ઉપવાસ વગર પણ જ્યાંનું ફરાળી મિસળ બારેમાસ ડિમાન્ડમાં હોય છે

16 May, 2026 01:32 PM IST  |  Mumbai | Darshini Vashi

દાદરમાં આવેલી ૯૫ વર્ષ જૂની પણશીકર એની ઑથેન્ટિક મહારાષ્ટ્રિયન વાનગીઓ માટે પ્રસિદ્ધ છે, પણ અહીં મળતું ફરાળી મિસળ જ આ જગ્યાની ઓળખ છે

ઉપવાસ વગર પણ જ્યાંનું ફરાળી મિસળ બારેમાસ ડિમાન્ડમાં હોય છે

૧૯૩૧માં ભાલચંદ્ર પણશીકરે દાદરમાં પણશીકર નામનો સ્ટૉલ શરૂ કર્યો હતો જેને બાદમાં કાયમ રાખીને તેમના પુત્ર પરશુરામે સ્ટૉલને વધુ વિસ્તાર્યો હતો. ત્યાર બાદ તેમના પુત્ર એટલે કે ત્રીજી પેઢીના નારાયણ પણશીકર અને તેમની પત્ની લક્ષ્મી પણશીકરે એને વધુ આગળ લઈ જઈને એક નાનકડી હોટેલ બનાવી દીધી. આજે તેમનો દીકરો અને તેમની દીકરી જે આ ફૅમિલીની ચોથી પેઢી છે તે હવે અહીંનો કારભાર સંભાળી રહ્યાં છે.
પણશીકરની ચોથી પેઢી એટલે કે રાધિકા પણશીકર કહે છે, ‘ફરાળી મિસળ એ સમયે ક્યાંય મળતું નહોતું. ઉપવાસ દરમ્યાન ખાવા માટે નૉર્મલી ખીચડી, સાબુદાણાનાં વડાં, ફરાળી પૅટીસ, રાજગરાની પૂરી અને ભાજી, થાલીપીઠ જેવી વસ્તુઓ અહીં તેમ જ બીજી ઘણી જગ્યાએ મળતી હતી. જોકે ફરાળી મિસળ માત્ર પણશીકરમાં જ મળતું હતું. આ ફરાળી મિસળને સાબુદાણા, બાફેલા બટાટા, સિંગદાણાની તરી અને બટાટાની સેવમાંથી તૈયાર કરવામાં આવે છે. મારા પરદાદાનો આ આઇડિયા હતો જે લોકોને ગમ્યો અને પછી તો અહીં વારંવાર ઉપવાસ હોય કે ન હોય તો પણ લોકો આ ફરાળી મિસળની ડિમાન્ડ કરતા. ત્યારથી અમારી આ ફરાળી મિસળની વાનગી આઇકૉનિક બની ગઈ છે. આ તો થઈ ફરાળી વાનગીની વાત. અહીં નૉન-ફરાળી આઇટમો પણ એટલી જ મળે છે. જેમ કે પુણેરી મિસળ, બટાટાવડાં, કો​થિમ્બીર વડી, અલગ-અલગ જાતના મોદક, વિવિધ મીઠાઈ, લાડવા મળે છે. આ સિવાય અહીં કોકમ શરબત, પીયૂષ, આમ પન્ના, છાશ વગેરે મળે છે.’
ક્યાં મળશે? : પણશીકર, સેનાપતિ બાપટ માર્ગ, દાદર સ્ટેશનની સામે, દાદર-વેસ્ટ, સમય : સવારે ૭.૩૦ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી (રવિવારે બંધ)

food and drink food news street food Gujarati food mumbai food dadar indian food darshini vashi columnists lifestyle news life and style