કોલ્હાપુરી ચંપલની બોલબાલા રાતોરાત વધી ગઈ છે

21 July, 2025 02:31 PM IST  |  Mumbai | Ruchita Shah

ઇન્ટરનૅશનલ બ્રેન્ડ પ્રાડાએ થોડા સમય પહેલાં મિલાન ફૅશન શોમાં ઇન્ટ્રોડ્યુસ કરેલા કોલ્હાપુરી ચંપલ જેવી જૂતાંની પૅટર્ન માટે ક્રેડિટ ન આપ્યાનો ઊહાપોહ

કીર્તિ સેનન, આમિર ખાન

ઇન્ટરનૅશનલ બ્રેન્ડ પ્રાડાએ થોડા સમય પહેલાં મિલાન ફૅશન શોમાં ઇન્ટ્રોડ્યુસ કરેલા કોલ્હાપુરી ચંપલ જેવી જૂતાંની પૅટર્ન માટે ક્રેડિટ ન આપ્યાનો ઊહાપોહ એટલો વધ્યો કે આ કંપનીના લોકોએ કોલ્હાપુરી ચંપલ બનાવતા કારીગરો સાથે વાર્તાલાપ કરવા ખાસ કોલ્હાપુર આવવું પડ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનેલાં અને આપણને આમ લાગતાં આ ચંપલ કઈ-કઈ રીતે ખાસ છે એ જાણી લો

ઘટના હજી તાજી જ છે અને કદાચ તમે એનાથી માહિતગાર પણ હશો. જોકે વાતને આગળ વધારતાં પહેલાં આખા બનાવને ટૂંકમાં જાણી લઈએ. બન્યું એવું કે ૨૦૨૫ના જૂન મહિનામાં ઇટાલિયન લક્ઝરી બ્રૅન્ડ પ્રાડાએ મિલાન ફૅશન વીકમાં તેમના સમર મેન્સ ક્લેક્શનમાં ‘ટો-રિંગ સૅન્ડલ્સ’ પ્રદર્શિત કર્યાં. આ સૅન્ડલ આપણાં સદીઓ જૂનો ‌ઇતિહાસ ધરાવતાં કોલ્હાપુરી ચંપલ સાથે આશ્ચર્યજનક સમાનતા ધરાવતાં હતાં. સોશ્યલ મીડિયા પર આ મુદ્દો ચગ્યો. શરૂઆતમાં પ્રાડાએ તેમનાં ચંપલની પ્રેરણા કોલ્હાપુરી ચંપલ પરથી લેવાઈ છે એ વાત ન સ્વીકારી કે ન તો એના કારીગરોને કોઈ શ્રેય આપ્યું. જોકે એ પછી ચારેય બાજુથી પ્રાડાનો તીવ્ર પ્રતિકાર થયો. ઇન્ટરનેટ પર નેટિઝન્સે અને સાંસ્કૃતિક સંગઠનોએ પ્રાડા પર મૂળ હસ્તકલાને ઓછી આંકવાનો આરોપ મૂક્યો. ડિટ્ટો કોલ્હાપુરી ચંપલની કૉપી એવાં પ્રાડાનાં જૂતાંની કિંમત લગભગ એકાદ લાખ રૂપિયા જેટલી, જ્યારે સામે કોલ્હાપુરી ચંપલની કિંમત તો ખૂબ ઓછી. ચારે બાજુથી આવેલી ટીકાને જોતાં છેલ્લે આ ઇટાલિયન બ્રૅન્ડે પોતાની ભૂલ સ્વીકારી, કોલ્હાપુરી ચંપલને એની ડ્યુ ક્રેડિટ આપી અને આ પરંપરાગત આર્ટના વાહકો સાથે આદાનપ્રદાન કરવાની પણ તૈયારી દેખાડી. એટલું જ નહીં, પ્રાડાની એક ટીમ કોલ્હાપુર પહોંચી પણ ગઈ અને તેમણે કોલ્હાપુરી ચંપલ બનાવતા મૅન્યુફૅક્ચરર્સ અને હસ્તકલાના કારીગરો સાથે મુલાકાત પણ કરી લીધી છે અને હવે તેમની સાથેની પાર્ટનરશિપમાં આ આંતરરાષ્ટ્રીય બ્રૅન્ડ પોતાનું કલેક્શન લૉન્ચ કરશે એવી જાહેરાત પણ થઈ છે.

