તૈયાર છો ગરબે ઘૂમવા?

19 September, 2022 04:50 PM IST  |  Mumbai | Aparna Shirish

ઑફિસથી સીધા ગરબાના ગ્રાઉન્ડ પર જવાનો પ્લાન હોય તો ઓછા સમયમાં તૈયાર થવા માટે કેવા ટાઇપના કુરતા ટ્રેન્ડમાં છે જાણી લો

તૈયાર છો ગરબે ઘૂમવા?

અર્પણા શિરીષ 
feedbackgmd@mid-day.com

નવરાત્રિના નવ દિવસ એટલે વર્ષમાં બાકીના દિવસોમાં ન પહેરવા મળતાં બધાં જ ટ્રેડિશનલ કપડાં અને ઍક્સેસરીઝ બહાર કાઢી એને સીઝનલ ટ્રેન્ડ પ્રમાણે અપડેટ કરવાનો અને પહેરીને તમારી બેસ્ટ ઍથ્નિક સાઇડ દેખાડવાનો. કેડિયાં અને ધોતી તો એવરગ્રીન છે જ, પણ સાથે જેમને આટલો હેવી ટ્રેડિશનલ લુક પસંદ ન હોય કે પછી સમયના અભાવે ઑફિસથી ડાયરેક્ટ ગ્રાઉન્ડ પર પહોંચવાનું હોય તેમને માટે એવા ડ્રેસિંગની જરૂર હોય છે જે સિમ્પલ હોય, પણ ટ્રેડિશનલ અને એલિગન્ટ લાગે; તો ચાલો જોઈએ શું ઑપ્શન છે. 

ઍથ્નિક કુરતા – છેલ્લાં ૨૮ વર્ષથી નવરાત્રિના ડ્રેસિસ બનાવવાનો બિઝનેસ કરતાં કસ્તુરી ગડા કહે છે, ‘પુરુષો માટે કુરતા સિવાય કોઈ ઑપ્શન નથી અને કુરતા જ બેસ્ટ ઑપ્શન પણ છે એવું કહી શકાય. કેડિયાં, ટોપી, ધોતી; આ પોશાક હવે ફક્ત કૉમ્પિટિશન લેવલ પર રમવા માગતા લોકો માટે જ છે, પણ જેમણે એન્જૉય કરીને રમવું હોય તેઓ આરામદાયક લાગે એવું ડ્રેસિંગ કરવાનું પસંદ કરે છે, જેમાં કૉટનનાં ડિઝાઇનર-ખાસ નવરા​ત્રિ માટેના કુરતા યુવકો અને મોટી વયના પુરુષો બન્નેની પહેલી પસંદગી હોય છે.’ 

લેસ અને પૅચવર્ક

નવરાત્રિમાં લોકો રંગ પ્રમાણે ડ્રેસિંગ કરવાનું પસંદ કરે છે એટલે બ્રાઇટ કલર્સનાં કુરતા પર કૉન્ટ્રાસ્ટ લાગે એવી કચ્છી હૅન્ડવર્કની લેસ કે પૅચ લગાવેલાં હોય એવા કુરતા સારા લાગે છે અને નવરા​​ત્રિની થીમ સાથે ભળી જાય છે. આ વિશે કસ્તુરી કહે છે, ‘અંગરખાં સ્ટાઇલના કુરતા જેમાં ચેસ્ટ પર એક લેસ લગાવેલી હોય, શોલ્ડર પર પૅચ, પીઠ પર મોટો બુટ્ટો અને વર્ક કરેલું હોય એવા કુરતા ટ્રેન્ડમાં છે. ખાસ કરીને યંગ જનરેશન જેમને ટ્રેડિશનલ પહેરીને રમવાનો શોખ હોય, પણ કેડિયું ન ફાવતું હોય તેમને માટે આ બેસ્ટ ઑપ્શન છે.’

બૉટમમાં પણ વર્ક

કુરતા સાથે મોટા ભાગે તો યુવકો જીન્સ પહેરી લેતા હોય છે, પણ જો ફુલ લુક ટ્રેડિશનલ જોઈતો હોય તો કુરતા સાથે પટિયાલા સલવાર, સાદી સલવાર કે પછી ધોતિયું પહેરી શકાય; જેમાં પણ બૉટમમાં કુરતાને મૅચિંગ વર્ક કરેલું હોય છે. 

કુરતા સિવાય બીજું શું?

કુરતા સિવાયના ઑપ્શનમાં પુરુષો માટે જૅકેટ્સ અને બન્ડીનો ઑપ્શન છે. એક વર્કવાળું જૅકેટ મલ્ટિપલ કુરતા સાથે પહેરી શકાય. જૅકેટ એવું પસંદ કરવું જેમાં નવરાત્રિની થીમ મુજબનું કચ્છી વર્ક અથવા આભલાનું વર્ક કરેલું હોય. અહીં કુરતું ન પહેરવું હોય તો એ જીન્સ સાથે શર્ટ પહેરી એના પર જૅકેટ પહેરી શકાય જે ટ્રેડિશનલ લુક આપે છે.

સેલ્ફ પ્રિન્ટ કુરતા

આ વર્ષે ઈ-કટ અને પટોળા પ્રિન્ટ ખૂબ ટ્રેન્ડમાં છે, જેમાં ઈ-કટના કુરતા ખૂબ સરસ લાગે છે. એ સિવાય બાટિક પ્રિન્ટ અને બ્લૉક પ્રિન્ટના બ્રાઇટ કલર્સના કુરતા પણ સિમ્પલ છતાં ટ્રેડિશનલ લુક આપશે. આ કુરતા નવરાત્રિ સિવાય પણ પહેરી શકાય એવા હોય છે. 

‘નવરા​ત્રિમાં પુરુષો માટે કુરતા જ એકમાત્ર એવો ઑપ્શન છે, જેમાં નવીનતા લાવી શકાય. એ આરામદાયક છે અને ઑફિસ કે કૉલેજ ગૉઇંગ યુવકો માટે ઈઝી ટુ ગો પર્યાય છે.’ : કસ્તુરી ગડા

columnists life and style fashion news fashion navratri