એપ્રિલ ફૂલ બનાયા, તો ઉનકો ગુસ્સા આયા

31 March, 2024 11:20 AM IST  |  Mumbai | Aashutosh Desai

આવતી કાલે તમે કંઈ પણ વાંચો કે સાંભળો તો એ સાચું હોઈ શકે કે નહીં એ બાબતે તમારી વિવેકશક્તિનો ઉપયોગ કરવાનું ન ભૂલતા. લોકોને ઉલ્લુ બનાવવાનો અને ભોંઠા પાડવાનો આ ફેસ્ટિવલ આજકાલનો નથી, લગભગ બે-અઢી સદીથી ચાલ્યો આવે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સાચું કહીએ તો શીર્ષકમાંનું ગીત લખનાર હસરત જયપુરીસાહેબ અને ગાનાર રફીસાહેબનો એમાં કોઈ જ વાંક નથી. પહેલી એપ્રિલને વિશ્વ આખું એપ્રિલ ફૂલ્સ ડે તરીકે મનાવે છે. દુનિયામાં ઘણા એવા દેશો છે જ્યાં આ દિવસે રજા હોય છે. એવો મૂર્ખ બનાવવાનો દિવસ આવતી કાલે છે.

ઇતિહાસ ક્યા કહતા હૈ?
આ દિવસ માટે મુખ્યત્વે ત્રણ કહાણી પ્રખ્યાત છે. પહેલી કહાણી કૅલેન્ડર સાથે એટલે કે તારીખ પહેલી એપ્રિલ સંદર્ભે છે. આપણે બધા ગ્રેગો​રિયન કૅલેન્ડર વાપરીએ છીએ. ઇતિહાસની આ વાતો આપણને ક્યાંક ૧૬મી સદીમાં લઈ જાય છે. ૧૫૬૪ની સાલ સુધી ફ્રાન્સમાં ફ્રેન્ચ એટલે કે જુલિયન કૅલેન્ડર વાપરવામાં આવતું હતું. એ અનુસાર નવું વર્ષ પહેલી એપ્રિલથી શરૂ થતું હતું. ૧૫૮૨ની સાલમાં પોપ ગ્રેગરી તેરમાએ આખા વર્ષની નવી ગણતરીને વધુ સાયન્ટિફિક રીતે રજૂ કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું. તેમણે દિવસના કલાકોની ગણતરી કરીને જે કૅલેન્ડર તૈયાર કર્યું એ ગ્રેગોરિયન કૅલેન્ડર તરીકે પ્રચલિત થયું. ૧૫૮૫ની સાલમાં ફ્રાન્સમાં ચાર્લ્સ નવમાના શાસનકાળમાં ગ્રેગોરિયન કૅલેન્ડર ચલણમાં મૂકવાનો ફતવો જાહેર થયો.
કોઈ પણ પરિવર્તન કરવાનું માનવીને બહુ આકરું પડે છે અને એમાંય આ તો સમય, તારીખ, વાર બધું જ ધરમૂળથી બદલાઈ જતું હતું એટલે આમજનતાએ પહેલાં વિરોધ કર્યો પણ આખરે જનતાએ રાજા સમક્ષ ઘૂંટણિયાં ટેકવ્યાં અને ગ્રેગોરિયન કૅલેન્ડર સ્વીકારી લીધું.

જૂના જુલિયન કૅલેન્ડર મુજબ નવા વર્ષનું સેલિબ્રેશન ૨૫ માર્ચથી પહેલી એપ્રિલ દરમ્યાન થતું હતું, જ્યારે ગ્રેગોરિયન કૅલેન્ડર અનુસાર પહેલી જાન્યુઆરીએ ન્યુ યર મનાવવાનું નક્કી થયું. આજની જેમ ફેસબુક, ટ્વિટર જેવી નેટવર્કિંગ સાઇટ કે અન્ય કમ્યુનિકેશનનાં સાધનો પણ એટલાં નહોતાં એટલે આખા ફ્રાન્સમાં આ ફતવો પહોંચતાં ઘણાં વર્ષો લાગી ગયાં. એટલે જેમને નવા સમાચાર ન મળ્યા તેઓ પહેલી એપ્રિલે જ નવું વર્ષ મનાવતા રહ્યા. બીજી તરફ ફ્રાન્સના અનેક એવા નાગરિકો હતા જેમણે આ બદલાવનો વિરોધ કર્યો. હવે બન્યું એવું કે જે લોકોને આ તારીખો અને કૅલેન્ડરનો બદલાવ મંજૂર નહોતો તેમણે પહેલી એપ્રિલે જ નવું વર્ષ મનાવવાનું ચાલુ રાખ્યું. જ્યારે નવા કૅલેન્ડર અનુસાર તો હવે નવું વર્ષ પહેલી જાન્યુઆરીથી શરૂ થતું હતું. અર્થાત્ વિશ્વ આખું પહેલી જાન્યુઆરીએ નવું વર્ષ મનાવતું અને વિરોધ કરનારા આ કેટલાક લોકો પહેલી એપ્રિલે.

