બ્લૅક, બ્લુ અને ગ્રીન નેઇલ પૉલિશ લગાવો છો? તો આ જરૂર વાંચજો

11 May, 2021 12:15 PM IST  |  Mumbai | Sejal Patel

‘જો નખ પર કોઈ પણ પ્રકારનું કેમિકલનું આવરણ હોય તો એનાથી પલ્સ ઑક્સિમીટરમાંથી નીકળતાં લાઇટ્સનાં તરંગોને નેઇલ બેડ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે અને બની શકે કે તમને સાચું રીડિંગ ન મળે. ’

બ્લૅક, બ્લુ અને ગ્રીન નેઇલ પૉલિશ લગાવો છો? તો આ જરૂર વાંચજો

હજી ગયા અઠવાડિયે ગુડગાંવના એક ફિઝિશ્યને ટ્વિટ કર્યું હતું જે મહિલાઓએ બહુ ધ્યાન દઈને વાંચવા જેવું છે. તેમણે લેડીઝને આ સમયગાળા દરમ્યાન નેઇન પૉલીશ, નેઇલ આર્ટ કે આર્ટિફિશ્યલ નેઇલ એક્સ્ટેશન જેવી ફૅશન ટાળવાનું કહ્યું હતું. કારણ એ જ એના કારણે તમે ઘરમાં વસાવેલું પલ્સ ઑક્સિમીટર ગોટે ચડી જાય છે અને ઘણી વાર સાચું રીડિંગ નથી આપતું. નખ પરના નકલી આવરણને કારણે પલ્સ ઑક્સિમીટરને લોહીમાંનું ઑક્સિજન કૉન્સન્ટ્રેશન માપવાની એક્યુરસી જળવાતી નથી અને વગર કારણે ઓછું રીડિંગ આવતાં પૅનિક ક્રીએટ થઈ શકે છે. 
જરાક સમજીએ કે આ વાતમાં ખરેખર સાચી છે કે કેમ? તો એ માટે પહેલાં ઑક્સિમીટર કઈ રીતે કામ કરે છે એ સમજવું પડે. ઑક્સિમીટર તમારા નેઇલ બેડમાં રહેલા લોહીમાં કેટલું ઑક્સિજનેટેડ અને ડીઑક્સિજનેટેડ હીમોગ્લોબિન છે એ તપાસે છે. એ માટે બે પ્રકારની લંબાઈવાળા તરંગો પલ્સ ઑક્સિમીટરમાંથી નીકળીને નખની અંદર જાય છે અને ઑક્સિજન લેવલ તપાસે છે. નેઇલ પૉલિશથી આ તપાસમાં અડચણ આવે છે એમ સમજવાતાં વૉકહાર્ટ  અને સૈફી હૉસ્પિટલના ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. સુશીલ જૈન કહે છે, ‘જો નખ પર કોઈ પણ પ્રકારનું કેમિકલનું આવરણ હોય તો એનાથી પલ્સ ઑક્સિમીટરમાંથી નીકળતાં લાઇટ્સનાં તરંગોને નેઇલ બેડ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે અને બની શકે કે તમને સાચું રીડિંગ ન મળે. ’
ડાર્ક રંગની નેઇન પૉલિશ
અમેરિકાની ઇન્ટેન્સિવ અને ક્રિ ટિકલ કૅર નર્સિંગની જનરલમાં છપાયેલા અભ્યાસ મુજબ પલ્સ ઑક્સિમીટરના રીડિંગ પર નેઇલ પેઇન્ટની કેવી આડઅસર થાય છે માટે ૪૦ હેલ્ધી મહિલાઓ પર પ્રયોગ કરવામાં આવેલો. દરેક મહિલાને ડાર્ક, લાઇટ અને ટ્રાન્સપરન્ટ રંગોવાળી નેઇલ પૉલિશ લગાવ્યા પછી પલ્સ ઑક્સિમીટરથી ઑક્સિજન સેચ્યુરેશન માપવામાં આવ્યું હતું જેમાં સ્પષ્ટ તારણ નીકળ્યું હતું કે બ્લૅક, બ્લુ, ગ્રીન, લાલ અને ડાર્ક પર્પલ રંગની નેઇલ પૉલિશથી ઑક્સિમીટરના રીડિંગમાં સૌથી વધુ ખામી હોય છે. ટ્રાન્સપરન્ટ કે પિન્ક શેડથી રીડિંગમાં બહુ વાંધો નથી આવતો. ડાર્ક રંગની પૉલિશના લેયરને કારણે લગભગ બેથી ત્રણ ટકા જેટલો સેચ્યુરેશનમાં ફરક આવે છે એમ જણાવતાં ડૉ. સુશીલ જૈન કહે છે, ‘નૉર્મલ અને હેલ્ધી વ્યક્તિમાં ૯૯ ટકાને બદલે ૯૬ ટકા દેખાય તો વાંધો ન આવે પણ કોવિડ પેશન્ટ હોય અને તેનું સેચ્યુરેશન ૯૫ હોય અને ખામીને કારણે ૯૨ ટકા બતાવે તો વગરકારણે પૅનિક ક્રીએટ થઈ શકે છે.’

sejal patel columnists fashion news fashion health tips