07 October, 2026 03:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચીઝ ચિલી રિંગ
સામગ્રી : ફિલિંગ માટે : કૅપ્સિકમ – ૧ મોટો બાઉલ (ઝીણું સમારેલું), ચીઝ – ૧ મોટો બાઉલ (ખમણેલું), બાફેલો બટોટો – ૧ મીડિયમ સાઇઝનું (ચોપ કરેલો), કાંદા – બેથી ૩ ઝીણા સમારેલા, ટમૅટો કેચપ – જરૂર મુજબ, ગ્રીન ચટણી – જરૂર મુજબ, મરી પાઉડર – ત્રણથી ૪ ટેબલસ્પૂન, ઑરેગૅનો – જરૂર મુજબ, ચિલી ફ્લેક્સ – જરૂર મુજબ, બટર અથવા ઘી – શેકવા માટે
રિંગ તૈયાર કરવા માટે : બ્રેડની સ્લાઇસ, બટર, ટમૅટો કેચપ, ગ્રીન ચટણી, ચીઝ
બનાવવાની રીત : ચીઝી ફિલિંગ તૈયાર કરો : એક કડાઈમાં થોડું બટર અથવા ઘી ગરમ કરો. એમાં ઝીણો સમારેલો કાંદો, કૅપ્સિકમ અને બાફેલો બટાટો ઉમેરો. ત્યાર બાદ મરી પાઉડર, ઑરેગૅનો, ચિલી ફ્લેક્સ અને જરૂર મુજબ ચીઝ ઉમેરો. આ બધું સારી રીતે મિક્સ કરીને લગભગ પાંચથી ૭ મિનિટ સુધી હાઈ ફ્લેમ પર જ્યાં સુધી ચીઝ બરાબર મેલ્ટ થઈને બધું એકરસ ન થઈ જાય ત્યાં સુધી સાંતળો. તૈયાર થયેલું મિશ્રણ બાજુ પર રાખો.
બ્રેડ તૈયાર કરો : બ્રેડની કિનારીઓ કાપી લો. હવે બ્રેડને પાટલા પર રાખીને વેલણની મદદથી હળવા હાથે વણીને પાતળી અને ફ્લૅટ કરી લો.
બ્રેડનાં લેયર બનાવો : બ્રેડની એક સ્લાઇસ પર બટર લગાવો. એના પર ટમૅટો કેચપ અને પછી ગ્રીન ચટણી સ્પ્રેડ કરો. એના પર બ્રેડની બીજી સ્લાઇસ મૂકીને ફરીથી બટર, ટમૅટો કેચપ અને ગ્રીન ચટણી લગાવો. હવે એના પર તૈયાર કરેલું ચીઝી ફિલિંગ સારી રીતે સ્પ્રેડ કરો અને થોડું ગ્રીન ચટણીનું ડ્રિઝલ કરો. આ રીતે તૈયાર થયેલી બ્રેડની લેયર્સને ખૂબ જ હળવા હાથે ફોલ્ડ કરીને રોલનો આકાર આપો.
રોલ શેકો : તવા પર થોડું બટર અથવા ઘી લગાવીને તૈયાર કરેલો રોલ મૂકો. એને હળવા હાથે ફેરવતા રહો અને આગળ-પાછળથી સરસ રીતે શેકો. રોલ શેકતી વખતે ધ્યાન રાખો કે એ તૂટી ન જાય. બન્ને બાજુથી રોલ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
ચીઝ ચિલી રિંગ બનાવો : શેકાયેલો રોલ થોડો ઠંડો થવા દો. હવે સૅન્ડવિચ કાપવાની છરીની મદદથી રોલને ગોળ રિંગના આકારમાં કાપો. રિંગને સરસ રીતે ગોઠવી એના ઉપર થોડી ગ્રીન ચટણી સ્પ્રેડ કરો અને ભરપૂર ચીઝ ખમણીને ઉમેરો. હવે એને ફરીથી થોડું ગરમ કરો, જેથી ઉપરનું ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ જાય.
સર્વિંગ ટિપ : આ એકદમ યુનિક અને ચીઝી નાસ્તો ટી-પાર્ટી, કિડ્સ પાર્ટી અથવા ડિનરમાં સ્ટાર્ટર તરીકે પર્ફેક્ટ છે. બાળકો હોય કે મોટા - ચીઝી અને ક્રિસ્પી ટેસ્ટને કારણે એ સૌને ખૂબ જ પસંદ પડશે.