લેફ્ટઓવરમાંથી લાજવાબ ડિશ

16 March, 2021 01:21 PM IST  |  Mumbai | Pratik Ghogare

અન્નનો બગાડ ન થાય એ માટે બચેલી વાનગીમાંથી બેસ્ટ આઇટમ બનાવવામાં આ ગુજરાતી ગૃહિણીઓનો જોટો જડે એમ નથી

લેફ્ટઓવરમાંથી લાજવાબ ડિશ

યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ ૨૦૨૧ના રિપોર્ટ અનુસાર ખાવાના ઉપયોગ માટે રાંધવામાં આવતા ટોટલ ફૂડમાંથી ૧૭ ટકા ફૂડ કચરાપેટીમાં જાય છે. ઘરમાં કે બહાર અન્નનો બગાડ ન કરવાની ભલામણ કર્યા છતાં અનેક ઘરોમાં વાનગીઓ ફેંકી દેવાય છે એ વાસ્તવિકતા છે. જોકે એવી અનેક સભાન ગૃહિણીઓ છે જે વધેલી રસોઈમાંથી ટેસ્ટી ડિશ બનાવવામાં માહેર છે. ચાલો આવી જ કેટલીક ગૃહિણીઓના કિચનમાં ડોકિયું કરી તેમની કિચન-ક્રીએટિવિટીમાંથી પ્રેરણા મેળવીએ.
મમ્મીની ટ્રેઇનિંગથી ક્રીએટિવિટી | દાળ-ભાત-રોટલીમાંથી જ નહીં, વધેલી ભાજી અને ફાસ્ટ ફૂડમાંથી પણ જુદી-જુદી સ્વાદિષ્ટ વાનગી બનાવવામાં બોરીવલીનાં રક્ષા જૈનનો જવાબ નથી. બટાટા-વટાણાના વધેલા શાક અને રોટલીમાંથી મિની સમોસાં, ફ્રેન્કી, ચાઇનીઝ સમોસાં, પરાઠાં, મિની ઉત્તપ્પા જેવી અઢળક વાનગીઓ બનાવવા માટે લેફ્ટઓવર ફૂડનો ઉપયોગ કરી શકાય છે. ગૃહિણીઓને આઇડિયાઝ આપવાની જરૂર જ નથી, તે ઇન બિલ્ટ છે એવો અભિપ્રાય આપતાં તેઓ કહે છે, ‘નાનપણમાં વધેલી રસોઈનો ઉપયોગ કરી વધુ એક ટંક નીકળી જાય એવા પ્રયોગ કરતાં મમ્મીને જોયાં છે. અન્નનો બગાડ ન થાય એ માટે તેમની ટ્રેઇનિંગ લગ્ન પછી બહુ કામ આવી છે. હું જૉબ કરતી હતી ત્યારે લેફ્ટઓવરમાંથી કૉમન ડિશ બનાવતી હતી, પરંતુ દીકરીના જન્મ બાદ ઘરે રહીને ઘણી નવી ડિશ રીઇન્વેન્ટ કરવાની તક મળી. ટ્રેડિશનલ ઇન્ડિયન લેફ્ટઓવર ફૂડમાંથી મેક્સિકન અને ઇટાલિયન ડિશ પણ ટ્રાય કરી છે. ઘણી વાર ફૅમિલીને ખબર પણ ન પડે કે આ વધેલી રસોઈમાંથી બનાવેલી વાનગી છે.’
અન્ન ન વેડફવાની કસમ | રામમંદિર
રેલવે-સ્ટેશન પર પાણીની પરબમાં એક ગરીબ માણસ કચરામાંથી વીણેલી રોટલીને પલાળીને તૂટી ન જાય એ રીતે હળવા હાથે ધોઈ રહ્યો હતો. ધૂળ સ્વચ્છ થયા બાદ તેણે રોટલીનું બટકું મોઢામાં મૂક્યું એ જોઈને ઘાટકોપરનાં સમાજસેવિકા ડિમ્પલ પંડ્યાનું હૃદય દ્રવી ઊઠ્યું. એ દિવસે તેમણે કસમ ખાધી કે ઘરમાં અન્નનો એક દાણો પણ વેડફાવા નહીં દઉં. તેઓ કહે છે, ‘વિશ્વમાં લાખો લોકો કચરામાંથી એઠવાડ ઉપાડીને પોતાનું પેટ ભરે છે. નજરોનજર જોયેલી ઘટના બાદ મારા રસોડામાંથી ક્યારેય વધેલું ફૂડ ફેંકવામાં નથી ગયું. રોટલી અને ભાત એવી વાનગી છે જે બધાના ઘરમાં વધતી હોય. આ રોટલીમાંથી ક્રન્ચી હક્કા નૂડલ્સ, મોદક, ભેળ જેવી ટેસ્ટી ડિશ બની શકે છે.’

