હવે ફૅશનમાં પણ ડોપમાઇન

15 March, 2024 07:37 AM IST  |  Mumbai | Heena Patel

ફક્ત કલર નહીં; ફૅબ્રિક, પૅટર્ન અને ટેક્સ્ચર વગેરે પણ ગુડ ફીલ કરાવવામાં સારી ભૂમિકા ભજવે છે.

બોલીવુડની અભિનેત્રીઓ

ફૅશન ટ્રેન્ડ તો આવતા-જતા રહે છે; પણ જે ફૅશન તમને ખુશ કરી દે, તમારો મૂડ સુધારી દે, તમને એકદમ વાઇબ્રન્ટ ફીલ આપે એ છે નવો ટ્રેન્ડ. ફૅશનિસ્ટાઓએ એને ડોપમાઇન ફૅશન ટ્રેન્ડ નામ આપ્યું છે. આ હકીકતમાં કલર સાઇકોલૉજી અને ફૅશનનું ફ્યુઝન હોવાથી વાઇબ્રન્ટ રંગોનાં કપડાં લુકમાં ફ્રેશનેસ તો લાવે જ છે પણ સાથે પહેરનારને ફીલગુડ કરાવીને આત્મવિશ્વાસ વધારે છે. 

જનરલી આપણે સારા લુક્સ માટે ફૅશનેબલ આઉટફિટ પહેરીએ છીએ, પણ ડોપમાઇન ફૅશનમાં ફક્ત લુક્સ નહીં પણ તમે કેવું ફીલ કરી રહ્યા છો અથવા તો તમારો મૂડ કેવો છે એ હિસાબે જે-તે કલરના આઉટફિટ પહેરવાની વાત છે. દરેક કલરનું પોતાનું મહત્ત્વ છે એટલે તમે કયા કલરનાં કપડાં પહેરો છો એ પણ તમારા મૂડને ખરાબ અથવા સારો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ડોપમાઇન એક ટાઇપનું હૉર્મોન છે જે તમને ગુડ​ ફીલ કરાવે છે. એટલે જ ડોપમાઇનને ‘પ્લેઝર હૉર્મોન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૉઝિટિવ ઇમોશન્સ સાથે જોડાયેલા કલર્સ તમે પહેરો તો એ તમારો મૂડ સારો કરવામાં અને તમને મોટિવેટ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જનરલી આપણે આઉટફિટ પર્ચેઝ કરવા જઈએ ત્યારે કલર જોઈને એની પસંદગી કરતા હોઈએ છીએ, પણ એ કલર પાછળની શું સાઇકોલૉજી છે એ નોટિસ કરતા નથી. તો ચાલો, આજે એક્સપર્ટ પાસેથી જાણીએ કે કયો કલર કયા ઇમોશનને રેપ્રિઝેન્ટ કરે છે અને કયા ઓકેઝન પર તમે એ પહેરી શકો છે. કયા ઓકેઝનના હિસાબે કયા કલરના આઉટફિટ પહેરીને જવા જોઈએ. 

જનરલી કયા ઓકેઝન પર તમે કયા કલરના આઉટફિટ પહેરો તો એ તમારા મૂડને સારો બનાવી શકે એ વિશે પર્સનલ સ્ટાઇલિસ્ટ સ્નેહલ પટેલનું કહેવું છે કે જૉબ ઇન્ટરવ્યુ માટે બ્લુ કલર રેકમન્ડ કરવામાં આવે છે. એક તો આ કલર પ્રોફેશનલિઝમને દર્શાવે છે અને બીજું એ કે એ ઇન્ટેલિજન્સ, ધીરગંભીરપણું, સ્થિરતા અને વિશ્વસનીયતા દર્શાવે છે. જો તમારે કંપનીની પાર્ટીમાં જવાનું હોય તો તમે યલો, ઑરેન્જ, રેડ જેવા કલર ચૂઝ કરી શકો; કારણ કે આ કલર્સ હૅપીનેસ, પૅશન, એનર્જી, ઑપ્ટિમિઝમ દર્શાવે છે. એવી જ રીતે જો તમારે ઈવનિંગ પાર્ટીમાં જવું હોય તો તમે રેડ કલર ચૂઝ કરી શકો, કારણ કે એ એક તો બોલ્ડ અને અટેન્શન ગ્રૅબિંગ કલર છે અને બીજું એ કે રેડ તમારામાં કૉન્ફિડન્સ બૂસ્ટ કરવાનું કામ કરે છે. જો તમે ફન લવિંગ અને મળતાવડા દેખાવા ઇચ્છતા હો તો તમે યલો, ઑરેન્જ જેવા વૉર્મ કલર પહેરીને જઈ શકો છો. એવી જ રીતે જો ડેટ પર જવાનું હોય તો તમે બ્લૅક અને રેડ કલરના આઉટફિટ પહેરી શકો છો. રેડ જેમ કૉન્ફિડન્સ દેખાડે એવી જ રીતે બ્લૅક કલર પાવર અને સૉફિસ્ટિકેશનને રેપ્રિઝેન્ટ કરે છે. એવી જ રીતે જે વાઇટ કલર છે એ પ્યૉરિટી અને પીસને રેપ્રિઝેન્ટ કરે છે એટલે મંદિરે જાઓ ત્યારે સફેદ કલરનાં કપડાં પહેરીને જવું જોઈએ. 

