કાશ્મીરના ખીણપ્રદેશના ખીર ભવાની મંદિરે ચાલો

09 June, 2025 06:59 AM IST  |  Srinagar | Alpa Nirmal

કાશ્મીરના તુલમુલ ગામમાં આવેલા ખીર ભવાની મંદિરનું લોકેશન કાશ્મીરનાં અન્ય સિનિક પ્લેસની ખૂબસૂરતીને ટક્કર આપે એવું ટનાટન છે.

ખીર ભવાની કે ક્ષીર ભવાની મંદિર

કાશ્મીરના તુલમુલ ગામમાં આવેલા ખીર ભવાની મંદિરનું લોકેશન કાશ્મીરનાં અન્ય સિનિક પ્લેસની ખૂબસૂરતીને ટક્કર આપે એવું ટનાટન છે. ઑપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ ખીણપ્રદેશને વાળી-ઝૂડીને આંતકવાદીઓનો સફાયો કરી નાખ્યો છે. હવે સોળે કળાએ મહોરી ઊઠતો આખો પ્રદેશ ચહેકી રહ્યો છે. ખીર ભવાની માતાનો દરબાર લાગી ચૂક્યો છે અને દુનિયાના સૌથી ઊંચા રેલ બ્રિજ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે ત્યારે બોલો, શ્રીનગરની ટિકિટ ક્યારે કઢાવો છો?

વેલ, જમ્મુ-કાશ્મીર ભારતનું અતિચર્ચિત રાજ્ય છે. ઑલમોસ્ટ એવરી ડે અખબારોમાં કે ટેલિવિઝનના ન્યુઝઅવરમાં આ સ્ટેટના કોઈ ને કોઈ ન્યુઝ આવતા રહે છે જે ટેરરિઝમના હોય, રાજકીય આંટીઘૂંટીના હોય કે પછી સુંદરતા વિશે હોય. જોકે આજે આપણે અહીંના ધાર્મિક સ્થાનની વાત કરવી છે. એય એવું સ્થાન જે પ્રખ્યાત અમરનાથ યાત્રા પછી તીર્થાટનપ્રેમીઓની સૂચિમાં બીજા પાયદાને છે.

યસ, ખીર ભવાની કે ક્ષીર ભવાની મંદિરમાં વર્ષભર યાત્રાળુઓ આવે છે અને એમાંય જેઠ સુદ અષ્ટમીએ તો દુનિયાભરમાં વસતા સેંકડો કાશ્મીરી હિન્દુ પંડિતો તેમનાં કુળદેવી માતાને મત્થા ટેકવા આવે છે. કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના તુલમુલ ગામે એક પવિત્ર ભૂર્ગભ જળસ્રોતની ઉપર આવેલા આ મંદિરનાં માતાજીનું મૂળ નામ રાગ્યાદેવી છે, પરંતુ જેઠ સુદ આઠમે માતા જ્યાં બિરાજે છે એ નાનકડા કુંડમાં ભક્તગણ ખીર કે દૂધ ચડાવે છે એટલે માતા ખીર ભવાનીના ઉપનામે વધુ ઓળખાય છે.

આ રાગ્યાદેવી કોણ છે અને તે કાશ્મીર કઈ રીતે આવ્યાં એ કથા પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શ્રી પરમાનંદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શ્રીનગર દ્વારા પબ્લિશ થયેલા એક પુસ્તકમાં ભૃગુસંહિતાના એક અધ્યાયનો ઉલ્લેખ કરીને લખાયેલું છે કે રાવણના પિતા પુલત્સ્ય મૂળ કાશ્મીરના હતા. તેઓ આ માતાને શ્યામારૂપે પૂજતા. રાવણે લંકામાં પોતાનું આધિપત્ય જમાવ્યું ત્યારે તે પિતા દ્વારા પૂજિત શ્યામામાતાની મૂર્તિ પણ લંકા લઈ ગયા. શ્યામા, મા ભગવતી એટલે પાર્વતીનું જ એક સ્વરૂપ અને લંકાધિપતિ તો ભોલેનાથના પણ પરમ ભક્ત એટલે શ્યામામાતાની પૂર્ણ અમીદૃષ્ટિ લંકેશ પર હતી. તેમણે લંકેશને અનેક વરદાન પણ આપ્યાં હતાં. જોકે જ્યારે રાવણે સીતાજીનું હરણ કર્યું અને પોતાની સાથે લંકા લઈ આવ્યો ત્યારે શ્યામામાતા ખૂબ દુખી થઈ ગયાં. એમાંય શ્રીરામે જ્યારે વાનરસેના સાથે લંકા પર ચડાઈ કરી ત્યારે તો રાવણે માતૃશક્તિને ફરી જાગૃત કરવા અનેક ઉપાયો કર્યા. રાવણની આવી અધાર્મિક ચેષ્ટાથી માતાએ રાવણને વરદાન આપવાને બદલે શ્રાપ આપ્યો અને હનુમાનજીને હાલના કાશ્મીરમાં જે ત્યારે સતીસર નામે ઓળખાતું ત્યાં તેમને લઈ જવાનું કહ્યું. રામદૂતે ૩૬૦ નાગ સાથે માતાને એ તળાવમાં પધરાવ્યાં. માતા જ્યારે અહીં પહોંચ્યાં ત્યારે આકાશમાં અર્ધચન્દ્ર હતો અને રાત્રિ પડી ગઈ હતી એટલે તેમને રજની-રાત્રિ પણ કહેવાય છે.

