19 October, 2026 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગરબામાં પહેરવાની જ્વેલરી ભારેખમ જ હોય એવું જરૂરી નથી
વર્ષોથી ગરબાના પરંપરાગત પોશાક અને ઑક્સિડાઇઝ્ડ જ્વેલરીનું સ્થાન અકબંધ રહ્યું છે, પણ બદલાતા સમય સાથે ગરબાની ફૅશનમાં પણ ટેક્નૉલૉજીનો પ્રવેશ થયો છે. આજના ટ્રેન્ડ-સેટર યુવાનો માટે માત્ર પરંપરાગત દેખાવ જ પૂરતો નથી, એમાં આધુનિકતા અને ગ્લૅમરનો ટચ પણ જરૂરી બન્યો છે. હાલમાં ગરબાના મેદાનમાં ગ્લો વિથ ટેક્નૉલૉજીનો કન્સેપ્ટ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. 3D પ્રિન્ટેડ લાઇટવેઇટ જ્વેલરી અને LED લાઇટ્સ ધરાવતી મોજડી કે ઍક્સેસરીઝે ગરબાના શોખીનોમાં એક નવું જ આકર્ષણ ઊભું કર્યું છે. ઍક્સિડાઇઝ્ડ કે મેટલની જ્વેલરી દેખાવમાં જેટલી સુંદર લાગે છે એટલી જ એ વજનમાં ભારે હોય છે. કલાકો સુધી ગરબે ઘૂમતી વખતે આ ભારે દાગીના ત્વચા સાથે ઘસાય છે, દુખાવો થાય કે ગરદન-કાનમાં તકલીફ થવી સામાન્ય બાબત છે. આ સમસ્યાનો ઉત્તમ ઉકેલ છે 3D પ્રિન્ટેડ જ્વેલરી.
રેઝિન જેવી ઇકો-ફ્રેન્ડ્લી સામગ્રીમાંથી બનતી જ્વેલરી વજનમાં હળવી હોય છે. મોટાં ઝૂમખાં કે નેકલેસ પહેરવા છતાં ત્વચા પર કોઈ વજન અનુભવાતું નથી. 3D પ્રિન્ટિંગને કારણે કૉમ્પ્લેક્સ ટ્રેડિશનલ પૅટર્ન જેમ કે મંડલા આર્ટ, પીકૉક ડિઝાઇન કે મૉડર્ન જિયોમેટ્રિક પૅટર્ન ચોકસાઈથી તૈયાર કરી શકાય છે. આ જ્વેલરીમાં ઑક્સિડાઇઝ્ડ ફિનિશિંગ સાથે નિયોન અથવા ગ્લો ઇન ધ ડાર્ક રંગોનો ઉપયોગ થાય છે, જે રાતના અંધારામાં અને ગરબાના ગ્રાઉન્ડની લાઇટ્સમાં હાઇલાઇટ થાય છે. આ ઉપરાંત અત્યારે ઘણી એવી મોજડી માર્કેટમાં આવી છે જેમાં મોશન સેન્સિંગ LED લાઇટ્સ હોય છે, જે પગની મૂવમેન્ટ સાથે લાઇટિંગ ઇફેક્ટ આપે છે. મોજડી ઉપરાંત વાળમાં ગોઠવી શકાય એવી LED ક્લિપ્સ, ફાઇબર-ઑપ્ટિક ચણિયાચોળી બૉર્ડર અને LED હેરબૅન્ડ્સ પણ યુવતીઓમાં ખૂબ લોકપ્રિય થઈ રહી છે.
બંગડીઓ, હેરક્લિપ્સ કે ફાઇબર-ઑપ્ટિક ઍક્સેસરીઝનો ઉપયોગ કરતી વખતે લેસ ઇઝ મોરનો નિયમ અપનાવવો. હાથમાં વધારે પડતી લાઇટિંગવાળી બંગડીઓ લાદવાને બદલે એક કે બે સ્ટેટમેન્ટ ગ્લો કડાં જ પહેરવાં. સાથે જ LED લાઇટનો રંગ તમારા આઉટફિટ અથવા મેકઅપની થીમ સાથે મૅચ થતો હોવો જોઈએ, જેથી ગરબાના ગ્રાઉન્ડ પર તમારો લુક એલિગન્ટ અને ક્લાસી લાગે.
ટેક્નૉલૉજિકલ ઍક્સેસરીઝનો ઉપયોગ કરતી વખતે સૌથી મહત્ત્વની બાબત એ છે કે એ પોશાકની શોભા વધારે, એને ઢાંકી કે ઓવરપાવર ન કરી દે. ફૅશન અને ફંક્શન વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને ગરબામાં એક પર્ફેક્ટ ઍન્ડ કમ્ફર્ટેબલ લુક મેળવી શકાય છે. 3D પ્રિન્ટેડ નેકલેસ અને ઝૂમખાંને ટ્રેડિશનલ કલર-બ્લૉક્ડ અથવા મૉડર્ન પેસ્ટલ ચણિયાચોળી સાથે પેર કરી શકાય છે. જો તમે મોટા કદનાં 3D સ્ટેટમેન્ટ ઝૂમખાં પસંદ કરી રહ્યાં હો તો ગરદન ખાલી રાખીને માત્ર કાનની જ્વેલરી પર જ ફોકસ રાખો. આ જ્વેલરી વજનમાં અત્યંત હળવી હોવાથી કલાકો સુધી ગરબે ઘૂમતી વખતે પણ કાનમાં દુખાવો થતો નથી. બસ, ધ્યાન એટલું રાખવું કે ડિઝાઇન આઉટફિટના કલર-પ્લેટ સાથે સુસંગત હોય. LED ઇન્કૉર્પોરેટેડ મોજડી કે જૂતીને ખૂબ જ ભરેલા કે હેવી ઘાઘરાને બદલે લાઇટ ટ્રેડિશનલ વર્ક અથવા મધ્યમ બૉર્ડરવાળી ચણિયાચોળી સાથે પહેરવી જોઈએ, જેથી તમારા પગની મૂવમેન્ટ અને લાઇટિંગ ઇફેક્ટ સ્પષ્ટ દેખાય. ગરબા રમતી વખતે પગમાં ફોલ્લા ન પડે અને આરામ જળવાઈ રહે એ માટે સૉફ્ટ પૅડિંગ ધરાવતી અને પ્રૉપર વૉટરપ્રૂફ બૅટરી ફિટિંગવાળી જ મોજડી પસંદ કરવી હિતાવહ છે.