ઘેરદાર ઘૂમતાં રૂમઝૂમ ઝૂમતાં

20 September, 2022 02:47 PM IST  |  Mumbai | Alpa Nirmal

આ વખતે મિનિમમ ૮થી ૩૦ મીટરનો ઘેર ધરાવતા ઘાઘરાઓ તેમ જ અજરખ, બ્લૉક પ્રિન્ટ, બાંધણી, લહેરિયા પ્રિન્ટ તેમ જ મલ, મશરૂ કૉટન, મોડાલ સિલ્ક મટીરિયલની બોલબાલા છે

ઘેરદાર ઘૂમતાં રૂમઝૂમ ઝૂમતાં

આ નવરાત્રિમાં આખેઆખાં રબારી અને કચ્છી વર્કથી ભરેલાં બે-અઢી મીટરનાં ઘેરવાળાં ચણિયાચોળી ટોટલી આઉટડેટેડ છે. આ વખતે મિનિમમ ૮થી ૩૦ મીટરનો ઘેર ધરાવતા ઘાઘરાઓ તેમ જ અજરખ, બ્લૉક પ્રિન્ટ, બાંધણી, લહેરિયા પ્રિન્ટ તેમ જ મલ, મશરૂ કૉટન, મોડાલ સિલ્ક મટીરિયલની બોલબાલા છે

અલ્પા નિર્મલ
feedbackgmd@mid-day.cpm

જય અંબે ખેલૈયાઓ. શું ક્યો છો? નવરાત્રિની તૈયારીઓ કેવી ચાલે છે? બે વર્ષના કોરોનાકાળની ઉદાસી પછી ફાઇનલી ગરબાના તાલે ઝૂમવા મળવાનું છે એ વાતે મુંબઈ અને ગુજરાતની પ્રજામાં ભર વરસાદે ગરમી આવી ગઈ છે. ગાયક કલાકારોનાં કડક રિર્હસલ ચાલુ થઈ ગયાં છે, તો આયોજકો મંડપ ડેકોરેશનથી લઈ સુરક્ષા, માર્કેટિંગથી લઈ જાતજાતની વ્યવસ્થાઓને છેલ્લો ટચ આપવામાં બિઝી છે. એ જ રીતે ગરબે નાચવા ઉત્સુક ખેલૈયાઓએ પણ ચણિયાચોળી ઉપરાંત અન્ય પરંપરાગત પોશાકો, ઍક્સેસરીઝને માળિયેથી ઉતારીને તૈયાર કરી લીધી છે કે નવી ખરીદી લીધી છે. જોકે અહીં એક વાત નોટિસેબલ છે કે બે વર્ષના ગાળામાં ચણિયાચોળીની પૅટર્ન્સ, ડિઝાઇનમાં ખાસ્સો બદલાવ આવ્યો છે. ભરત ભરેલા પોતડી જેવા ચણિયાઓ આઉટડેટેડ છે અને માથાથી પગ સુધી જાતજાતનાં ઘરેણાંથી લદાઈને ગરબે ઘૂમવું અમાન્ય છે.

બે વર્ષ પહેલાંના ખેલૈયાઓના ફોટો તમે જોશો તો ગરબે રમનારા ખેલૈયાઓ રંગબેરંગી પોમ-પોમ કે ફૂમતાં અને મોટા-મોટા આભલા વર્ક કરેલા પોશાકોમાં દેખાતા. માથે ભરત ભરેલી ટોપી, એવી જ છત્રી ને કમરે બારણે બંધાતાં તોરણો કે દીવાલે લગાવાતા ચાકડાઓ બાંધવાનો ટ્રેન્ડ હતો એમ જણાવતાં રાજકોટમાં વર્કશૉપ ધરાવતાં અને સોશ્યલ મીડિયા દ્વારા દેશના ખૂણે-ખૂણે અને વિદેશમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, યુકે, યુએઈ જેવા દેશોમાં ચણિયાચોળી વેચતાં અર્વાચીન ઍબ્સોલ્યુટનાં શીતલ જાડેજા કહે છે, ‘છેલ્લાં બે વર્ષમાં આપણા નવરાત્રિના ગરબા આઉટફિટમાં ધરખમ ચેન્જ આવ્યો છે. હવે ભરતકામના બદલે ચણિયાચોળીમાં જાતજાતની લેસ, પ્રિન્ટ્સ ઇન છે તો મિનિમમ આઠ મીટરથી લઈ ૩૦ મીટર સુધીનો ઘેર ધરાવતા ચણિયાઓ સખત ડિમાન્ડમાં છે.’