ડિઝર્વ તો કરે છે

લગભગ બારમી સદીમાં કોલ્હાપુરી ચંપલનો ઉદ્ભવ થયો હોવાનું કહેવાય છે. શરૂઆતમાં લગભગ બે‌ કિલોનું વજન ધરાવતાં અને ખાસ કરીને ગામડાના પથરાળા રસ્તાઓ પર પહેરવા માટે ઉપયુક્ત બનાવવા સર્જાયેલાં કોલ્હાપુરી ચંપલ ગરમીમાં પગ દાઝી ન જાય એ આશયથી ખેડૂતો અને મજૂરો માટે બનાવ્યાં હતાં. એમાં ભેંસનું ચામડું અને વનસ્પતિમાંથી તૈયાર થયેલા રંગોનો પ્રયોગ થતો. જોકે કોલ્હાપુરી ચંપલનો સુવર્ણકાળ છત્રપતિ શાહુ મહારાજને કારણે આવ્યો. તેમણે આ ચંપલ બનાવતા કારીગરોને પ્રોત્સાહિત કર્યા. ધીમે-ધીમે કોલ્હાપુરી ચંપલ વધુ યુઝર-ફ્રેન્ડ્લી બનવાની સાથે લોકપ્રિય પણ બન્યાં. કોલ્હાપુર અને એની આસપાસના કારીગરોની હથોટીને કારણે તૈયાર થયેલાં કોલ્હાપુરી ચંપલને જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) એટલે કે ભૌગોલિક સંકેતનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. લગભગ સાતથી દસ હજાર કારીગરો મળીને વર્ષે લગભગ છ લાખથી વધુ કોલ્હાપુરી ચંપલનું પ્રોડક્શન કરે છે, જેમાંથી લગભગ ત્રીસ ટકા જેટલો માલ એક્સપોર્ટ થાય છે. થોડા સમય પહેલાં સતત ઘટતી ડિમાન્ડને કારણે જે માર્કેટ પડી ભાંગવાની કગાર પર હતી એ પ્રાડાની કન્ટ્રોવર્સી પછી રાતોરાત ડિમાન્ડમાં આવી છે અને કેટલાંક ઑનલાઇન પ્લૅટફૉર્મનો દાવો છે કે એમનું સેલ ત્રણથી પાંચગણું વધ્યું છે. કોલ્હાપુરી ચંપલની મુંબઈમાં સૌથી જૂની દુકાન હોવાનો દાવો કરતી ખારમાં આવેલી સાઈ વૈભવ નામની કોલ્હાપુરી ચંપલની દુકાનની ત્રીજી પેઢીના વૈભવ કૃષ્ણા કાંબળે કહે છે, ‘૧૯૭૬માં અમારી દુકાનની શરૂઆત થઈ છે અને લગભગ પચાસ વર્ષથી અમે આ બિઝનેસમાં છીએ. ઓરિજિનલ કોલ્હાપુરી ચંપલની ડિમાન્ડમાં વધારો થયો છે એમાં કોઈ શંકા નથી. અમારી પાસે મહિલા અને પુરુષોમાં લગભગ વીસથી પચીસ ડિઝાઇન અને પાંચથી સાત કલર્સ છે. આજકાલ ફેક કોલ્હાપુરી ચંપલનું ચલણ પણ વધ્યું છે. જોકે તમે થોડીક બારીકી સાથે જુઓ તો તમને હૅન્ડમેડ અને મશીનમેડ, રિયલ લેધર અને ફેક લેધરનો ભેદ, ફિનિશિંગ વગેરે સમજાઈ જશે. સામાન્ય રીતે ડાર્ક બ્રાઉન અને લાઇટ બ્રાઉન એ કોલ્હાપુરી ચંપલના ટ્રેડિશનલ કલર્સ છે. જોકે અત્યારે અમારી પાસે બ્લૅક, યલો, રેડ અને બ્લુ કલર પણ છે. ૭૦૦ રૂપિયાથી લઈને સાત હજાર રૂપિયાની રેન્જનાં ચંપલ અમે રાખીએ છીએ.’

પ્રાડાનાં કોલ્હાપુરી ચંપલ.

