૬ મહિનાના બાળકને બહારનું ખાવાનું કઈ રીતે શરૂ કરાવવું?

26 November, 2021 06:56 PM IST  |  Mumbai | Dr. Pankaj Parekh

હું ઘણી વસ્તુઓ ટ્રાય કરી ચૂકી છું. તેને અન્ન ખાતાં કેવી રીતે કરું એ જ મને સમજાતું નથી. ખૂબ અઘરું તઈ રહ્યું છે. માર્ગદર્શન આપશો.

પ્રતીકાત્મક તસવીર

મારી દીકરી ૬ મહિનાની થઈ એને ૧૫ દિવસ થઈ ગયા. ધીમે-ધીમે સ્તનપાન સાથે તેનો ખોરાક શરૂ કરવાનો છે, પરંતુ તકલીફ એ છે કે તે ખાતી જ નથી. તેના મોઢામાં જેકાંઈ મૂકો તે બહાર થૂકી નાખે છે. તેને ફક્ત સ્તનપાન જ કરવું છે, બહારનું કાંઈ ખાવું નથી. તેને શું ભાવશે એ જ મને સમજાતું નથી. હું ઘણી વસ્તુઓ ટ્રાય કરી ચૂકી છું. તેને અન્ન ખાતાં કેવી રીતે કરું એ જ મને સમજાતું નથી. ખૂબ અઘરું તઈ રહ્યું છે. માર્ગદર્શન આપશો.  
 
સ્તનપાન કરતા બાળકને ઉપરનો ખોરાક - જેમ કે ભાતનું ઓસામણ, દાળનું પાણી, ખીચડી, ક્રશ કરેલાં શાકભાજી કે ફળ ખાતાં કરવાનું સહેલું નથી, જોકે સમજવું જરૂરી છે કે બાળકને શરૂઆતમાં કંઈ પણ આપશો તો તે નહીં જ ખાય. બાળકને ભાવવા કે નહીં ભાવવા જેવું કશું હોતું જ નથી, કારણ કે હજી તેનો ટેસ્ટ ડેવલપ થયો નથી. એક દિવસ તેણે કશું ન ખાધું તો બીજા દિવસે એ જ સમયે એ જ વસ્તુ તેને આપો. તેને ટેસ્ટ સમજવા માટે પણ સમય જોઈશે. વળી એકસાથે ઘણી બધી વસ્તુની તેને ઓળખ ન કરાવો. જેમ કે આજે આખા દિવસમાં મગનું પાણી, દૂધીનું સૂપ, સફરજનની ચીરી અને ભાતનું ઓસામણ આપ્યું તો અઠવાડિયા સુધી એ જ આપો. બને ત્યાં સુધી સમય પણ નિશ્ચિત રાખો બીજા અઠવાડિયે નવા સ્વાદવાળો ખોરાક આપો. આ ઉમરે બધું ખાતાં શીખવાની આદત પાડશો તો જીવનભર ખાવાને લઈને બાળકને કોઈ પ્રૉબ્લેમ આવશે નહીં.
જ્યારે બાળકને સ્તનપાન કરાવતા હોઈએ ત્યારે બહારનો ખોરાક સ્તનપાન બાદ તરત જ ન આપવો. બાળક ભૂખ્યું થાય પછી જ આપવો. બને તો તેના સમય ફિક્સ કરી નાખો જેનાથી બાળકને સમજાય કે તેને આ સમયે દૂધ નહીં, પરંતુ ખોરાક જ મળશે. માનું દૂધ અને બાકીના પદાર્થો વચ્ચેનો રેશિયો સમજી લેવો જરૂરી છે. દૂધ કેટલું અને ઉપરનો ખોરાક કેટલો એ સમજીએ તો ૬થી ૯ મહિના સુધી ૭૦ ટકા માનું દૂધ અને ૩૦ ટકા ઉપરનો ખોરાક આપવો જોઈએ. ૯ મહિના પછી બાળકને ૫૦ ટકા માનું દૂધ અને ૫૦ ટકા ઉપરનો ખોરાક આપવો. મોટા ભાગે ૧ વર્ષ પછી ઘણી સ્ત્રીઓ પોતાનું દૂધ આપવાનું બંધ કરી દે છે. જો ન કર્યું હોય તો ૧ વર્ષ પછી ૭૦ ટકા ઉપરનો ખોરાક અને ૩૦ ટકા માનું દૂધ આપી શકાય.

columnists mumbai food Gujarati food indian food health tips