આ ફૅશન બદલાવાનું શ્રેય બૉલીવુડના ગરબા સૉન્ગને આપતાં શીતલબહેન આગળ કહે છે, ‘‘રામલીલા’ પિક્ચરમાં દીપિકા પાદુકોણે ખૂબ મોટો ઘેર ધરાવતાં, હાફ-હાફ પૅર્ટનના ચણિયાચોળી પહેર્યાં હતાં એવા જ ઘાઘરાઓ હવે કન્યાઓને પહેરવા છે. જોકે એ વાત નોંધનીય છે કે દીપિકા પાદુકોણના એ ઘાઘરાઓનું વજન ૨૦થી ૩૦ કિલોનું હતું, જે પ્રૅક્ટિકલી કલાકોના કલાકો સુધી રમનારી લલનાઓ માટે પહેરવું પૉસિબલ નથી. આથી અમે એનું લાઇટર વર્ઝન લાવ્યા છીએ. ઘેર એવડો જ મોટો પણ ઘાઘરાનું વજન અઢીથી ચાર-સાડાચાર કિલો માત્ર. અને આવું પૉસિબલ થયું છે ચણિયાચોળીમાં વપરાતા મટીરિયલથી. અમે એમાં મોટાભાગે અજરખ, બાંધણી, બ્લૉક પ્રિન્ટ, લહેરિયાની ડિઝાઇનનાં કપડાં વાપરીએ છીએ. પ્રિન્ટના કારણે ભરત ભરેલા મોટા-મોટા પૅચના બદલે નાના પૅચ લગાવીએ તો પણ ઘાઘરો- દુપટ્ટો આર્કષક લાગે છે.’

આ વખતે રબારી વર્ક કરતાં અજરખ પ્રિન્ટનાં કપડાંઓ બહુ વેચાયાં છે એમ જણાવતાં કચ્છ ભુજના દાંડા બજારમાં રિદ્ધિ લેસ હાઉસ નામે વિવિધ કચ્છી વર્ક અને મટીરિયલની દુકાન ધરાવતા રમેશ આહિર કહે છે, ‘આમ તો અજરખ દશકો જૂની આર્ટ છે. પરંતુ લૉકડાઉનના ટાઇમમાં આ પ્રિન્ટ દેશવિદેશમાં બહુ પૉપ્યુલર બની. કોવિડકાળમાં દરેક ધંધાઓ બંધ હતા ત્યારે  અજરખના કારીગરોને સર્વાઇવ થવું મુશ્કેલ હતું. એ સમયે અમુક સંસ્થાઓ, ડિઝાઇનરો તેમની વહારે ધાયા અને અજરખ પ્રિન્ટનાં વિવિધ પોશાકો, સાડીઓ સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ પર વેચાવા મૂક્યાં. અને આ પ્રિન્ટે એવી ધૂમ મચાવી કે હિન્દુસ્તાનીઓ તો ઠીક ફૉરેનર્સ પણ આના દીવાના બની ગયા છે. આ પ્રિન્ટનો ક્રેઝ વધતાં અનેક ડિઝાઇનરોએ કચ્છની વિઝિટ કરી અને એમાંથી વિવિધ ગાર્મેન્ટ્સ બનાવ્યા, જેમાં આ પ્રિન્ટનાં ચણિયાચોળીનો આવિષ્કાર થયો. આ વખતે મે-જૂનથી જ અનેક ફૅશન-ડિઝાઇનરો અહીં આવવાના શરૂ થઈ ગયા હતા, જેમાં તેમણે આખા ભરતકામવાળા ચણિયા અને કાપડને બદલે નાના-નાના ભરત ભરેલા પીસ, મોડાલ, મશરૂ સૅટિન જેયાં મટીરિયલ તેમ જ બાંધણીનું ફૅબ્રિક, દુપટ્ટાઓની ખૂબ ખરીદી કરી.’