પોપનો ફતવો હોવા છતાં જે લોકો જૂના કૅલેન્ડરને માન્ય ગણીને પહેલી એપ્રિલે જ નવું વર્ષ મનાવતા હતા તેમને મૂરખા ગણીને વખોડવાનું શરૂ થયું. આ લોકોને એપ્રિલ મહિનાના મૂરખાઓ ગણીને તેમની ખૂબ હાંસી ઉડાડવામાં આવતી. આ રીતે હાંસીપાત્ર ન બનવું પડે એ માટે ધીમે-ધીમે માત્ર ફ્રાન્સ સિવાયના દેશોમાં પણ ગ્રેગોરિયન કૅલેન્ડર અનુસાર પહેલી જાન્યુઆરીને નવાવર્ષની શરૂઆત તરીકે સ્વીકારવાનું શરૂ થયું.

ધીમે-ધીમે ન્યુ યર ફર્સ્ટ જાન્યુઆરીએ શરૂ થાય એ સર્વમાન્ય અને સ્વીકાર્ય બની ગયું. એ પછી લોકો એકબીજાને ચીડવવા માટે ખાસ પહેલી એપ્રિલે બીજાને હૅપી ન્યુ યર વિશ કરતા. જે વ્યક્તિ સામે ભૂલથી હૅપી ન્યુ યર વિશ કરી દે તેને એપ્રિલ ફૂલ ગણીને તેની મજાક ઉડાડવામાં આવતી. જોકે લગભગ અઢી સદી પહેલાં પહેલી એપ્રિલે નવું વર્ષ મનાવવાનું બંધ થઈ ગયું, પણ અહીંથી જ શરૂ થયો વિશ્વનો ‘ફૂલ્સ ડે!’"    

તો વળી બીજી કહાણી ઇંગ્લૅન્ડની આવી જ એક બીજી ઘટના પરથી પ્રચલિત છે જે ફ્રાન્સના કૅલેન્ડરની વાર્તા કરતાંય બે સદી જૂની છે. આ દિવસે ઇંગ્લૅન્ડના રાજા રિચર્ડ બીજાના એન્ગેજમેન્ટ ઍની સાથે થયા હતા, જેને કારણે ફૂલ્સ ડે મનાવવાની શરૂઆત થઈ. આ કારણ થોડું હાસ્યાસ્પદ નથી લાગતું? રાજવીના ચાંલ્લા નક્કી થયા એ દિવસને જ મૂર્ખ દિવસ તરીકે મનાવવાની પ્રથા જો શરૂ થઈ હોય તો એનો અર્થ શું થયો? ના, વાત માત્ર સગાઈની નહોતી, પણ આમંત્રિત મહેમાનો સગાઈની તારીખમાં થાપ ખાઈ ગયા એની હતી. ઇંગ્લૅન્ડના રાજા રિચર્ડ બીજાની સગાઈ બોહેમિયાની રાજકુમારી ઍની સાથે મે મહિનાની બીજી તારીખે થયેલી. જોકે રાજાએ લોકોને આ પ્રસંગે આમંત્રણ આપતી પત્રિકામાં તારીખ જરાક વિચિત્ર રીતે લખેલી, જેનો અર્થ સમજવામાં કેટલાક લોકોએ ભૂલ કરી. રાજાએ લખેલું કે સગાઈનો ઉત્સવ માર્ચ મહિનો પૂરો થયાના ૩૨મા દિવસે (એટલે કે બીજી મેના રોજ) છે. જોકે કેટલાક લોકો સગાઈ માર્ચ મહિનાના ૩૨મા દિવસે એટલે કે પહેલી એપ્રિલે છે એવું માની બેઠા અને રાજાના મહેલ પર વહેલી સવારથી મહેમાનોનું આગમન શરૂ થઈ ગયું અને રાજાને મોંઘેરી ભેટો આપીને વધાઈ આપવા માંડ્યા. 
માર્ચ મહિનામાં ૩૨ દિવસ હોતા જ નથી અને વળી એ દિવસે રાજાની સગાઈ પણ નહોતી. આમ બન્ને રીતે મૂરખ બનેલા લોકોને કારણે એપ્રિલ મહિનાની પહેલી તારીખ ફૂલ્સ ડે કહેવાવા લાગી.

