ભગત તારાચંદનું ચાટ કાઉન્ટર?

20 April, 2023 05:22 PM IST  |  Mumbai | Sanjay Goradia

હા, મને હતું કે ત્યાં તો જમવાનું જ મળે પણ ના, મુંબઈની જૂની અને જાણીતી ભગત તારાચંદે હવે ઘાટકોપરમાં ચાટ કાઉન્ટર શરૂ કર્યું છે

ભગત તારાચંદનું ચાટ કાઉન્ટર?

ગયા અઠવાડિયાએ આપણે ઘાટકોપરની પાણીપૂરીની ફૂડ ડ્રાઇવ કરી એ પછી મને મિત્ર અને કૉલમનિસ્ટ એવા રજનીકાન્ત મહેતાનો ફોન આવ્યો. રજનીકાન્તભાઈને તમે વર્ષોથી ‘મિડ-ડે’માં વાંચો છો. અત્યારે તેઓ રાજ કપૂરની આત્મકથાવાળી કૉલમ લખી રહ્યા છે. તે મારા બધા આર્ટિકલ નિયમિત વાંચે અને વારેતહેવારે બિરદાવે પણ ખરા. ગયા અઠવાડિયે ઘાટકોપરની ફૂડ ડ્રાઇવ આવી એટલે તેમણે કહ્યું કે હું પોતે ઘાટકોપરમાં રહું છું પણ આ જગ્યા મને નહોતી ખબર. હવે હું ત્યાં પાણીપૂરી ખાવા જઈશ. 

આ જ વાતની સાથે તેમણે મને કહ્યું કે હવે તમે ઘાટકોપર આવો ત્યારે કહેજો, હું તમને આવી જ બીજી મસ્ત જગ્યાની પાણીપૂરી ખાવા માટે લઈ જઈશ અને મિત્રો, આવી ગયો મોકો. ફરી ઘાટકોપરમાં શો હતો એટલે આ વખતે પટેલ ચોકવાળાની પાણીપૂરી ખાવાને બદલે મેં ફોન કર્યો રજનીભાઈને પણ રજનીભાઈની તબિયત સહેજ ડાઉન હતી એટલે તેમણે મને કહ્યું હું નથી આવતો, પણ ઘાટકોપર ઈસ્ટમાં જે અચીજા રેસ્ટોરન્ટવાળા ચાર રસ્તા છે ત્યાંથી તમે જમણી બાજુએ જાઓ, ત્યાં ભગત તારાચંદ છે. 

મેં તરત જ તેમને રોક્યા અને કહ્યું કે ભગત તારાચંદની ફૂડ ડ્રાઇવ આપણે વાચકોને પહોંચાડી દીધી છે તો તરત મને રજનીકાંતભાઈએ કહ્યું કે ના, એવું નથી. અહીં ભગત તારાચંદનું ફક્ત ચાટ કાઉન્ટર છે. 

આ મારા માટે નવી વાત હતી. ભગત તારાચંદમાં ખૂબ સરસ લંચ-ડિનર અને બધું ફૂડ મળે પણ મને ખબર નહીં કે ભગત તારાચંદનું ચાટ કાઉન્ટર પણ છે. આપણે તો ચીંધેલા ઍડ્રેસ સાથે ભગત તારાચંદ પહોંચી ગયા અને ઊભા રહી ગયા પાણીપૂરી ખાવા.

મિત્રો, ભગત તારાચંદને ત્યાં મળતી પાણીપૂરીની પૂરીનો આકાર અને પાણીપૂરી આપવાની જે સ્ટાઇલ છે એ સિંધી પાણીપૂરી જેવી છે. હા, સિંધીઓની પાણીપૂરીની પૂરી થોડી અલગ હોય અને એમાં એ લોકો ગરમ રગડો નથી નાખતા. એ લોકો પાણીપૂરીમાં ભીની નરમ બુંદી અને મગ નાખે અને એ પછી એના પર ચટણી અને ફુદીનાનું પાણી આવે. અહીં મળતી પાણીપૂરીમાં નાખવામાં આવતું પાણી અને ચટણીની જે મજા છે એ અદ્ભુત છે. ભગત તારાચંદની એક વાત તમને ખાસ કહીશ. મુંબઈમાં એ એક બ્રૅન્ડ છે. એમાં મળતી બધી વરાઇટીઓ ખૂબ સારી હોય, ઉત્તમ ક્વૉલિટીની હોય અને મારા મનમાં જે ધારણા હતી એવું જ થયું. 

પહેલી પાણીપૂરી મેં મોઢામાં મૂકી અને મજા-મજા પડી ગઈ. મજાનું એક કારણ એ પણ ખરું કે સિંધી પાણીપૂરી હોય કડક. તમે મોઢામાં મૂકો એટલે ઓગળે કે તરત જ તૂટે નહીં પણ એની ક્રન્ચીનેસ અકબંધ રહે અને તમારે એને ચાવવી પડે. એ જે પૂરી હોય એ તમારે રીતસર ચાવવી પડે અને ગળા નીચે ઉતારવી પડે અને આ પ્રકારની પાણીપૂરી આપણને ભાગ્યે જ ખાવા મળતી હોય છે.

પાણીપૂરી પછી મેં મંગાવી દહીં-બટેટા પૂરી. ગિરગામ ચોપાટી પર જે ભૈયાઓ દહીં-બટેટા પૂરી ખવડાવે છે એવી દહીં બટેટાપૂરી આજ સુધી મેં ખાધી નથી. હા, ચર્ની રોડ પાસે આવેલા તારાબાગ વિસ્તારમાં બેસતો પાણીપૂરીવાળો એવી દહીં-બટેટા પૂરી બનાવે છે પણ એ સિવાય મેં એવો ટેસ્ટ ક્યાંય નથી કર્યો પણ હું કહીશ કે મને એવી જ મજા આ દહીં-બટેટા પૂરીમાં આવી. 
એમાં જે દહીં હતું એ બહુ સરસ હતું. એકદમ ઠંડું દહીં અને એની નીચે બટેટા ગોઠવેલા હતા. છ પૂરી અને એની ઉપર બટેટાનું પૂરણ અને મીઠી ચટણી. આ જે મીઠી ચટણી હતી એ ગોળ અને આંબલીની હતી, ખજૂરનું પ્રમાણ એમાં નામ પૂરતું જ હતું. એ ચટણી ઉપર દહીં અને એની ઉપર ફરીથી સહેજ અમસ્તી ગળી ચટણી. બનાવવાની જે રીત હતી એ એકદમ ઑથેન્ટિક હતી એટલે મને તો મજા પડી ગઈ.

અહીં સમોસા અને કચોરી ચાટ પણ હતાં, જેમાં તમે માગો તો સિંગલ સમોસાની પણ ચાટ બનાવી દે. આ સમોસું સાઇઝમાં થોડું નાનું હતું. સમોસાનો છૂંદો એમાં તીખી-મીઠી ચટણી અને પછી એની ઉપર દહીં નાખી તમને આપે. અગેઇન, ઑથેન્ટિક ટેસ્ટ અહીં પણ બાજી મારી ગયો. તમને પણ હું એ જ કહીશ કે જો તમે ઇચ્છતા હો કે સાચી વરાઇટી સાચી રીતે તમારે ખાવી છે તો એક વખત ઘાટકોપરના આ ભગત તારાચંદના ચાટ કાઉન્ટર પર જઈ આવજો. તમારી સ્વાદેન્દ્રિય બે હાથે દુઆ દેશે.

columnists life and style Sanjay Goradia ghatkopar