✕

જીવનમાં ગંગા જેવા થશો તો સૌ કોઈ તમારી આજુબાજુમાં ઘાટ બનાવશે

25 September, 2026 03:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીમદ્ ભાગવત ‘સત્યં પરમ ધીમહિ’થી પરમ સત્યની અનુભૂતિની યાત્રા કરાવે છે. વિવિધ આચાર્યોએ બનાવેલા સંપ્રદાયના ઘાટ અલગ છે, પરંતુ સત્યની ગંગા એક જ છે, જે સૌને પવિત્ર અને નિર્મળ બનાવે છે.

પ્રતીકાત્મક તસવીર

શ્રીમદ્ ભાગવતનો ઉપક્રમ અને ઉપસંહાર એ બન્ને ‘સત્યં પરમ ધીમહિ’ અને એ પરમ સત્યની અનુભૂતિની યાત્રા શ્રીમદ્ ભાગવત કરાવે છે. ગયા વખતે કહ્યું એમ ઘાટનું મહત્ત્વ વહેતા પ્રવાહને કારણે છે. જે દિવસે એ પ્રવાહ ઘાટ છોડી દે એ દિવસે ઘાટ સૂનો થઈ જાય અને પછી એ ઉજ્જડ થઈ જાય.
સત્ય એક જ છે અને સત્ય એ જ છે. સત્યમાં કોઈ પરિવર્તન નથી હોતું. પરિવર્તન પ્રકૃતિમાં હોય, સત્યમાં કોઈ પરિવર્તન નથી. બસ, આચાર્ય મહાપુરુષોએ ઘાટ બાંધ્યા છે અને આ ગંગા એને અડીને વહેતી રહે છે, કારણ કે તેમણે ગંગાને અડીને જ ઘાટ બાંધ્યા હતા. ગંગા બરાબર એને અડકીને, એને સ્પર્શતી વહેતી રહે છે એટલે તો ઘાટથી ગંગાની શોભા અને ગંગાથી ઘાટની શોભા.
ગંગા તો જંગલમાંથી વહેતી હોય. ત્યાં પોતાની મસ્તીમાં વહે છે. ગંગાનું એનું પોતાનું સૌંદર્ય છે. જ્યાં ઘાટ ન હોય ત્યાં પણ ગંગાને પોતાના વળાંકો, એની પાસે ઊભેલાં વૃક્ષો, જંગલો, ક્યાંક ચટ્ટાનો. નર્મદાને આપણે અમરકંટકમાંથી નીકળતી જોઈએ અને પછી ભેડાઘાટ તરફ જાઓ તો શું અદ્ભુત સૌંદર્ય છે. ત્યાં સંગેમરમરના પહાડોની વચ્ચેથી ગંગાનો પ્રવાહ શાંત વહેતો હોય છે. એમાં પણ જો તમે શરદ પૂર્ણિમાની રાત્રિએ જુઓ. હર જગહ ગંગા કા અપના સૌંદર્ય હૈ, હર જગહ નર્મદા કા અનોખા અંદાઝ હૈ.
આપણે ત્યાં ઘાટ બનાવવા એ પુણ્યનું કામ છે. 
આપણા આચાર્ય મહાપુરુષોએ ઘાટ બનાવ્યા છે. એક ઘાટ વલ્લભાચાર્યજીએ બનાવ્યો, એક ઘાટ રામાનુજાચાર્યજીએ બનાવ્યો, એક ઘાટ નિમ્બાકાચાર્યજીએ બનાવ્યો, એક ઘાટ માધવાચાર્યજીએ બનાવ્યો અને આવા અનેક ઘાટો બન્યા.
આ બધા જ ઘાટ આ સત્ય સનાતન ધર્મની ગંગાના કિનારે શોભી રહ્યા છે અને દરેક ઘાટ પર અલગ-અલગ સૌ સાધકો, સત્સંગીઓ સ્નાન કરી રહ્યા છે. જોકે જેમાં સ્નાન થઈ રહ્યું છે એ ગંગા એ જ છે. જે ૫૦૦૦ વર્ષ પહેલાં વહેતી હતી એ જ આજે પણ વહે છે અને અસી ઘાટથી લઈને બીજા ગમે એ ઘાટ પર લોકો સ્નાન કરતા હોય છે. આપણા 
આચાર્ય મહાપુરુષોએ બનાવેલા આ સંપ્રદાયના ઘાટ જુદા-જુદા છે, પણ ગંગા એક જ છે અને એ એક જ કામ કરે છે - સૌને પવિત્ર કરવાનું, સૌમાંથી મેલ કાઢવાનું અને સૌને નિર્મળ કરવાનું. જીવનમાં ગંગા જેવા થવું. જો ગંગા જેવા થશો તો મહાનુભાવો પણ તમારી આસપાસ પોતાના ઘાટ બનાવશે.

-ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ganga hinduism religion religious places culture news lifestyle news life and style