29 August, 2026 03:03 PM IST | Mumbai | Sanjay Goradia
નૉવેલ્ટીમાં અચૂક પરાઠા-શાક ખાવા જવું
આજકાલ મારી એક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ સુરેન્દ્રનગર પાસે આવેલા મૂળી નામના ગામના પૅલેસમાં ચાલે છે. એ પૅલેસનું નામ અંબિકા નિવાસ પૅલેસ છે. અહીં અનેક ફિલ્મોનાં શૂટિંગ થયાં છે. જોકે હું પહેલી વાર અહીં શૂટિંગ કરું છું. સુરેન્દ્રનગરથી ત્રીસેક કિલોમીટર દૂર આવેલા આ ગામનો પૅલેસ ખાસ્સી મોટી એસ્ટેટ છે, પણ અમારો ઉતારો સુરેન્દ્રનગરમાં. શૂટિંગ રાતનું એટલે અમારું બપોરનું લંચ સુરેન્દ્રનગરમાં જ. પછી અમે શૂટિંગ પર જઈએ અને આખી રાત શૂટિંગ કરીએ. સવારે આવીને સૂઈ જઈએ અને બપોર પડતાં પેટમાં ભૂખના ભડાકા શરૂ થાય. રોજેરોજ મને યુનિટનું જમવાનું ભાવે નહીં. એવામાં મારા સાથી કલાકાર નીલેશ પંડ્યા અને જિજ્ઞેશ મોદી ખબર લાવ્યા કે સિટીમાં નૉવેલ્ટી પરોઠા હાઉસ બહુ ફેમસ છે. કોઈ પણ વસ્તુ એમ જ ફેમસ થતી નથી એટલે હું તો સટાક દઈને તૈયાર થયો અને અમે પહોંચ્યા નૉવેલ્ટી પરોઠા હાઉસમાં.
નૉવેલ્ટીની શરૂઆત ૧૯૬૭માં થઈ. સમય જતાં ભાઈઓ છૂટા પડ્યા, પણ બધા ભાઈઓ એક જ લાઇનમાં આવ્યા અને બધાએ નામ રાખ્યું નૉવેલ્ટી જ એટલે આજે સુરેન્દ્રનગરમાં નૉવેલ્ટી પરોઠા હાઉસની ૬ બ્રાન્ચ છે.
ગૂગલબાબાની હેલ્પ સાથે અમે પહોંચ્યા તો એક જગ્યાએ સામેસામી બે નૉવેલ્ટી, પણ એક દુકાનમાં AC નહીં અટલે અમે ACવાળી નૉવેલ્ટીમાં ગયા. અમે જ્યાં ઊતર્યા હતા એ પ્રેસિડન્ટ હોટેલવાળાએ અમને સાવચેત કર્યા હતા કે ત્યાંનું જમવાનું જરા તીખું છે એટલે તમે પહેલેથી કહી દેજો. આ ટીપ અમારા માટે સારી હતી.
અમે જમવા બેઠા તો જોયું કે ગરમાગરમ પરાઠા હતા, પણ શાકમાં વરાઇટી ઓછી હતી. સેવ-ટમેટાંનું શાક હતું તો સાથે ગાંઠિયાનું શાક, લાલ બટાટાનું રસાવાળું શાક, બટાટાની સૂકી ભાજી, ઢોકળીનું શાક અને સિંગનાં ભજિયાંનું શાક હતું. આ શાક મેં પહેલી વાર સાંભળ્યું હતું એટલે મેં તો એનો ઑર્ડર આપ્યો. અમે જમવામાં ત્રણેક જણ હતા એટલે પછી નક્કી કર્યું અને બધાં જ શાક મગાવી લીધાં.
અહીં મિનરલ પાણીની બૉટલ ફ્રીમાં આપે છે તો સાથોસાથ વઢવાણી મરચાં હતાં. આ જે વઢવાણ છે એ સુરેન્દ્રનગરની બાજુમાં છે. બન્ને જોડકાં શહેર જ કહેવાય. વઢવાણનાં મરચાં બહુ ફેમસ અને એમાંય વઢવાણનાં આથેલાં મરચાં તમે ખાઓ એટલે દિલ ખુશ થઈ જાય. હા, પણ નૉવેલ્ટીમાં જે મરચાં મળ્યાં એ આ આથેલાં મરચાં નહોતાં, વઢવાણી તળેલાં મરચાં હતાં. એની સાથે ટમેટાં, છાશ અને ઘોરવું પણ હતાં. આ ઘોરવું એટલે નહીં છાશ, નહીં દહીં. ઘોરવામાં કાળા મરી નાખીને પીધું. બહુ મજા આવી.
હજી તો આ બધું ચાલતું હતું ત્યાં ગરમાગરમ પરાઠા આવ્યા. એક પછી એક ગરમ પરાઠા આપે. આ પરાઠા તેલમાં તળેલા હતા એટલે થોડાક ઑઇલી હતા. બધાં શાક લાલચટક હતાં, પણ મજાની વાત એ હતી કે એમાં એવી તીખાશ નહોતી. સેવ-ટમેટાંનું શાક અદ્ભુત હતું તો સિંગ-ભુજિયાનું જે શાક હતું એ પણ સારું હતું.
સુરેન્દ્રનગર હું ઘણી વખત ગયો છું પણ અહીં નૉવેલ્ટીમાં પહેલી વાર જમ્યો. આ સુરેન્દ્રનગરમાં સિકંદરની સિંગ પણ મળે છે. એની આપણે ત્યાં મુંબઈમાં તો ડિમાન્ડ છે જ, દેશ-વિદેશમાં પણ એ બહુ ખવાય છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં રાજેશના પટ્ટીવાળા સમોસા અને રાજેશ્વરીનાં સેવ-મમરા પણ બહુ પૉપ્યુલર. આ નામમાં એક વધુ નામ ઉમેરાયું.
નૉવેલ્ટી પરોઠા સેન્ટર.
જો તમને કાઠિયાવાડી ફૂડ ભાવતું હોય તો તમારે એક વાર નૉવેલ્ટીમાં અચૂક પરાઠા-શાક ખાવા જવું જોઈએ.