ભારતમાં સૌથી પ્રચલિત રીત     
જ્યારે સોશ્યલ મીડિયા અને ઇલેક્ટ્રૉનિક પ્લૅટફૉર્મ્સ આટલાં ચલણમાં નહોતાં અને સમાચારો માટે સમાજનો સૌથી મોટો સ્રોત હજીયે અખબારો હતાં ત્યારે ભારતમાં અખબારો દ્વારા લોકોને એપ્રિલ ફૂલની ઉજવણી કરાવવાની રીત સૌથી વધુ લોકપ્રિય બની છે જે હજી આજેય એટલી જ લોકપ્રિય છે. પહેલી એપ્રિલનાં છાપાંના લગભગ બધા જ સમાચારો લગભગ બધા જ વાચકો એ રીતે વાંચતા હોય છે કે આમાંથી કયા સમાચાર ખોટા હશે એ નથી ખબર. બીજા દિવસ એટલે કે બીજી એપ્રિલનાં છાપાંની લોકો કાગડોળે રાહ જોતા અને કાલે વાંચેલા અને સાચા માની બેઠેલા કયા સમાચાર ખરેખર ખોટા હતા એ જાણીને વાચક હસી પડતો અને મનોમન બોલી જતો, ‘એપ્રિલ ફૂલ!’

બેસ્ટ એપ્રિલ ફૂલ્સ 
અમે પ્રયત્ન કર્યો છે કે વિશ્વભરમાં હમણાં સુધીની પહેલી એપ્રિલે જેટલી મજાકો થઈ છે એ બધામાંથી નોંધીને એમાંથી કેટલીક અજબગજબ મજાકોનું લિસ્ટ બનાવ્યું છે. ઘટનાઓ એવી-એવી ઘટી છે કે જાણે બધું નજર સામે સર્જાઈ રહ્યું હોય.
બ્રિટનના સલ્ફોક શહેરમાં ટેલિવિઝનની ન્યુઝ-ચૅનલ પર અચાનક એક નાની ડૉક્યુમેન્ટરી શરૂ થાય છે જેમાં ૭૫-૮૦ વર્ષના એક વૃદ્ધ મરઘી-પાલક પોતાના પૉલ્ટ્રી ફાર્મમાં ટ્રૅક્ટરના ટાયર પર બેઠા છે અને વાતચીત દરમિયાન એવો દાવો કરે છે કે તેમને પોતાના ફાર્મમાં મરઘીનાં ઈંડાં ઈંડાકારની જગ્યાએ ક્યુબ્સ આકારનાં ડેવલપ કરવામાં સફળતા મળી છે. એટલું જ નહીં, તેઓ ક્યુબ્સ શેપનાં થોડાં ઈંડાં પણ દેખાડે છે. તમે નહીં માનો પણ એ નાની ડૉક્યુમેન્ટરી બાદ ખરેખર જ રેસ્ટોરાં, સેલિબ્રિટી કુક્સ અને ખાવાના રસિયાઓમાં ચર્ચા નીકળી પડી કે ક્યુબ્સ ઈંડાં કઈ રીતે બનાવ્યાં હશે અને કેટલાય ગ્રાહકો તો બજારમાં એ ચોરસ ઈંડાં શોધવા પણ નીકળી પડ્યા હતા. આજે પણ અનેક જગ્યાઓએ ચોરસ ઈંડાં પેદા થયાનો પ્રૅન્ક થાય છે.
બીજા એક દેશમાં અન્ડરગ્રાઉન્ડ મેટ્રોના એક સ્ટેશને બે ટીવી-​રિપોર્ટર્સ ઊભા છે અને કૅમેરાની સામે તેઓ ચર્ચા કરી રહ્યા છે કે સરકારે હવે મેટ્રો ટ્રેનોમાં કૉન્ડોમ્સનું
વે​ન્ડિંગ મશીન મૂકવાનું નક્કી કર્યું છે, મેટ્રોની ટ્રેનોમાં પણ હવે માણસોના પ્લેઝરનો ખ્યાલ રાખવામાં આવશે એવું કહેતાં સરકારે આ નિર્ણય કર્યો છે. એક ન્યુઝ-ચૅનલના આવા કવરેજ પછી લોકોમાં જબરદસ્ત હોબાળો સર્જાયો હતો.

