✕

ઘરમાં પડેલી કુરતીને તહેવારોમાં આ રીતે કરો રી-સ્ટાઇલ

27 October, 2026 10:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૉર્ડરોબમાં પડેલી જૂની કુરતીને આ તહેવારોમાં પહેરી શકાશે ત્યારે આવો ફેસ્ટિવ-રેડી લુક કેવી રીતે ક્રીએટ કરી શકાય એ જાણી લો.

પ્રતીકાત્મક તસવીર

તહેવારોના આ દિવસોમાં ઘણી વાર નવાં આઉટફિટ્સ પાછળ મોટો ખર્ચ થઈ જતો હોય છે. જો આ વર્ષે તમારું નવાં કપડાં ખરીદવાનું બજેટ ન હોય કે તમે વધારાનો ખર્ચ કરવા ન માગતા હો તો ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી. તમારા વૉર્ડરોબમાં રહેલી જૂની કે સાધારણ કુરતીને જ સ્માર્ટ લેયરિંગ દ્વારા તહેવાર માટે નવો અને આકર્ષક મેકઓવર આપી શકાય છે. જૅકેટ્સ, શાલ અને સ્ટોલ્સનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને દિવાળીના વિવિધ પ્રસંગો પર કઈ રીતે બજેટ-ફ્રેન્ડ્લી અને સ્ટાઇલિશ લુક મેળવી શકાય એ જોઈએ.

જૅકેટ સાથે ઇન્ડો-વેસ્ટર્ન ફેસ્ટિવ લુક

સામાન્ય કુરતી પર યોગ્ય જૅકેટ પેર કરવાથી એનો આખો લુક બદલાઈ જાય છે. દિવાળીના પૂજન કે ગેટ-ટુગેધર માટે પ્લેન અથવા સૉલિડ કલરની કુરતી પર મિરરવર્ક, ગોટાપટ્ટી કે કટવર્કવાળું શૉર્ટ જૅકેટ પહેરવાથી તરત જ ફેસ્ટિવ અને રૉયલ લુક મળે છે. જો દિવાળી પર મિત્રો સાથે કૅઝ્યુઅલ મીટ-અપ હોય તો અનફૉર્મલ કે અનપ્રિન્ટેડ કુરતી પર બ્લુ અથવા બ્લૅક ડેનિમ જૅકેટ પહેરીને ટ્રેન્ડી ફ્યુઝન લુક મેળવી શકાય છે. અનારકલી કે સ્ટેટ કુરતી સાથે લૉન્ગ નેટેડ અથવા પ્રિન્ટેડ શ્રગ પેર કરવાથી ગ્રેસફુલ અને એલિગન્ટ અંદાજ મળે છે.

શાલ સાથે અપનાવો ગ્રેસફુલ રૉયલ્ટી

દિવાળીના દિવસોમાં હળવી શિયાળાની મોસમ શરૂ થઈ જતી હોય છે. સાંજની પૂજા કે લક્ષ્મીપૂજન દરમ્યાન શાલનો યોગ્ય ઉપયોગ કુરતીને હેવી ડ્રેસ જેવો લુક આપી શકશે. જો તમારી પાસે પ્લેન કૉટન કે સિલ્કની કુરતી હોય તો એની સાથે હેવી બનારસી, કાંજીવરમ કે પશ્મિના શાલ કૅરી કરો. આ કૉમ્બિનેશન ખૂબ જ પ્રીમિયમ દેખાય છે. શાલને માત્ર ખભા પર રાખવાને બદલે એને એક બાજુ પિન કરીને ડ્રેપ કરવાથી અથવા બેલ્ટ સાથે સેટ કરવાથી એ મૉડર્ન લેહંગા કે સાડી જેવો લુક આપે છે. ડાર્ક કલરની કુરતી સાથે બ્રાઇટ અથવા કૉન્ટ્રાસ્ટ કલરની શાલ પસંદ કરવાથી આઉટફિટનો ઉઠાવ વધી જાય છે.

સ્ટોલ્સ સાથે સ્માર્ટ સ્ટાઇલિંગ

દિવાળીના દિવસોમાં બેસતું વર્ષ કે ભાઈબીજના દિવસે દિવસ દરમ્યાન હળવા અને કમ્ફર્ટેબલ લુક માટે સ્ટોલ બેસ્ટ ઑપ્શન છે. પ્લેન કુરતા સેટ સાથે કલરફુલ સિલ્ક કે જરીની બૉર્ડરવાળો સ્ટોલ ગળામાં વીંટાળવાથી કે એક બાજુ ઓપન રાખવાથી સૉફિસ્ટિકેટેડ લુક મળે છે. સ્ટૉલને ગળા ફરતે લૂપ સ્ટાઇલ, વ્રેપ-અરાઉન્ડ કે ફ્રેન્ચ નૉટ આકારમાં પહેરવાથી સાધારણ કુરતી પણ હાઈ-ફૅશન સ્ટેટમેન્ટ બની જાય છે. બંધેજ, લહેરિયા કે અજરખ પ્રિન્ટના સ્ટોલ્સ પ્લેન કુરતી સાથે ખૂબ જ સુંદર અને પરંપરાગત દેખાવ આપે છે.

બજેટ-ફ્રેન્ડ્લી આ ટિપ્સ તમારા કામની છે

 જૂની કુરતીને નવો અવતાર આપવા માટે ઑક્સિડાઇઝ્ડ હેવી ઝૂમખા, કડાં અથવા ચાંદબાલી પેર કરો. કુરતી અને શાલ અથવા દુપટ્ટાને કમર પર ટ્રેડિશનલ વેસ્ટ બેલ્ટથી સેટ કરવાથી નવો અને કન્ટેમ્પરરી શેપ મળે છે. ફેસ્ટિવ-લુક કમ્પ્લીટ લાગે એ માટે એમ્બ્રૉઇડરીવાળી મોજડી, કોલ્હાપુરી ચંપલ કે હીલ્સ સાથે આઉટફિટને આકર્ષક બનાવો.

diwali festivals fashion news fashion lifestyle news life and style culture news