જૅકેટ્સનું કલેક્શન જોવું હોય તો ડોકિયું કરો તર્જની ભાડલાના વૉર્ડરૉબમાં

14 September, 2022 10:31 AM IST  |  Mumbai | Rachana Joshi

શૂટિંગની વ્યસ્તતામાંથી મહિનામાં એકાદ-બે વાર સમય કાઢીને અભિનેત્રી પોતાનું વૉર્ડરૉબ સાફ કરે છે

તર્જની ભાડલા શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ

સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.

આ વર્ષમાં ‘રાડો’ અને ‘ફક્ત મહિલાઓ માટે’ જેવી બે સુપરહિટ બ્લૉકબસ્ટર ફિલ્મો આપનાર ‘હેલ્લારો’ ફૅમ અભિનેત્રી તર્જની ભાડલા (Tarjanee Bhadla) આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...

સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?

જવાબ : મારા રુમમાં મોડર્ન સ્ટાઇલના સ્લાઇડિંગ ડૉરવાળા બે વૉર્ડરૉબ છે. 

 

સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?

જવાબ : જે વૉર્ડરૉબમાં જૅકેટ્સનો ખજાનો હોય એ વૉર્ડરૉબ એટલે તર્જનીનું.

સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?

જવાબ : જ્યારે મહેમાન આવવાના હોય ત્યારે (ખડખડાટ હસે છે.) એટલે જો કોઈકવાર બેક ટુ બેક શૂટિંગ અને પ્રમોશનમાં વ્યસ્ત હોવ ત્યારે રુમમાં એક ખુરશી પર કપડાનો ઢગલો કરી રાખું. ત્યારે એ ખુરશી જ મારું વૉર્ડરૉબ હોય. પછી જો મહેમાન આવવાના હોય ત્યારે ફટાફટ એ બધા કપડા વૉર્ડરૉબમાં ગોઠવી દઉં. બાકી સમયાંતરે સાફ-સફાઈ કરું જ છું.

 

આ પણ વાંચો : માનસી રાચ્છની વૉર્ડરૉબ ગોઠવણી એવી કે આંખ બંધ કરીને શોધો તો પણ જોઇતી વસ્તુ મળે જ

 

સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?

જવાબ : મહિનામાં એક અથવા બે વાર વૉર્ડરૉબ ગોઠવવા માટે સમય ફાળવું છું. જ્યારે શૂટિંગ શેડ્યુલ ન હોય કે કોઈ પ્રોજેક્ટમાં વ્યસ્ત ન હોવ ત્યારે હું શાંતિથી સમય કાઢીને વૉર્ડરૉબ ગોઠવતી હોવ છું.

 

સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?

જવાબ : હું જ્યારે પણ મારા કપડા ગોઠવું ને ત્યારે સ્ટાઇલ મુજબ અલગ સેક્શનમાં ગોઠવું છું. એટલે કે ટ્રેડિશનલ અને વેસ્ટર્ન જુદા-જુદા એ રીતે. તે સિવાય જે કપડાનું મટિરિયલ પાતળું હોય તે થપ્પીમાં એકદમ નીચે અને એની ઉપર જાડું મટિરિયલ હોય તેવા કપડા ગોઠવું. જેથી નીચે રહેલા પાતળાં કપડાની ઇસ્ત્રી સારી રહે.

 

સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.

જવાબ : તમે સેક્શન મુજબ અને જરુરિયાત મુજબ કપડાં ગોઠવો તો એ હંમેશા સરળ રહે છે. જેમ કે, ઘરમાં પહેરવાના અને બહાર પહેરવાના કપડાંની થપ્પીઓ જુદી ગોઠવી શકો છો.

 

સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?

જવાબ : હું છે ને બધાના જ કપડા પહેરી શકું. એટલે કે મારી મમ્મીની સાડી કે ડ્રેસ પણ પહેરી શકું, મારા ભાઈનું ટી-શર્ટ પહેરી શકું. પણ મારા કપડા કોઈ ન પહેરી શકે. મને કોઈના વૉર્ડરૉબમાંથી કપડા લેવા ગમે પણ પણ સાચુ કહું તો મારા કપડા કોઈ માંગેને ત્યારે થોડોક ખચકાટ તો થાય થાય ને થાય જ.