વૈભવ કોલ્હાપુરની નજીકનાં ગામડાંઓમાં રહેતા કારીગરો પાસે ચંપલ બનાવડાવે છે અને ઑનલાઇન વેચવાની શરૂઆત પણ તેમના દ્વારા થઈ છે. વૈભવ કહે છે, ‘એની કિંમત એમાં કયા પ્રકારનું ચામડું વપરાયું છે અને કેટલી બારીકી સાથે કામ થયું છે એના પર નિર્ભર કરતી હોય છે. આખાં જૂતાં હાથથી સીવીને જ તૈયાર થતાં હોય છે. પુરુષો અને મહિલાઓ બન્ને આ ચંપલ બનાવવાના કામમાં જોડાયેલાં છે. કોલ્હાપુરી ચંપલમાં અંગૂઠો હોય છે અને એ અંગૂઠાની ગ્રિપથી તમે ચંપલને ઉઠાવીને ચાલતા હો ત્યારે એ તમારી પગની ક્ષમતા વધારવામાં પણ મદદરૂપ થાય છે.’

વૈભવ કાંબળે

તમને ખબર છે?

 અન્ય કેટલાંક પરંપરાગત ભારતીય ફુટવેઅરની જેમ કોલ્હાપુરી ચંપલ મૂળરૂપે ડાબા કે જમણા પગના સ્પષ્ટ ભેદ વિના બનાવવામાં આવતાં હતાં, જે સમય જતાં પહેરનારના પગને અનુકૂળ થઈ જતાં.

 ઓરિજિનલ કોલ્હાપુરી ચંપલ કુશળ કારીગરો દ્વારા સંપૂર્ણપણે હાથથી બનાવવામાં આવે છે, જેમાં કોઈ ખીલા કે સિન્થેટિક સામગ્રીનો ઉપયોગ થતો નથી. વિવિધ ભાગોને મજબૂત વૅક્સવાળા દોરા વડે એકસાથે સીવવામાં આવે છે.

 એવું માનવામાં આવે છે કે કોલ્હાપુરી ચંપલમાં વાપરવામાં આવતું વનસ્પતિ-ટૅન્ડ ચામડું શરીરની ગરમી અને પરસેવાને શોષવામાં મદદ કરે છે. એ ઉનાળામાં પગને ઠંડા અને ઠંડા હવામાનમાં ગરમ રાખે છે.

ડૉ. અલી ઈરાની, ફિઝિયોથેરપિસ્ટ

હેલ્થની દૃષ્ટિએ પણ ઉપયોગી

કોલ્હાપુરી ચંપલ પહેરવાથી ઊંઘ સારી આવશે, સ્ટ્રેસ દૂર થશે, શરીરના સોજા ઊતરશે અને શરીરમાં બળતરા ઘટશે એવો દાવો પણ કેટલાક હેલ્થ-નિષ્ણાતો કરે છે. નાણાવટી હૉસ્પિટલના ફિઝિયોથેરપી વિભાગના વડા સેલિબ્રિટી ફિઝિયોથેરપિસ્ટ ડૉ. અલી ઈરાની કહે છે, ‘સતત વાઇ-ફાઇ અને ઇલેક્ટ્રૉનિક સાધનો, મોબાઇલ વગેરે વચ્ચે આપણું રહેવાનું વધ્યું છે અને એનો સૌથી મોટો ગેરફાયદો થયો હોય તો એ છે કે આપણને પૂરતું ગ્રાઉન્ડિંગ અથવા તો અર્થિંગ નથી મળતું. ગ્રાઉન્ડિંગ એટલે કે પૃથ્વીની સપાટી સાથે આપણો જ્યારે સીધો શારીરિક સંપર્ક બને છે ત્યારે પૃથ્વીની સૂક્ષ્મ વિદ્યુતઊર્જાને આપણું શરીર શોષી લે છે. આ જ કારણ છે કે અમે લોકોને ઉઘાડા પગે ઘાસ પર કે કાચી જમીન પર ચાલવાની સલાહ આપીએ છીએ. જોકે જો તમે લાકડા અથવા ચામડાનાં જૂતાં પહેરીને ચાલો તો પણ એ ગ્રાઉન્ડિંગ મળી રહે છે, કારણ કે લાકડું અને ચામડું ઊર્જાનાં વાહક છે. અત્યારે લોકો જે રબર અને સિન્થેટિક સોલથી બનેલાં જૂતાં પહેરીને દોડવા જાય છે કે ગાર્ડનમાં ચાલવા જાય છે ત્યારે ગ્રાઉન્ડિંગ નથી થતું. એ દૃષ્ટિએ પાતળા સોલવાળાં કોલ્હાપુરી ચંપલ પહેરશો તો પૃથ્વીની કુદરતી વિદ્યુતઊર્જાનું ફીલ્ડ તમારા શરીરને હીલ કરવાનું કામ કરી શકે છે.’

fashion fashion news kolhapur life and style columnists kriti sanon aamir khan bollywood news bollywood gujarati mid day mumbai ruchita shah