એવું નથી કે બધા કલરની દરેક વ્યક્તિ પર એકસરખી અસર થાય. આ બાબતે સમજાવતાં સ્નેહલ પટેલ કહે છે કે ઘણી વાર કોઈ એક કલરની બે વ્યક્તિઓ પર અલગ-અલગ અસર પડે એવું પણ બને. જેમ કે કોઈ કલર જનરલી ગુડ ફીલ કરાવે એવો હોય પણ જો એ કલર સાથે તમારી એવી કોઈ ખરાબ યાદો જોડાયેલી હોય અથવા તો સહજ રીતે જ તમને એ કલર પસંદ નથી તો બની શકે કે એ કલર તમને ગુડ ફીલ કરાવવાને બદલે ઍન્ગ્ઝાયટી ફીલ કરાવે. એટલે આમ જોવા જઈએ તો કયા કલરના આઉટફિટ પહેરીને તમને સારું ફીલ થાય છે એ પર્સન ટુ પર્સન ડિફરન્ટ હોય છે. બીજું એ કે કેટલાક બ્રાઇટ કલર જેમ કે રેડ, યલો, ઑરેન્જ; આ કલર્સ આમ તો પૉઝિટિવ છે, પણ એ ખૂબ ધ્યાનાકર્ષક હોય છે. હવે તમારે કોઈ ગેટ-ટુગેધર કે પાર્ટીમાં જવું હોય પણ તમે એમ ઇચ્છો કે મારે બધાની આંખમાં આવવું નથી તો તમે એમ કરી શકો કે લાઇટ કલરના આઉટફિટ પર બ્રાઇટ કલરની ઍક્સેસસરી પહેરી શકો અથવા ઍડિશનલ કોઈ એક લેયર ઍડ કરી શકો. જેમ કે લાઇટ પિન્ક ગાઉન પર તમે મસ્ટર્ડ યલો કલરનું જૅકેટ પહેરી શકો અથવા તો એ કલરનો સ્કાર્ફ કે શૂઝ પહેરી શકો. 

ફક્ત કલર નહીં; ફૅબ્રિક, પૅટર્ન અને ટેક્સ્ચર વગેરે પણ ગુડ ફીલ કરાવવામાં સારી ભૂમિકા ભજવે છે. આ બાબતે સ્નેહલ કહે છે કે કલરની સાથે આઉટફિટનું ફૅબ્રિક પણ તમારા મૂડને ઇવોક કરી શકે છે. યલો બ્રાઇટ અને ચિયરફુલ કલર છે જે હૅપીનેસ, ક્રીએટિવિટી રેપ્રિઝેન્ટ કરે છે. એટલે તમે જયારે ડાઉન ફીલ કરતા હો ત્યારે યલો કલરના આઉટફિટ પહેરી શકો છો. ફક્ત કલર નહીં; પૅટર્ન, ફૅબ્રિક અને ટેક્સ્ચર પણ તમારાં ઇમોશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમ કે સિલ્ક, કૉટન જેવાં નૅચરલ ફૅબ્રિક પહેરવામાં કમ્ફર્ટેબલ અને બ્રીધેબલ હોય છે; જે તમારા પૉઝિટિવ મૂડને મેઇન્ટેન રાખે છે. ઈવન બોલ્ડ પૅટર્ન અને ટેક્સ્ચર તમને કૉન્ફિડન્ટ ફીલ કરાવે છે. ડોપમાઇન ક્લોધિંગ તમારા મૂડને સારો કરવાનું તો કામ કરે છે પણ સાથે-સાથે તમારી પર્સનાલિટી ​વિશે પણ લોકોને આઇડિયા આપે છે.

columnists life and style fashion fashion news