અનાયાસ ભાઠા જવા મળ્યું અને કણીનો જલસો મળ્યો

07 February, 2026 09:35 PM IST  |  Surat | Sanjay Goradia

નિયમિત સુરત જતા હશો તો આ કણી વિશે ખબર હશે પણ નવા સ્વાદશોખીનોએ એક વાર ભાઠા ગામ જઈને આ કણી ખાવી જોઈએ, આ વખતની ફૂડ-ડ્રાઇવનો યોગ તો સાવ જ અનાયાસ થયો અને હું ખૂબ ખુશ થઈ ગયો.

અનાયાસ ભાઠા જવા મળ્યું અને કણીનો જલસો મળ્યો

આ વખતની ફૂડ-ડ્રાઇવનો યોગ તો સાવ જ અનાયાસ થયો અને હું ખૂબ ખુશ થઈ ગયો.
બન્યું એમાં એવું કે અત્યારે મારી જે ગુજરાતી ફિલ્મનું શૂટ સુરતમાં ચાલે છે એમાં એક સીન છે જેમાં હું ભેંસ લઈને ગામમાંથી આવું અને એવું બધું. આ સીન માટે અમારે કોઈ ગામ જવાનું હતું. મને તો ખબર નહીં કે ક્યાં જવાનું હશે. સવારે ગાડી આવી એટલે હું તો એમાં બેસી ગયો અને સુરતથી અડધો કલાકના રસ્તા પર આવેલા ભાઠા નામના ગામે અમારી ગાડી ઊભી રહી. ગામના બસ-સ્ટૉપ પર ગામનું નામ વાંચી મારી આંખો ચમકી કે લે, આ તો અમે ભાઠા આવ્યા અને મારા મનમાં ભાઠાની કણી આવી ગઈ!
પહેલાં તમને કહું કે શું છે આ ભાઠાની કણી.
એક પ્રકારના આ ગાંઠિયા છે જે આપણી આંગળીના વેઢાની સાઇઝના હોય. એમાં મરી નાખ્યાં હોય. આ જે ગાંઠિયા છે એને કણી કહે છે. આ કણી અમે અમેરિકામાં ખૂબ ખાધી છે. અમેરિકામાં ધારો કે અમારા ૫૦ શો હોય તો એમાંથી ૩૦ શોમાં અમારા માટે રાજુની કણી આવે જ આવે. ચા સાથે એ ખાવાની બહુ મજા આવે. અમેરિકામાં અમને એ એટલી ભાવતી થઈ ગઈ કે પછી એક વણલખ્યો નિયમ બની ગયો કે સુરત આવો એટલે રાજુની કણી લેતા જ જવાની. 
હવે આવીએ આપણી વાત પર.
ભાઠા ગામની કણી બહુ વખણાય અને આ જ ગામ કણીનું જનક એટલી મને ખબર એટલે હું તો મેકઅપ અને કૉસ્ચ્યુમ ચેન્જ કરી નીકળ્યો ગામમાં. શૂટિંગને હજી ત્રણેક કલાકની વાર હતી. કણીની ઇન્ક્વાયરી કરતાં-કરતાં આગળ વધ્યો અને કણીનો જન્મ કેમ થયો એની હિસ્ટરી પણ જાણતો ગયો.
વર્ષો પહેલાં ભાઠા ગામના એક ભાઈ હતા. તેણે ઘરઘરાવ જ આ કણી બનાવવાનું શરૂ કર્યું પણ તે ઑર્ડર પર જ બનાવી દે. કહો કે સાવ નાનું અમસ્તું કામ. આ ભાઈ ગુજરી ગયા એટલે કણી બનતી બંધ થઈ ગઈ પણ આ જ ગામમાં રહેતા બાલુભાઈ અને મંગાભાઈએ કણી બનાવવાની રીત જાણી અને પછી એ બનાવવાનું શરૂ કર્યું. આમ કણીનો પુનર્જન્મ થયો. સુરતમાં જે રાજુની કણી મળે છે એ રાજુભાઈએ કણીનું જોરદાર માર્કેટિંગ કર્યું અને અમેરિકા-યુરોપ સુધી પહોંચાડી, પણ સાચી કણી એટલે આ બાલુભાઈ અને મંગાભાઈની કણી.
ભાઠા ગામ નાનું એટલે મને બાલુભાઈ આસાનીથી મળી ગયા. હું તેમની સાથે આ જે કણી બને છે એ જગ્યાએ પણ ગયો. અરે, જાતજાતની અને ભાતભાતની કણી તે બનાવે છે પણ એ બધામાં જો સૌથી બેસ્ટ કણી કોઈ હોય તો લવિંગિયા મરચાંની કણી. મેં તેમની સાથે બેસીને ગરમાગરમ કણી ખાધી, જે અનુભવ મારા માટે પહેલી વારનો હતો. રૂબરૂ જવાનો બીજો એક ફાયદો એ થયો કે મને ત્યાં ગરમાગરમ બટાટાપૂરી પણ ખાવા મળી. આ બટાટાપૂરી એટલે બટાટાનાં ભજિયાં જેને ઘણાં લોકો પતરીનાં ભજિયાં પણ કહે છે. પણ ભાઠામાં આ બટાટાપૂરી ખાવાની જુદી જ સ્ટાઇલ છે.
દરેક બટાટાપૂરી પર શેકેલું જીરું અને મરીનો પાઉડર છાંટવામાં આવે અને તમારે એ રીતે એ બટાટાપૂરી ખાવાની. સાવ અલગ જ સ્વાદ આવે. મને તો એમાં પણ મજા આવી ગઈ અને એટલે જ મને થયું કે ભાઠામાં તમને આ બે વરાઇટી ટ્રાય કરવા મળશે. સુરતથી ખાસ દૂર પણ નથી એટલે જો સુરત આવવાનું બને તો ચોક્કસપણે ભાઠા આવીને જ આ કણીનો આસ્વાદ માણવો જોઈએ. તમને કણીમાં અલગ-અલગ વરાઇટી પણ મળશે.

food and drink food news street food Gujarati food indian food Sanjay Goradia columnists surat