 

આ પણ વાંચો : મારા વૉર્ડરૉબ સિક્રેટ્સને સિક્રેટ જ રહેવા દો તો સારું : યશ સોની

 

સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?

જવાબ : ના કયારેય નહીં.

 

સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?

જવાબ : સોથી મોંઘા આઉટફીટ પાછળ તો બહુ ઇન્ટરસ્ટિંગ વાર્તા છે. ‘હેલ્લારો’ના નેશનલ ઍવૉર્ડ સમારોહમાં મેં એક ડિઝાઇનરનું ગાઉન પહેર્યું હતું. ઍવૉર્ડ સમારોહ પછી અમે ડિનર માટે ગયા હતા ત્યારે અજાણતા જ મારાથી ગાઉન જરાક ફાટી ગયું હતું. એટલે નિયમ પ્રમાણે મારે તે ગાઉન ડિઝાઇનર પાસેથી ખરીદવું પડ્યું હતું. જેની કિંમત હતી ૩૬,૦૦૦ રુપિયા. બસ, આ જ મારું સૌથી મોંઘુ આઉટફિટ છે. તે સિવાય ઝારાના જૅકેટ્સ પણ મારા મોંઘા આઉટફિટમાં જ ગણાય.

સૌથી સસ્તું શોપિંગ મેં ગોવામાં કર્યું હતું. ત્યાં કિલોના ભાવે કપડા મળતા હતા અને ત્યારે મેં સસ્તા ભાવે બહુ ખરીદી કરી હતી.

સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?

જવાબ : અફકોર્સ, મારા જૅકેટનું કોર્નર.

 

સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?

જવાબ : એક જીન્સ, એક કુર્તિ, બ્લેક ડ્રેસ, બાંધણી દુપટ્ટો (જેમાં તમે ‘કુછ-કુછ’ હોતા હૈની અંજલી જેવા ક્યૂટ લાગી શકો) અને દરેક પ્રસંગમાં શોભે તેવી પિન્ક નેટ સારી. તે સિવાય એક ન્યૂડ હિલ્સ પણ દરેક છોકરી પાસે હોવી જ જોઈએ.

 

સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?

જવાબ : સમય અને સંજોગો અનુસાર હું સ્ટાઇલ અને કમ્ફર્ટ બન્નેને પ્રાથમિકતા આપતી હોવ છું. ફિલ્મનું પ્રમોશન, પ્રિમિયર કે કોઈ ઇવેન્ટ હોય ત્યારે હું સ્ટાઇલને વધુ મહત્વ આપું. એક અભિનેત્રી તરીકે પ્રેઝન્ટેબલ રહેવું પડે એટલે ત્યારે સ્ટાઇલને મહત્વ આપવું જરુરી જ છે. જોકે, મિત્રો સાથે ક્યાંય જવાનું હોય કે પછી રેગ્યુલર જીવનમાં કમ્ફર્ટને વધુ મહત્વ આપું. મારી સ્ટાઈલ શીક એથનિક કહી શકાય.

 

સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?

જવાબ : ટ્રેન્ડ્સ ફૉલૉ કરવા કે પછી સ્ટાઇલ પ્રમાણે કપડા પહેરવા એ મારા મુડ પર આધારિત છે. જ્યારે હું કૉલેજમાં હતી ત્યારે મારી એક ચોક્કસ સ્ટાઇલ હતી. કુર્તી, ચાંદલો અને એક પૉની એ જ મારી સ્ટાઇલ હતી.

સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે?

જવાબ : ના ક્યારેય નહીં. હું કોઈપણ ઇવેન્ટ પહેલા બેથી ત્રણ વાર મારા કોસ્ચ્યુમ ચૅક કરી લઉં અને જ્યારે સેટ પર હોઈએ ત્યારે સ્ટાઇલિશ તો સાથે હોય જ એટલે Malfunction જેવો પ્રશ્ન ઉભો નથી થયો.

 

આ પણ વાંચો : મારું વૉર્ડરૉબ મેં જાતે ડિઝાઇન કર્યું છે : પૂજા જોશી

 

સવાલ : તમારા માટે ફેશન એટલે શું?

જવાબ : ફેશન એક તક છે, જ્યાં તમે તમારી જાતને ઓળખી શકો અને પોતાને એક્સપ્લૉર કરી શકો.

life and style fashion news fashion dhollywood news gujarati film wednesday wardrobe rachana joshi