તો આ વખતે નવરાત્રિમાં કેવા પ્રકારના આઉટફિટનો ટ્રેન્ડ છે? એના જવાબમાં એજ્યુકેશનલ ફીલ્ડ સાથે સંકળાયેલા અને લૉકડાઉનથી એથ્નિક કચ્છી આર્ટને સપોર્ટ કરવા ગાર્મેન્ટ ડિઝાઇનિંગ ક્ષેત્રે ઝંપલાવનારાં શીતલ જાડેજા કહે છે, ‘આ સીઝનમાં વિવિધ મટીરિયલની કળીઓને જોડીને બનાવાતા ઘાઘરાને બદલે હાફ અને હાફ એટલે અડધો ઘેર એક પ્રિન્ટનો ને અડધો ઘેર બીજી પ્રિન્ટનો હોય એવા ઘાઘરાની ફૅશન છે. સાથે એમાં લંપી (જરી)ની નાનીમોટી બૉર્ડર, છૂટાછવાયા આભલા ટીકીવર્ક કે મશીન એમ્બ્રૉઇડરીના પૅચિસવાળાં ચણિયાચોળીની બોલબાલા છે. ઘાઘરાની જેમ બ્લાઉઝમાં પણ બે-ત્રણ ભિન્ન-ભિન્ન પ્રિન્ટ, અલગ મટીરિયલનાં, કલર્સનાં કપડાંઓનું મિક્સ-મૅચ કરી બનાવાયેલી ચોળી ચાલે છે. રબારીઓ પહેરે એવાં કપડાંની પૅટર્નને મૉડિફાઇ કરી અને બ્લાઉઝ બનાવ્યાં છે. દુપટ્ટામાં ક્રેપ, સૅટિન, મલ કે ટીકીવાળા શિફોનમાં વજનમાં હળવી ઓઢણીઓ ચલણમાં છે. આ સીઝનમાં ખેલૈયાઓને ઘેરદાર છતાં વજનમાં હળવાં અને કમ્ફર્ટેબલ ચણિયાચોળી જોઈએ છે. આ તો થઈ ટ્રેડિશનલ પૅટર્નની વાત. એ સાથે આ વખતે જમ્પર જેને શહેરી ભાષામાં ટૂ-લેયર, થ્રી-લેયર સ્કર્ટ કહેવાય એ ટાઇપના ચણિયાનો ક્રેઝ પણ છે, જેમાં ઉપરના લેયરનો ઘેર ઓછો હોય અને નીચેનું લેયર ફુલ ઘેરદાર હોય.’

આ વખતે નવરાત્રિના ખેલૈયાઓ અને ફક્ત જોવા જનારાઓને પણ એક જ વસ્તુ જોઈએ છે, ઘેરદાર ઘાઘરો એમ જણાવતાં કાંદિવલીસ્થિત શ્રીજી ડ્રેસવાલા નામે ભાડેથી ચણિયાચોળી આપનારા વ્રજેશ શાહ કહે છે, ‘હજી લાસ્ટ સીઝન સુધી રબારી ભરત ભરેલા ચણિયાઓ ચાલતા હતા, પણ આ વખતે દરેકને ઘેરવાળા ઘાઘરા જ જોઈએ છે. કચ્છી વર્કવાળા કે ક્રશ મટીરિયલના, ગામઠી પ્રિન્ટવાળા પાંચથી ૧૫ મીટરના ઘાઘરાઓની જ ચાહત છે. એનું કારણ છે, હવે ગરબા રમવાની દરેક રીતમાં ગોળ ફરવાનું આવ્યું છે. સાદી બે તાળી-ત્રણ તાળીમાં પણ સર્કલ ફરે છે. ઘેરવાળો ઘાઘરો પહેરી ગોળ ફરવાનું સ્ટેપ વધુ ગ્રેસફુલ અને સુંદર લાગે છે એટલે ગરબે ઘૂમનારી દરેક લલનાને ઘેરવાળાં જ ચણિયાચોળીઓ ખપે છે.’

