તમારા કિચનને આપો ક્લાસી લુક

28 June, 2022 01:11 PM IST  |  Mumbai | Varsha Chitaliya

મૉડ્યુલર અને ઓપન કિચનનો કન્સેપ્ટ સ્ટાર્ટ થયો ત્યારથી ગૃહિણીઓ રસોડાની ડિઝાઇનને લઈને ઘણી ચીવટ રાખતી થઈ છે. કમ્ફર્ટ અને સ્ટોરેજ સાથેના સ્ટાઇલિશ કિચનનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે ટ્રેન્ડી અને ઇનોવેટિવ આઇડિયાઝ પર એક નજર

તમારા કિચનને આપો ક્લાસી લુક

રસોડું ઘરનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. ગૃહિણીઓ સૌથી વધુ સમય અહીં વિતાવે છે તેથી એની સજાવટમાં કોઈ કસર ન રહેવી જોઈએ એવી ચીવટ પણ રાખવામાં આવે છે. સામાન્ય રીતે ઘરમાં નવું ઇન્ટીરિયર કરાવવાની વાત નીકળે ત્યારે કિચન ડેકોર માટે હાઇએસ્ટ બજેટ ફાળવવામાં આવે છે. આજથી થોડાં વર્ષો પહેલાં મૉડ્યુલર કિચનનો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ થયો ત્યારથી કિચનનું ઇન્ટીરિયર સ્ટેટસ સિમ્બૉલ બન્યું છે. ગૃહિણીઓમાં સ્ટાઇલિશ કિચનનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે આ ફીલ્ડમાં નવું શું ચાલે છે એ જાણી લો.
મૉડ્યુલર કિચન
એક જમાનો હતો જ્યારે લોકો ઘરે મિસ્ત્રી બેસાડીને કામ કરાવતા હતા. આપણી નજર સામે કામ થાય તો ફર્નિચરની ગુણવત્તા જળવાઈ રહે એવો માઇન્ડસેટ હતો. ભારતમાં મૉડ્યુલર કિચન ઇન્ટ્રોડ્યુસ થયાં ત્યારે એને અપનાવનારી ગૃહિણીઓની સંખ્યા ઘણી ઓછી હતી. કમ્ફર્ટ, સ્ટોરેજ અને ફૅન્સી લુકના કારણે ધીમે-ધીમે ગૃહિણીઓનો ઝુકાવ વધ્યો એમ જણાવતાં ઇન્ટીરિયર ડિઝાઇનર પ્રિયલ પારેખ કહે છે, ‘મૉડ્યુલર કિચન ઑર્ગેનાઇઝ્ડ અને હૅન્ડી હોવાથી લગભગ સાતેક વર્ષથી મહિલાઓની ફર્સ્ટ ચૉઇસ બન્યું છે. ડિમાન્ડના લીધે આ કન્સેપ્ટમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યા છે. લોકોની લાઇફસ્ટાઇલ બદલાઈ છે. મોટા ભાગની મહિલાઓ ફુલટાઇમ હાઉસવાઇફ મટીને વર્કિંગ વુમન-કમ-હાઉસમેકર બની છે. અત્યારે કોઈની પાસે કાર્પેન્ટર સાથે ફૉલો-અપ કરવાનો ટાઇમ નથી તેમ જ માર્કેટમાં ઘણી એવી બ્રૅન્ડ આવી ગઈ છે જે રેડીમેડ ક્વૉલિટી પ્રોડક્ટ્સ આપે છે. નવી જનરેશનની લાઇફસ્ટાઇલ, ચૉઇસ અને કમ્ફર્ટને ધ્યાનમાં રાખી ઇન્ટીરિયર ડિઝાઇનરો નવા-નવા આઇડિયાઝ લઈને આવે છે. મૉડ્યુલર કિચનમાં ઍક્સેસરીઝ ઍડ કરવાનો પણ ટ્રેન્ડ છે. દાખલા તરીકે ફૅમિલી નાનું છે અને વાસણો ઓછાં થાય છે તો તમારે અલગથી બાસ્કેટ લેવાની જરૂર નથી. કિચન કૅબિનેટમાં વાસણ ધોઈને ગોઠવી શકાય એવી ટ્રે હોય છે. એનાથી કિચન ક્લીન દેખાય છે. જોકે ઍક્સેસરીઝ ઍડ કરવામાં બજેટ વધી જાય છે. ક્લાયન્ટ્સની પસંદગી અનુસાર સ્પેસ મૅનેજમેન્ટ, પ્રોડક્શન અને એક્ઝિક્યુશનની જવાબદારી અમારી હોય છે.’ 
ઓપન કિચન
