામ ખડી સાકરનો પાઉડર મિક્સ કરીને ચૂર્ણ બનાવો. ગરમીની સીઝનમાં દિવસમાં બેથી ચાર વાર એક ચમચી વરિયાળીનું ચૂર્ણ અને અડધી ચમચી ખડી સાકરનું ચૂર્ણ ફાકી જવાનું રાખો. એમ કરવાથી પિત્ત શમે છે, માથું ઊતરે છે, ઊબકા આવતા હોય તો અટકે છે.

પિત્તના શમન માટે વરિયાળી, કાળી દ્રાક્ષ અને ખડી સાકરને પલાળીને એનું પાણી લેવાનો પ્રયોગ પણ પ્રચલિત છે. એમાં પણ કાચી નહીં શેકેલી વરિયાળી લેવી વધુ હિતાવહ છે.
વરિયાળીનું શરબત બનાવો એમાં પણ શેકેલી વરિયાળી જ વપરાઈ હોય તો વધુ ગુણકારી ગણાય છે.

columnists health tips dr ravi kothari