તહેવારોની સીઝનમાં કરો મંદિરનું ટ્રેન્ડી મેકઓવર

22 July, 2025 01:15 PM IST  |  Mumbai | Kajal Rampariya

અત્યારે રેડીમેડ મંદિર લેવા કરતાં પોતાના હિસાબે કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન્સથી મંદિર બનાવવાનું લોકો પસંદ કરી રહ્યા છે ત્યારે એના લેટેસ્ટ ઇન્ટીરિયર ટ્રેન્ડ વિશે જાણીએ

પ્રતીકાત્મક તસવીર

તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ઘરમાં પવિત્રતા અને સકારાત્મક ઊર્જાનું કેન્દ્ર ગણાતા મંદિરનું ઇન્ટીરિયર યુનિક અને હટકે લાગે એવી દરેકની ઇચ્છા હોય છે. પહેલાં તો બહારથી રેડીમેડ મંદિર લાવીને ઘરના એક ખૂણે મૂકી દેતા હતા, પણ હવે નવા-નવા ક્રીએટિવ આઇડિયાઝથી મંદિરને ઘરમાં જ બનાવીને એને કસ્ટમાઇઝ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મંદિર કઈ જગ્યાએ હોવું જોઈએ, કેવા મટીરિયલનો વપરાશ થવો જોઈએ, લાઇટિંગ અને ડેકોરેશન કેવું હોવું જોઈએ એ બાબતોને ધ્યાનમાં રાખીને મંદિર બનાવવામાં આવી રહ્યાં છે ત્યારે ઇન્ટીરિયર ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનુભવી ક્રીએટિવ સ્ટ્રૅટેજિસ્ટ વિરલ ગજ્જર પાસેથી કન્ટેમ્પરરી હોમ ટેમ્પલ ટ્રેન્ડ વિશે જાણીએ તેમના જ શબ્દોમાં...

મિનિમલિસ્ટ ડિઝાઇન

ઘરમાં પરિવારના સભ્યો માટે જે રીતે સુવિધાઓ બનાવવામાં આવી હોય એ પ્રમાણે મંદિરને પણ મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. મુંબઈ જેવા મેટ્રો સિટીમાં અન્ય શહેરોની જેમ મોટાં ઘરો હોતાં નથી, નાનાં ઘરોમાં જ બધું મૅનેજ કરવાનું હોય છે ત્યારે હવે લોકો બહારથી રેડીમેડ મંદિર ખરીદવા કરતાં પોતાના હિસાબે કસ્ટમાઇઝ્ડ મંદિર ઘરમાં બનાવડાવે છે જેથી એ ઘરની ડિઝાઇન સાથે મૅચ થાય. મંદિરના ઇન્ટીરિયરના કન્ટેમ્પરરી ટ્રેન્ડની વાત કરું તો લોકો બહુ જ મિનિમલિસ્ટ ડિઝાઇન્સ પસંદ કરી રહ્યા છે. મંદિરની સિમ્પ્લિસિટી એની સુંદરતામાં વધારો કરે છે. સાગ અથવા રોઝવુડ જેવા લાકડા, પથ્થર અથવા માર્બલ અને ઍક્રિલિક કટઆઉટવાળી ડિઝાઇનના ફ્યુઝનથી બનાવેલા મંદિરનું ચલણ વધારે છે.

કટઆઉટ વર્કનો ટ્રેન્ડ

મંદિરની દીવાલ પર મૉરક્કન જાળીવાળી પૅનલ્સ, લેઝરકટ ડિઝાઇન્સથી બનાવેલા બૅકડ્રૉપને લોકો વધુ પસંદ કરી રહ્યા છે. ડિઝાઇન્સની વચ્ચે ગણપતિબાપ્પાનું કટઆઉટ, સ્વસ્તિક, ઓમ અથવા શ્રી જેવાં આધ્યાત્મિક પ્રતીક કટઆઉટ કરાવે છે. વાઇટ અથવા ઑફવાઇટ કલરના સૉલિડ ઍક્રિલિક બેઝ પર કટઆઉટ વર્ક અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગ છે. દીવા અને અગરબત્તીના ધુમાડાને લીધે મંદિરમાં કાળાશ જમા થાય છે એ સહેલાઈથી સાફ થાય એવા મટીરિયલનો યુઝ વધ્યો છે; કારણ કે રેડીમેડ મંદિર હોય તો એને બદલી શકાય, ઘરમાં બનાવેલું મંદિર વારંવાર બદલી શકાય નહીં. તેથી સમજી-વિચારીને ઇન્ટીરિયર એક્સપર્ટની સલાહ લઈને પછી જ મંદિર બનાવવું જોઈએ.

લાઇટિંગ

મંદિરમાં યલો ટોનની સૉફ્ટ વૉર્મ લાઇટ મંદિરના ઇન્ટીરિયરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આઉટલાઇનમાં ડિમ લાઇટની સાથે પાછળથી હલકી બ્લર ઇફેક્ટ્સ રાખવામાં આવે તો આખા ઘરમાં મંદિરનો અલગ જ પ્રકારનો પ્રકાશ પથરાય છે, જે મનને શાંતિ આપવાનું અને આધ્યાત્મિક ભાવનાઓને ઉજાગર કરવાનું કામ કરે છે.

પડદા

મંદિરના દરવાજાને બદલે હવે શટર બંધ થાય અને ખૂલે એ રીતે જાડા ડિઝાઇનર ફૅબ્રિકની ગોઠવણી પણ ઘણા લોકો કરતા હોય છે. રાત પડે એટલે મંદિર બંધ કરે અને પરોઢિયે ખોલે. એમાં મંદિરના ફૅબ્રિકમાં ગણપતિ, મોરપીંછ, રાધાકૃષ્ણના આકારનું પેઇન્ટિંગ અથ‍વા એમ્બ્રૉઇડરીનું વર્ક દેખાય એવા ઑપ્શન્સ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.

ઍક્સેસરીઝ

મંદિર સુગંધિત રહે એ માટે ઑટોમેટેડ ડિફ્યુઝર પણ ઘણા લોકો રાખતા હોય છે ત્યારે પિત્તળ કે તાંબાના ડિઝાઇનર દીવા, ઘંટડી અને અગરબત્તીનું સ્ટૅન્ડ જેવી ઍક્સેસરીઝ મંદિરની શોભામાં વધારો કરે છે. મંદિરના ઇન્ટીરિયર પ્રમાણે આ ઍક્સેસરીઝની ખરીદી કરવી જોઈએ.

યુઝફુલ ટિપ્સ

 કસ્ટમાઇઝ કરેલા મંદિરમાં પૂજાપાનો સામાન અને ભગવાનનાં વસ્ત્રો સ્ટોર થઈ શકે એવું ડ્રૉઅર કે નાનું કપબોર્ડ પણ સાથે અટૅચ્ડ હોય એ રીતે જ બનાવડાવવું જોઈએ.

 મંદિરના ઇન્ટીરિયર સાથે સૂટ થાય એવી ભગવાનની છબિ કે ફ્રેમની માળાઓ અને તોરણને પણ ડિઝાઇન કરાવે છે.

 મંદિરની અંદર વધુપડતા ભગવાન રાખશો તો એ બહુ જ કન્જસ્ટેડ દેખાશે. જેટલા ઓછા ભગવાન અને જેટલું સિમ્પલ મંદિર રાખશો એટલું એ સારું દેખાશે

festivals fashion fashion news life and style columnists gujarati mid day mumbai