માર્કેટમાં રેડીમેડ કૅબિનેટ અવેલેબલ છે, પરંતુ એને સ્પેસને યુટિલાઇઝ્ડ કરી અપ્લાય કરવા માટે ઇન્ટીરિયર ડિઝાઇનરની જરૂર પડે છે. કિચનના ઇન્ટીરિયરની વાત આવે ત્યારે દરેક ગૃહિણીની પસંદગી જુદી હોય છે. સૌને પોતાની લાઇફસ્ટાઇલ અને કમ્ફર્ટ પ્રમાણે કામ જોઈએ છે. મૉડ્યુલર કિચન પૉપ્યુલર થયાં છે પણ હવે અનેક ગૃહિણીઓ ઓપન કિચનની ડિમાન્ડ કરવા લાગી છે. એનાં કારણો જણાવતાં કામદાર ઇન્ટીરિયર ડેકોરના ફાઉન્ડર પરેશ કામદાર કહે છે, ‘મુંબઈ જેવા મેટ્રો સિટીમાં ફ્લૅટનો એરિયા નાનો થઈ ગયો છે. પૅક્ડ કિચન માટે વધારે જગ્યા ફાળવવી પડે જ્યારે ઓપન કિચનમાં પૅસેજનો એરિયા તમારા લિવિંગ રૂમમાં ઍડ થઈ જતાં એરિયાને મોટો બતાવે છે. બીજું કારણ છે હવામાન. મુંબઈમાં ગરમી ખૂબ પડે છે. પૅક્ડ કિચનમાં એક્ઝૉસ્ટ ફૅન રાખવાથી પણ ઉકળાટ થતો હોવાથી ઓપન કિચન ટ્રેન્ડમાં આવી ગયાં છે. ઓપન કિચન બનાવવાનો ખર્ચો પણ ઓછો થાય છે. ઓપન કિચન બનાવતી વખતે મોટા ભાગના ક્લાયન્ટ્સ વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખે છે. અગ્નિ ખૂણામાં કિચન હોવું જોઈએ એવો આગ્રહ રાખે છે. જોકે પૅક્ડ કિચન જેટલું સ્ટોરેજ મ‍ળતું નથી. સ્ટોરેજની અનિવાર્યતા ન હોય એવી ગૃહિણીઓને અમે ઓપન કિચન સજેસ્ટ કરીએ છીએ.’
કિચનનું ઇન્ટીરિયર પર્સનલ ચૉઇસ અને લાઇફસ્ટાઇલ પર આધાર રાખે છે. સામાન્ય રીતે ગુજરાતી અને મારવાડી પરિવારની ગૃહિણીઓને પોતાનું રસોડું મહેમાનોને બતાવવું પસંદ નથી. પોતાનો અનુભવ શૅર કરતાં પ્રિયલ કહે છે, ‘રસોડું એવી જગ્યા છે જ્યાં ગમે એટલી સ્વચ્છતા રાખો, મેસ દેખાવાનું જ. મૉડ્યુલર કિચનનો ફાયદો એ છે કે થાકી ગયા હો તો આરામ કરીને નિરાંતે કામ કરી શકો. ઓપન કિચનમાં મસાલાના ડબ્બા, શાકભાજી કે અન્ય સામાન પ્લૅટફૉર્મ પર જેમતેમ પડ્યાં હોય એ ન ચાલે. લિવિંગ રૂમનો એરિયા વાઇડ કરવો હોય, કિચનનું ઇન્ટીરિયર શો કરવાનો શોખ હોય અથવા લોકોની સામે ઈઝીલી ઓપનઅપ થવું ગમતું હોય એવી મહિલાઓને ઓપન કિચનનો કન્સેપ્ટ અટ્રૅક્ટ કરે છે.’
મટીરિયલ ઍન્ડ કલર    
કિચનના ઇન્ટીરિયરમાં સમયાંતરે ડિઝાઇન અને મટીરિયલ ચેન્જ થતાં રહે છે એમ જણાવતાં પ્રિયલ કહે છે, ‘હાલમાં યુરોપિયન સ્ટાઇલની ડિઝાઇન ટ્રેન્ડમાં છે. મૉડ્યુલર કિચનમાં ઍક્રિલિક અને મેમ્બ્રેન ફિ​નિશ ક્લાસિક લુક આપે છે. સનમાઇકામાં પણ ઘણાબધા ઑપ્શન આવી ગયા છે. ડોમેસ્ટિક હેલ્પર પર આધાર રાખનારી મહિલાઓને અમે સનમાઇકા વાપરવાની સલાહ આપીએ છીએ. એને મેઇન્ટેન કરવું સહેલું છે તેમ જ ઇકૉનૉમિકલી પણ અફૉર્ડેબલ છે. ફૅન્સી અને કિચનની પર્સનાલિટીને શો કરવા માગતા હો તો મેમ્બ્રેન બેસ્ટ ચૉઇસ છે. લેટેસ્ટમાં ટૉલ પેન્ટ્રી યુનિટ ટ્રેન્ડમાં છે જેમાં તમારા રેગ્યુલર સ્નૅક્સ, બૉટલ્સ વગેરે સ્ટોર કરી શકાય. કિચન અપ્લાયન્સ યુનિટ પણ ડિમાન્ડમાં છે. કલર્સમાં પેસ્ટલ વધુ ચાલે છે.’
કિચનના ફર્નિચરમાં વુડ હવે ટોટલી આઉટડેટેડ છે એવી વાત કરતાં પરેશભાઈ કહે છે, ‘મૉડ્યુલરમાં ઍક્રિલિક અને સનમાઇકા વધુ ચાલે છે જ્યારે ઓપન કિચનમાં બૅક્ડ પેઇન્ટેડ ગ્લાસ અને કોરિયન કિચન ટ્રેન્ડમાં છે. આ મટીરિયલ દેખાવમાં માર્બલ અને ગ્રેનાઇટ જેવું દેખાય છે પણ હોય છે ઍક્રિલિક બેઝ્ડ. એને પૉલિશ પણ કરી શકાય છે. એમાં ઘણા કલર આવે છે પણ વાઇટ વધારે ચાલે છે. ગ્લાસ મેઇન્ટેનન્સ-ફ્રી મટીરિયલ છે. ભીના કપડાથી લૂછી લો એટલે સ્વચ્છ થઈ જાય. લાઇટ ગ્રે અને વાઇટ કલર અત્યારે ટૉપ પર છે. એનાથી ઉજાસ લાગે છે અને પૉઝિટિવ વાઇબ્સ આવે છે. કોરિયન મટીરિયલ વાઇટ કલરમાં હોવા છતાં હળદર કે અન્ય મસાલાના ડાઘ-ધબ્બા ઑબ્ઝર્વ નથી કરતાં એ એની ખાસિયત છે.’