અહીં એક આડ વાત અબાઉટ સતીસર. કાશ્મીરનો પ્રાચીન ગ્રંથ નીલમત પુરાણ કહે છે કે બ્રહ્માપુત્ર ઋષિ કશ્યપની આ ભૂમિમાં પૂર્વે વિશાળ તળાવ હતું જે સતીસર નામે ઓળખાતું. સતી મીન્સ પાર્વતી મા અને સર એટલે તળાવ. રાગ્યામાતા નાગદેવતાઓ સાથે અનેક વર્ષ આ જળમાં રહ્યાં. અગેઇન, પૌરાણિક કથા કહે છે કે ‘કશ્યપ ઋષિએ ક્રોધિત થઈને અહીંનું જળ સૂકવી નાખ્યું અને એ આખો વિસ્તાર રમણીય ખીણપ્રદેશ બની ગયો અને અહીં તેમણે બ્રાહ્મણોને વસાવ્યા. ભૂદેવો અહીં હજારો વર્ષોથી રહેતા હતા છતાં માતાની મૂર્તિ એ પ્રદેશમાંથી જ વહેતા એક સ્વયંભૂ ઝરણાની નીચે રહી. જોકે એ વૉટર બૉડી નાની નહોતી. આખો નદીનો પટ ખાસ્સો મોટો હતો. બાદમાં વર્ષોનાં વર્ષો વીત્યા પછી લગભગ ૧૭મી સદીમાં અહીં રહેતા એક બ્રાહ્મણ પંડિત રુગનાથ ગદરુને માતાજી સપનામાં આવ્યાં અને તેમને આ સ્થળે આવવાનું કહ્યું. પંડિતજીને ખબર હતી કે આ તો આખો જળપ્રદેશ છે, એમાં માતાની મૂર્તિ શોધવી કઈ રીતે? આથી તેઓ દૂધ ભરેલા અનેક કળશાઓ હોડીમાં લઈને અહીં પહોંચ્યા અને પાણીમાં દૂધ નાખતા ગયા. બધી જગ્યાએ દૂધ પાણી સાથે વહી જતું, પણ એક સ્થાને દૂધ જમીનમાં શોષાતું હોય એવું લાગતાં ત્યાં ખોદકામ કરાવતાં રાગન્યામાતાની પ્રાચીન મૂર્તિ પ્રાપ્ત થઈ.’

એક મત એમ પણ કહે છે કે ‘ક્રિષ્ણા પંડિત નામના સ્થાનિક બ્રાહ્મણને બૃહદ કથા નામે એક પ્રાચીન પુસ્તક પ્રાપ્ત થયું. ત્યાર બાદ તેમને માતા સપનામાં આવ્યાં અને પોતાના સ્થાન વિશે જણાવ્યું. પુસ્તકમાં વાંચ્યા મુજબ માતા સર્પો સાથે જળાશયમાં સમાયાં હતાં. આથી તેઓ એક સાપ લઈને અહીં આવ્યા અને ચાલતાં-ચાલતાં જ્યાં એ સર્પ ઊભો રહી ગયો એની વિરુદ્ધ દિશામાં ખોદતાં ભૂગર્ભ ઝરણું ફૂટી નીકળ્યું અને એમાંથી માઈની મૂર્તિ નીકળી.’