નવરાત્રિમાં આવેલા બીજા મહત્ત્વના ફેરફાર વિશે જણાવતાં વ્રજેશભાઈ કહે છે, ‘મુંબઈમાં પહેલાં ફક્ત કૉમ્પિટિશનમાં ભાગ લેતા કે પ્રોફેશનલી ગરબા રમવાની ટ્રેઇનિંગ લેતા લોકો જ ચણિયાચોળી પહેરતા. જોનારાઓ કે સાદું રમનારાઓ ઘરમાં હોય એ ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરીને રમતા. પછી ફ્યુઝનનો ટ્રેન્ડ પણ બહુ ચાલ્યો. જીન્સ પર ભરત ભરેલો કમખો કે સ્કર્ટ પર રબારી વર્કની કોટી પહેરી વેસ્ટર્ન અને ભારતીય ડ્રેસિંગનું મિક્સ-મૅચિંગ કરતા. પણ આ વખતે જોવા જનારાઓને પણ ચણિયાચોળી પહેરવાં છે, એ પણ અત્યારના ટ્રેન્ડ મુજબ ચાલતાં ઘેરવાળાં જ. આ પાછળનું કારણ એ હોઈ શકે કે તમે રમો કે ન રમો; પણ એવા આઉટફિટમાં ફોટો, વિડિયો સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ પર મૂકવો.’

વેલ, મુંબઈ હોય કે ગુજરાત કે પછી સાઉથ-નૉર્થ ઇન્ડિયાના કોઈ શહેર કે ઈવન ગુજરાતી ભારતીય વસ્તી ધરાવતાં વિદેશનાં શહેરો એ દરેક જગ્યાએ સોશ્યલ મીડિયાને કારણે નવરાત્રિમાં ચણિયાચોળી પહેરવાનો ચીલો શરૂ થયો છે. શીતલબહેન કહે છે, ‘આવાં માધ્યમોને કારણે જ સિમિલર કાઇન્ડની ફૅશન ડેવલપ થાય છે. પહેલાં વાત કહીએ તો મુંબઈ અને ગુજરાતમાં પણ ડિફરન્ટ પૅટર્નનાં ઘાઘરા-ચોળી પહેરાતાં. જ્યારે આ વખતે અમદાવાદ હોય કે અમેરિકા, બોરીવલી હોય કે બર્મિંગહૅમ ને સુરત હોય કે સિડની; નવરાત્રિનું કલેક્શન યુનિવર્સલ રહેવાનું છે.’

બૉય્‍સ, હવે કેડિયું આઉટ છે અને જૅકેટ ઇન

પુરુષોના નવરાત્રિ ડ્રેસિંગમાં પણ જોરદાર ચેન્જ આવ્યો છે. ચુનચુનવાળા, ભરત ભરેલા કેડિયા ઇઝ નો મોર રનિંગ, લેડીઝ આઉટફિટની જેમ બૉય્‍સ માટે પણ સિમ્પલ આઉટફિટ ટ્રેન્ડમાં છે. કુરતા-પાયજામા કે કુરતા-ધોતી પર અજરખ પ્રિન્ટ કે ગામઠી પ્રિન્ટનું જૅકેટ અથવા સ્ટૉલ ઇઝ ઇનફ. હા, તેઓ લેડીઝ પાર્ટનરની સાથે ટ્વિનિંગ કે મૅચિંગ કરી શકે. લેડીઝના ઘાઘરાની પ્રિન્ટનું જૅકેટ અને કલર મૅચિંગ આ વખતે પણ ઇન ટ્રેન્ડ છે.

alpa nirmal columnists fashion news fashion life and style