17 December, 2023 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અહીં મળતી તમામ ચીજો શુગર-ફ્રી છે
કોઈ પણ સ્વીટ ખાવાની હોય એટલે તરત જ કૅલરીનો વિચાર આવે અને સાથે શુગર રશ થઈ જશે તો શું એની ચિંતા પણ થાય. જોકે મીઠાઈ ખાતી વખતે તમારે જરાય કૉન્શ્યસ થવાની જરૂર ન પડે એવી એક જગ્યા ખૂલી છે. આ જગ્યાનો દાવો છે કે અહીં મળતી તમામ ચીજો શુગર-ફ્રી છે. નામ છે કૉન્શ્યસ મીઠાઈવાલા. એ શૉપ શરૂ કરનારા શેફ હર્ષ ખુદ ડાયાબેટિક છે એટલે તેમણે શુગરની તકલીફ ધરાવતા લોકો પણ થોડીક માત્રામાં મીઠાઈ એન્જૉય કરી શકે એવી વાઇડ રેન્જ ઑફ સ્વીટ્સ મૂકી છે. અમે ક્યાંય શુગર-ફ્રી જલેબી નથી જોઈ, પણ અહીં તમને એ મળશે.
રસમલાઈ જેવી બંગાળી મીઠાઈ હોય કે મોતીચૂરના લાડુ જેવી ટ્રેડિશનલ; જમ્બો ડેટ, પાઇનૅપલ કાજુ કે તિરામિસુ પેંડા પણ અહીં શુગર-ફ્રી મળે છે. બહોત કુછ મીઠાની સાથે અહીં થોડાક નાસ્તા પણ મળે છે જેમાં કેળાની વેફર કે ભાખરવડી જેવી ચીજો નૉન-ફ્રાઇડ છે અને છતાં સ્વાદમાં કોઈ કૉમ્પ્રોમાઇઝ નથી.
અમે અહીંની શુગર-ફ્રી જલેબી ટ્રાય કરી અને ખરેખર ખૂબ જ ભાવી. જોકે પર્સનલી એવું લાગે છે કે શુગર-ફ્રી હોય એટલે મનફાવે એટલું ગળ્યું ખાવું એવું પ્રમોટ ન જ કરવું જોઈએ. છતાં ડાયાબેટિક દરદીઓને સ્વીટ ખાવાનું મન થાય ત્યારે આ જુગાડ બેટર વિકલ્પ બની રહે.
ક્યાં?: કૉન્શ્યસ મીઠાઈવાલા, શ્રી ગણગૌર સ્વીટ્સ, ગુલમહોર ક્રૉસ રોડ-નંબર ૯, જુહુ સ્કીમ
કિંમતઃ ૪૦૦ રૂપિયાથી શરૂ
સમયઃ બપોરે ૧૨થી રાતે ૧.૩૦