પોનીટેઇલ માટે સિલ્ક સ્ક્રન્ચીઝ ઇઝ બેસ્ટ

06 February, 2024 08:07 AM IST  |  Mumbai | Heena Patel

સિલ્ક સ્ક્રન્ચીઝ એક એવી હેર ઍક્સેસરી છે જે ફૅશનેબલ લુકની સાથે હેર કૅર માટે યુઝ થાય છે.

પ્રતીકાત્મક તસવીર

ઊનનાં રફ સ્ક્રન્ચીઝમાં વાળ ભરાઈને ડૅમેજ થાય છે. એને બદલે તમારા હેર કૅર રૂટીનમાં સિલ્ક સ્ક્રન્ચીઝનો યુઝ શરૂ કરી દેવો જોઈએ. કદાચ તમને એમ લાગે કે વળી એક સિલ્કનું સ્ક્રન્ચીઝ યુઝ કરવાથી શું ફરક પડી જવાનો? પણ ના, એવું નથી. એક વાર વાપરી જુઓ, પછી ખબર પડશે ફરક

સિલ્ક સ્ક્રન્ચીઝ એક એવી હેર ઍક્સેસરી છે જે ફૅશનેબલ લુકની સાથે હેર કૅર માટે યુઝ થાય છે. આજકાલ મહિલાઓમાં એનો ટ્રેન્ડ છે. સિલ્ક સ્ક્રન્ચીઝની પૉપ્યુલરિટી વધવાનાં અનેક કારણો છે. સૌથી પહેલાં તો ઇલૅસ્ટિક અને અન્ય સિન્થેટિક મટીરિયલથી બનેલી રેગ્યુલર રબર હેરબૅન્ડ કરતાં સિલ્ક સ્ક્રન્ચીઝ ડિફરન્ટ છે. હાઈ ક્વૉલિટીના સિલ્ક ફૅબ્રિકમાંથી આ બનાવવામાં આવે છે. તમે જોશો તો આજકાલ ડિફરન્ટ સાઇઝ, કલર અને પૅટર્નનાં સિલ્ક સ્ક્રન્ચીઝ માર્કેટમાં અવેલેબલ છે. અન્ય હેરબૅન્ડની સરખામણીમાં સિલ્ક સ્ક્રન્ચીઝ પહેરવામાં વધુ આરામદાયક અને દેખાવમાં લક્ઝુરિયઝ હોય છે. એવરીડે લુકથી લઈને કૅઝ્‍‍યુઅલ અને સ્પેશ્યલ ઓકેઝન પર તમે એ પહેરી શકો છો. એટલે જ હેર હેલ્થ અને સ્ટાઇલ એ બન્ને વસ્તુને પ્રાયોરિટી આપતી મહિલાઓ આને ખૂબ પસંદ કરી રહી છે. સિલ્કના બટરફ્લાય બો, લેયર્ડ બો નીચે અટેચ હોય એવાં સ્ક્રન્ચીઝ પણ આવે છે. તમે જસ્ટ આ બોવાળાં સ્ક્રન્ચીઝ પહેરીને ટ્રેન્ડી અને એલિગન્ટ હેરસ્ટાઇલ કરી શકો છો. સિલ્કની રિબન, સિલ્કના નાના સ્કાર્ફ, સિલ્કની હેરબૅન્ડ પણ આવે છે. સિલ્કનાં સ્ક્રન્ચીઝ સામાન્ય રબરબૅન્ડની ઝરખામણીમાં મોંઘાં હોય છે, પણ એ ટકાઉ પણ એટલાં જ હોય છે. 