ઇન્વિઝિબલ કિચન

રસોડામાં વપરાતાં મોંઘાં ઉપકરણોને છુપાવવા વિદેશમાં ઇન્વિઝિબલ કિચનનો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે. એકવીસમી સદીની શરૂઆતમાં ક્રિબ્સ નામે પ્રસારિત થતી ટીવી સિરીઝમાં મોટી હસ્તીઓના ઘરની સહેલ કરાવવામાં આવતી હતી. તેમના કિચનમાં ફ્રિજ જોવું એ સિગ્નેચર એલિમેન્ટ ગણાતું. ફ્રિજમાં રાખવામાં આવતાં વિવિધ ડ્રિન્ક્સ અને ફૂડ આઇટમો જોઈને ઘણા લોકોને ઈર્ષ્યા થતી. ‘રિયલ હાઉસવાઇવ્ઝ’ જેવા શો દ્વારા અમેરિકી લોકો શ્રીમંતોના કિચનની ડિઝાઇન જોઈ શકતા. સેલેબ્સથી આ વાત હજમ ન થતાં કિચનના ઇન્ટીરિયરમાં ઇનોવેટિવ આઇડિયાઝ ઍડ થવા લાગ્યા. ફ્રિજ છુપાવવાની મથામણમાંથી ઇન્વિઝિબલ કિચનનો ટ્રેન્ડ સ્ટાર્ટ થયો અને સ્ટેટસ સિમ્બૉલ બની ગયો. 
વિદેશમાં પૉપ્યુલર ઉપરોક્ત કન્સેપ્ટ સંદર્ભે બન્ને નિષ્ણાતોનું કહેવું છે કે ફૉરેનમાં આ પ્રકારનાં ગતકડાં સક્સેસફુલ થયાં છે પરંતુ ભારતમાં ઇન્વિઝિબલ કિચનનો આઇડિયા ન ચાલે. ખાણીપીણીના શોખીન ભારતીયોને છુપાવવા કરતાં દેખાડવામાં વધુ રસ હોય છે. સ્ટોરેજ વગર ગૃહિણીઓને ચાલવાનું નથી. ઇન્સ્ટા અને ફેસબુક વિડિયોમાં બતાવવામાં આવતા ઇન્વિઝિબલ કૅબિનેટની ડિઝાઇનમાં સ્ટોરેજ ખૂબ ઓછું હોય છે. પીજી (પેઇંગ ગેસ્ટ) તરીકે રહેતા હોય અથવા પીજી માટેના રૂમમાં વ્યક્તિ સિંગલ રહેતી હોય અથવા ઘર ખૂબ નાનું હોય તો ઇન્વિઝિબલ કિચનનો આઇડિયા અપ્લાય કરી શકાય. આવા ક્લાયન્ટ્સની સંખ્યા ઓછી હોવાથી ડિઝાઇનરો રેડીમેડ ફર્નિચર ખરીદી લેવાની ભલામણ કરતા હોય છે.

fashion news fashion columnists Varsha Chitaliya