ખેર, કઈ કથા સાચી કે બેઉ કહાની સત્ય એ ખબર નથી. એ જ રીતે એ પણ ખબર નથી કે આ ઘટનાઓ કઈ સદીમાં થઈ. જોકે ૧૯મી સદીના યુથ આઇકન વિવેકાનંદ સ્વામીની આત્મકથામાં ઉલ્લેખ છે કે તેઓ ભારતભ્રમણ કરતાં-કરતાં ૧૮૯૮ની ૩૦ સપ્ટેમ્બરે અહીં આવ્યા હતા. કાલીમાતાના ઉપાસક સ્વામીએ આ સ્થળે એક જીર્ણ દેરી જોઈ જેમાં બિરાજમાન માતાની પ્રતિમા જોઈને તેઓ ત્યાં જ રહી ગયા. વિવેકાનંદ અઠવાડિયા સુધી દરરોજ હવન કરતા અને ભોગમાં માતાને ખીર ચડાવતા. તેમની લાઇફ-સ્ટોરીમાં આગળ ઉલ્લેખાયું છે કે મંદિરની જીર્ણ-શીર્ણ હાલત જોઈને વિવેકાનંદ વ્યથિત હતા. વળી એ સમયે અહીં વિધર્મીઓની વસ્તી પણ બહુ હતી. ત્યારે આ શાશ્વત સ્થાનનું શું થશે એવો વિચાર કરી રહ્યા હતા ત્યારે માતાએ નરેન્દ્ર સાથે વાર્તાલાપ કર્યો અને પૂછ્યું કે નાસ્તિકો કે અધર્મીઓ મારા મંદિરને કે મૂર્તિને નુકસાન પહોંચાડશે તો તું શું મને બચાવીશ કે મારે તને બચાવવો પડશે? એ જ રીતે માતાના મંદિરની સ્થિતિ જોઈને તેઓ દુખી હતા ત્યારે પણ માતાએ જ તેમને કહ્યું કે ‘બેટા, મારી જ ઇચ્છા છે કે હું આ જીર્ણ મંદિરમાં રહું. મારે જો ભવ્ય મહેલમાં રહેવું હશે તો હમણાં જ સાત મંજિલા સોનાનું મંદિર બની જશે.’

નાઓ, બૅક ટુ ટુડે. તુલમુલ ગામે આવેલા આ મંદિરનું નિર્માણ ૧૯૧૨માં મહારાજ પ્રતાપ સિંહે કરાવ્યું છે. બાદમાં એનો જીર્ણોદ્ધાર મહારાજ હરિસિંહે કરાવ્યો છે. જોકે એ પછી ૧૯૯૦ના દાયકામાં આ વિસ્તારમાંથી કાશ્મીરી પંડિતો પલાયન થવાથી અને બે દાયકા સુધી કાશ્મીર ઘાટીમાં રહેલા તનાવને કારણે માતાના મઢની હાલત સારી નહોતી રહી. જોકે ૨૦૨૧માં ભારતીય સેનાએ એનું રિપેરિંગ, રંગરોગાન, સુશોભીકરણ કર્યું ત્યાર બાદ આ મંદિર કાશ્મીરના અન્ય સિનિક પ્લેસની ખૂબસૂરતીને ટક્કર આપે એવું ટનાટન બની ગયું છે. વેલ્વેટી ઘાસની વાદીઓ વચ્ચે નદીની નજીક આવેલા મંદિર પરિસરના મધ્યમાં એક અષ્ટકોણીય તળાવની વચ્ચે માતાજીની નાની દેરીમાં બિરાજમાન છે અને તેમની બાજુમાં ભોલેબાબા છે. ટેમ્પલ કૉમ્પ્લેક્સમાં આવેલાં ચિનારનાં મંદિરોની છાંવમાં અન્ય ભગવાનોની દેરીઓ, ઢળતાં લાલ નળિયાંવાળાં દેવળો સાથે પક્ષીઓનો ચહેકાટ આખા વિસ્તારને બડકમદાર બનાવે છે. મંદિરમાં જ કુદરતી ઝરણાના પાણીનો કુંડ છે જ્યાં પુરુષો અને બાળકોને સ્નાન કરવાની સુવિધા પણ છે.