એક્સપર્ટ શું કહે છે?
આ સંદર્ભે કન્સલ્ટન્ટ ડર્મેટોલૉજિસ્ટ ઍન્ડ કૉસ્મેટિક લેઝર સ્પેશ્યલિસ્ટ ડૉ. ભરત ચાવડા કહે છે, ‘સિલ્ક એક નૅચરલ મટીરિયલ છે એટલે એ વાળ માટે સેફ છે. સિલ્કની સૉફ્ટનેસને કારણે તમે જ્યારે સ્ક્રન્ચીઝથી વાળ બાંધો ત્યારે એ એમાં અટવાતા નથી કે નથી બ્રેક થતા. તમે બધાએ અનુભવ કર્યો હશે કે ઇલૅસ્ટિક બૅન્ડમાં ઘણી વાર આપણા વાળ ભરાઈને તૂટી જાય છે એટલે જે લોકોના કર્લી હેર હોય એ લોકોએ તો ખાસ સિલ્ક સ્ક્રન્ચીઝનો યુઝ કરવો જોઈએ. એ સિવાય રેગ્યુલર બૅન્ડ તમે બાંધો તો તમારા વાળમાં આંટીઓનો શેપ દેખાય છે. આ પ્રૉબ્લેમ સિલ્ક સ્ક્રન્ચીઝમાં પ્રમાણમાં ઓછો આવે છે. જનરલી હેર સ્મૂધનિંગ કરાવ્યા બાદ વાળને બાંધવા માટે સિલ્કનાં સ્ક્રન્ચીઝ યુઝ કરવાની સલાહ આપવામાં આવે છે. રેગ્યુલર ઇલૅસ્ટિ બૅન્ડ યુઝ કરવાથી તમારા વાળ દરરોજ થોડા-થોડા ડૅમેજ થાય છે અને લાંબા સમય બાદ એ રફ થઈ જાય છે. સ્ક્રન્ચીઝમાં તમારા વાળ સૉફ્ટ અને શાઇની રહે છે. બીજું એ કે તમે જોશો તો લાંબા સમય સુધી પોનીટેઇલ બાંધી રાખ્યા પછી જ્યારે આપણે હેરબૅન્ડ વાળમાંથી કાઢીએ ત્યારે માથામાં દુખાવો થાય છે. સિલ્કનાં સ્ક્રન્ચીઝમાં આ પ્રૉબ્લેમ નથી થતો, કારણ કે એ ખૂબ જેન્ટલ અને સૉફ્ટ હોય છે. સિલ્કનાં સ્ક્રન્ચીઝ તમારા વાળને હાઇડેટ્રેડ રાખે છે. કૉટનની કમ્પેરિઝનમાં એ તમારા વાળના મોઇશ્ચરને પ્રમાણમાં ઓછું ઑબ્ઝર્બ કરે છે.’ 

સિલ્ક પિલો
સિલ્કનાં ફક્ત સ્ક્રન્ચીઝ  જ નહીં, પિલો કવર પણ સિલ્કનાં મળે છે એ હેર કૅર માટે ઘણાં સારાં છે એનું કારણ જણાવતાં ડૉ. ભરત ચાવડા કહે છે, ‘આપણા વાળ સૌથી વધુ ઑશીકાનાં કવર સાથે જ કૉન્ટૅક્ટમાં આવે છે. કૉટન જેવાં કાપડ તમારા વાળના પ્રાકૃતિક તેલને શોષી લે છે, પરિણામે તમારા વાળ રુક્ષ થઈ જાય છે. બીજું એ કે આપણે રાતે જ્યારે પડખું ફેરવતા હોઈએ ત્યારે વાળ ઘસાઈને ગૂંચવાય છે, જે પ્રૉબ્લેમ સિલ્કના સ્મૂધ કવરમાં આવતો નથી. રાતે આપણે વાળમાં પરસેવો પણ બહુ થાય છે જે કૉટનનું કવર શોષી લે છે, પરિણામે એના પર ધૂળ અને બૅક્ટેરિયા જલદીથી થાય છે.’સિલ્કનું કપડું ઍન્ટિ ઑબ્ઝર્વન્ટ હોય છે અને જલદીથી સુકાઈ જાય છે તેમ જ ગરમીમાં ઠંડક પણ આપે છે. તમે સિલ્કના પિલોને બદલે સિલ્કની કૅપ પહેરીને પણ રાતે સૂઈ શકો છો.

ટ્રેન્ડી ઍક્સેસરીઝ
સિલ્ક સ્ક્રન્ચીઝનો યુઝ ફક્ત વાળ બાંધવા પૂરતો સીમિત નથી. મહિલાઓ એનો ટ્રેન્ડી ઍક્સેસરીઝ તરીકે પણ યુઝ કરે છે, જેમ કે તમે એને હાથના કાંડામાં પહેરીને બ્રેસલેટની જેમ યુઝ કરી શકો છો. માર્કેટમાં સિલ્ક સ્ક્રન્ચીઝ વૉચ પણ આવે છે, જેમાં વૉચની જે સ્ટ્રેપ હોય એ સિલ્કની હોય છે. એ સિવાય સિલ્કનાં ઇયરરિંગ્સ પણ મળે છે, જે લાઇટવેટ અને દેખાવમાં એકદમ ઍટ્રૅક્ટિવ હોય છે.

columnists life and style fashion news fashion