ચીઝ રાઇસ બૉલ્સ રક્ષા જૈન, બોરીવલી

સામગ્રી : ૨૫૦ ગ્રામ જેટલા વધેલા ભાત, બે નાની સાઇઝના બાફેલા બટાટા, ૫૦ ગ્રામ કૉર્ન સ્ટાર્ચ, ૫૦ ગ્રામ ચીઝ, ૫૦ ગ્રામ સ્વીટ કૉર્ન, ક્ર્શ કૉર્ન ફ્લેક્સ, બારીક સમારેલાં આદું-લસણ, ૧ ચમચી, ઑરેગૅનો, બેઝિલ, રોઝમૅરી, પાર્સલી જેવા હર્બ્સ, ૨ ચમચી મેંદો, મીઠું, તળવા માટે તેલ
રીત : વધેલા ભાતમાં સ્વીટ કૉર્ન, સ્મૅશ્ડ પટૅટો, હર્બ્સ, મીઠું, આદું-લસણ નાખી સરખી રીતે મિક્સ કરીને નાના-નાના બૉલ્સ વાળી લો. બીજા બાઉલમાં મેંદો અને કૉર્ન સ્ટાર્ચ લઈ પાતળું ખીરું તૈયાર કરવું. બૉલ્સને ફોક વડે ઉપાડીને ખીરામાં બોળી ક્રશ્ડ કૉર્ન ફ્લેક્સમાં રગદોળીને પ્લેટમાં મૂકતા જાઓ. બધા બૉલ્સ ગોઠવાઈ જાય એટલે પ્લેટને બે કલાક ફ્રીઝરમાં મૂકો. ત્યાર બાદ મધ્યમ આંચ પર તળીને ગરમાગરમ પીરસો.
સમીર માર્કન્ડે

ક્રન્ચી નૂડલ્સ
ડિમ્પલ પંડ્યા, ઘાટકોપર

સામગ્રી : વધેલી રોટલી, ફણસી, ગાજર, કૅપ્સિકમ, કોબી, લીલા કાંદા, આદું-મરચાંની પેસ્ટ, અડધી ચમચી વિનેગર, બે ચમચી સોયા સૉસ, તેલ, બે ચમચી બટર, મીઠું
રીત : રોટલીને લાંબી અને એકદમ પાતળી કાપી તેલમાં તળી લો. શાકભાજીને બારીક સમારી લો. નૉનસ્ટિક પૅનમાં બટર લઈ સમારેલાં શાકભાજી સાંતળો. એમાં મીઠું, આદું-મરચાંની પેસ્ટ નાખીને થોડી વાર ગૅસ પર રહેવા દો. ત્યાર બાદ વિનેગર અને સોયા સૉસ નાખી સરખી રીતે મિક્સ કરો. હવે તળેલી રોટલી નાખી થોડી વાર ઢાંકીને રહેવા દો. પાંચ મિનિટ બાદ ઉપરથી કોથમીર વડે ગાર્નિશ કરી પીરસો. વેજિટેબલ ખાવામાં આનાકાની કરતાં યંગ કિડ્સ માટે આ બેસ્ટ છે.

લોચો ફેમસ થયો એમ શીરામાંથી દાબેલીનું સર્જન કર્યું
પ્રીતિ જોષી, ઐરોલી
વધેલા ઉપમામાંથી પરાઠાં, બચેલી રોટલીમાંથી મોદક અને શીરામાંથી દાબેલી બનાવી છે? લેફ્ટઓવર ફૂડમાંથી આવી તો અઢળક વરાઇટી બનાવવામાં એરૌલીનાં પ્રીતિ જોશીની માસ્ટરી છે. કોઈ પણ વાનગી વધી હોય એમાંથી હટકે વાનગી બનાવી આપવાની ગૅરન્ટી આપતાં તેઓ કહે છે, ‘જે રીતે સુરતનો લોચો ગરબડમાંથી બન્યો અને નવી વાનગી તરીકે ઇન્ટ્રોડ્યુસ થયો અને લોકપ્રિય બન્યો એવી જ રીતે મારી બધી વાનગીઓ લેફ્ટઓવર ફૂડમાંથી એક્સપરિમેન્ટ કરીને ફેમસ થઈ છે. એક વાર થયું એવું કે સત્યનારાયણનો પ્રસાદ ખૂબ વધ્યો હતો. એ દિવસે સાંજે દાબેલી બનાવવાનો પ્રોગ્રામ હતો જ. મને થયું કે જૈન લોકો કેળામાંથી દાબેલી બનાવે છે તો શીરામાંથી કેમ ન બનાવી શકાય? કેળાની જગ્યાએ શીરો વાપરીને બનાવેલી જૈન દાબેલી અમારા ઘરમાં બધાને ખૂબ ભાવી.
શીરા દાબેલી
સામગ્રી : એક વાટકી વધેલો શીરો, અડધી વાટકી દાબેલી મસાલો, અડધી વાટકી સિંગતેલ, અડધી વાટકી આમલીનું પાણી, મીઠું પ્રમાણસર, મસાલા શિંગ, પાંઉ.
રીત : કડાઈમાં તેલ ગરમ કરી દાબેલી મસાલો નાખવો. શીરાને છૂટો પાડી મસાલામાં શેકવો. શેકાઈ ગયા બાદ
મીઠું અને આમલીનું પાણી નાખી ગરમ થવા દેવું. આ સ્ટફિંગને પાંઉમાં ભરીને ઉપરથી મસાલા શિંગથી ગાર્નિશ કરી પીરસવું. શીરો ગળ્યો હોવાથી ગળી ચટણી ન વાપરો તોય ચાલશે. બટાટા કરતાં રવો હેલ્ધી હોવાથી એક્સપરિમેન્ટ કરવા જેવો છે.

columnists Gujarati food mumbai food indian food Varsha Chitaliya