કાશ્મીર જવું હવે વધુ સુગમ બની ગયું છે. ભારતના મુગટને મેઇન લૅન્ડ સાથે જોડતી રેલવેસેવા શરૂ થઈ ગઈ છે એટલે વિશ્વની અજાયબી રૂપ એ રેલયાત્રા કરવી હોય તો મુંબઈથી કટરા જંક્શન અને કટરાથી શ્રીનગર જતી વંદે ભારત ટ્રેન લો એટલે કાશ્મીરની સુંદરતા મન ભરીને માણતાં-માણતાં ક્યારે શ્રીનગર પહોંચી જવાય એનો ખ્યાલ જ ન રહે. આ યાત્રા ન કરવી હોય તો ભારતના દરેક મુખ્ય શહેરથી પાટનગર શ્રીનગર માટે ડાયરેક્ટ-ઇનડાયરેક્ટ ફ્લાઇટનો વિકલ્પ છે જ. જમ્મુથી પણ શ્રીનગર અને આખો વિસ્તાર સડકમાર્ગે જોડાયેલો છે. તુલમુલ ગામ શ્રીનગરથી ૨૪ કિલોમીટર છે જે ખાનગી ટૅક્સી અથવા સ્ટેટ પરિવહનની બસ દ્વારા કવર કરી શકાય છે. રહેવા અને જમવા માટે શ્રીનગરમાં કંઈ કહેવું ન પડે. અહીં દરેક બજેટ, સગવડ તેમ જ લોકેશન પર સુપર્બ હોટેલો કે રિસૉર્ટ મળી જાય છે અને વેજિટેરિયન ખાણું પણ.

કુંડના પાણીનો દરેક રંગ ભવિષ્યનો સંકેત આપે છે

જ્યેષ્ઠ મેળા દરમ્યાન ભક્તો અહીં સેંકડો લીટર દૂધ કે ખીર ચડાવે છે છતાં એ કુંડનું પાણી સફેદ નથી રહેતું. શ્રદ્ધાળુઓ માને છે કે એ દિવસે દેખાતો પાણીનો રંગ ભવિષ્યવાણી કરે છે. જો પાણી કાળું હોય તો આપદા આવવાની સંભાવના રહે છે. ૨૦૧૪માં કુંડનું પાણી કાળું થઈ ગયું હતું તો કાશ્મીરમાં ભારે પૂર આવ્યું હતું. પાણીનો લાલ રંગ યુદ્ધ સૂચવે છે. કારગિલ યુદ્ધ વખતે એ જળ લાલ થયું હતું. લીલો રંગ ખુશાલી અને શાંતિ સૂચવે છે.

ખીર ભવાની નામ કેમ?

એક માન્યતા કહે છે કે રુગનાથ પંડિત જળાશયમાં રહેલાં માતાજીની ખોજમાં નીકળ્યા ત્યારે દૂધના ઘડા લઈને નીકળ્યા હતા એટલે માતાજીને દૂધ અથવા ખીર ચડાવવાની પ્રથા છે. અન્ય વર્ગ કહે છે કે સ્વામી વિવેકાનંદે માતાને ખીરનો ભોગ ચડાવ્યો ત્યારથી આ પરંપરા બની. એ જે હોય તે, માતાજી જે નાના કુંડની વચ્ચે બિરાજમાન છે એ જ જળમાં ભક્તો ખીર કે દૂધ ચડાવે છે અને એ કુંડ હોવા છતાંય એ પાણીમાં ગંદકી નથી થતી કારણ કે ભૂગર્ભ જળસ્રોત હોવાથી પાણી ઑટોમૅટિક રીજનરેટ થયા કરે છે.

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

 જ્યેષ્ઠ શુક્લ અષ્ટમી ઉપરાંત બેઉ નવરાત્રિ દરમ્યાન પણ આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોય છે. આમેય કાશ્મીરની બ્યુટી દરેક ઋતુમાં અનેરી હોય છે એટલે શિયાળામાં આવો, પાનખરમાં આવો કે ઉનાળામાં કાશ્મીર બેમિસાલ છે અને હા, મંદિર પણ બારે મહિના ખુલ્લું રહે છે.

 કાશ્મીર રીજનમાં અમરનાથ બાદ ખીર ભવાની લોકપ્રિય ધાર્મિક સ્થળ છે. સવારના સાતથી સાંજે પાંચ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મંદિરમાં ફક્ત સ્થાનિકો જ નહીં, દેશભરના યાત્રાળુઓ અને નજીકની પોસ્ટ પર ડ્યુટી કરતા જવાનો પણ માઈના આશીર્વાદ લેવા આવે છે.

jammu and kashmir kashmir culture news religion religious places hinduism indian mythology operation sindoor national news news columnists gujarati mid-day alpa nirmal life and style