ખબર છે હમણાં સુધીમાં સૌથી શ્રેષ્ઠ પહેલી એપ્રિલનું કયું પ્રૅન્ક બન્યું હતું? વાત છે ૧૯૫૯ની સાલની. BBC ન્યુઝ-ચૅનલની ઑફિસમાં એપ્રિલ ફૂલ પ્રૅન્ક માટેની મીટિંગ ચાલી રહી હતી. ચાર્લ્સ ક્રિએટીઆ નામના એ સમયે BBC ન્યુઝમાં એક ફ્રીલાન્સ કૅમેરામૅન હતા. મીટિંગ ચાલતી હતી ત્યારે ક્રિએટીઆ એન્ટર થયા અને તેમણે કહ્યું કે સ્પૅગેટીની ખેતી થઈ રહી છે, તમને ખબર મળ્યા કે નહીં? મીટિંગમાં હાજર બધાની નજર પહોળી થઈ ગઈ. કેટલાકને આ મજાક લાગી તો કેટલાકને સાચી વાત. વિચાર ફાઇનલ થયો અને દસ હજારનું બજેટ નક્કી કરવામાં આવ્યું. ત્યાર બાદ ક્રિએટીઆ એક ફિલ્મ બનાવવાના કામે લાગી ગયા. હવે એ સમયે પૅનોરૅમાના રિપોર્ટર રિચર્ડ ડીમ્બલેબીનું નામ લોકોમાં એક પ્રતિષ્ઠિત અને વિશ્વાસુ જર્નલિસ્ટ તરીકે હતું. ક્રિએટીઆની ફિલ્મ જબરદસ્ત બની હતી. હવે એને કોઈ એવી મહોરની જરૂર હતી કે લોકો એને સાચું જ માની લે. BBCના ચૅરમૅને રિચર્ડને આ ન્યુઝ બનેલી ડૉક્યુમેન્ટરી સાથે રજૂ કરવા કહ્યું અને ટીવી પર સાવ સાચું લાગે એ રીતે એક ન્યુઝ BBC પર ડૉક્યુમેન્ટરી ફિલ્મ સાથે ચાલ્યા કે આ વખતની સ્પ્રિંગની ઋતુમાં સ્પૅગેટીની ખેતી શક્ય બની છે અને હવે સ્પૅગેટીનો પાક લેવાશે. ચિત્રણ અને રિપોર્ટિંગ એટલું અદ્ભુત હતું કે લોકોએ આ સમાચાર સાચા ગણી લીધા હતા.

મજાક બની મુશ્કેલી
જોકે મજાક ક્યારેક મુસીબત પણ બની જતી હોય છે. અમેરિકાના વર્જીનિયાની જ એક ઘટના જુઓને. ૨૦૧૪માં એન્જીલ ટમેન્ટ્સ નામની મહિલાએ કૉલેજમાં ભણતી તેની દીકરીને એપ્રિલ ફૂલ બનાવવાના આશયથી એવો મેસેજ કર્યો કે તેની કૉલેજમાં ફાયરિંગ થઈ રહ્યું છે અને તે ફસાઈ ગઈ છે તથા ફાયરિંગથી બચવા હમણાં છુપાઈને બેઠી છે. દીકરી માએ મોકલેલો એ મેસેજ સાચો હશે એમ જાણીને પોલીસને ફોન કરી દે છે અને મારતી ગાડીઓએ પોલીસ-ફોર્સ એન્જીલ ટમેન્ટ્સની કૉલેજમાં પહોંચી જાય છે. પોલીસ-ફોર્સને જ્યારે ખબર પડી કે એન્જીલે આ મજાક કરી હતી ત્યારે તેમને હસવું નહોતું આવ્યું, બલ્કે એથી સાવ ઊલટું શહેરની શાંતિ ભંગ કરવાના પ્રયત્નરૂપે એન્જીલને કાઉન્ટી જેલમાં પૂરી દેવામાં આવી.

આવી જ એક ઘટના ૧૯૮૬ની છે. ઇઝરાયલનો એક ઇન્ટે​લિજન્ટ એજન્સી ઑફિસર એક ખોટો રિપોર્ટ પબ્લિશ કરે છે જેમાં કહેવાયું છે કે લેબનીઝ મુસ્લિમ લીડર નાબીલ બેરીને મારી નાખવાનું કાવતરું ઘડાયું છે. હવે તેનો આ એપ્રિલ ફૂલ ખોટો રિપોર્ટ એટલો અને એવો વાયરલ થયો કે ઇઝરાયલના રેડિયો-સ્ટેશનથી લઈને ઇઝરાયલી ડિફેન્સ મિનિસ્ટ્રી સુધી ન્યુઝ અને રિપોર્ટ પહોંચી ગયા. આ ન્યુઝ પાછળ જબરદસ્ત હોબાળો મચતાં આખરે ઇઝરાયલે આ સમાચાર ખોટા હોવાના ખુલાસાઓ આપવા પાડ્યા હતા.
સો, એપ્રિલ ફૂલ તેરી કહાનિયાં હઝાર, તેરે અંદાઝ હઝાર... મજા જ્યાં સુધી સજા ન બને એ ખરી એપ્રિલ ફૂલ અને એ મજાની મજાક...

life and style culture news columnists gujarati mid-day festivals