20 September, 2026 12:27 PM IST | Rajkot | Shailesh Nayak
રાજકોટથી પગપાળા અંબાજી આવતા ધાર્મિકજનો એકસરખા ડ્રેસમાં.
હે જગજનની, હે જગદંબા, માત ભવાની શરણે લેજે, આદ્યશક્તિ મા આદિ-અનાદિ, અરજી અંબા તું ઉરમાં ધરજે...
ઉત્તર ગુજરાતમાં આરાસુરના ડુંગરોની વચ્ચે આવેલા જગજનની આદ્યશક્તિ અંબે માતાજીના ધામ અંબાજીમાં પદયાત્રા કરીને પહોંચી લાખો માઈભક્તો માતાજીનાં દર્શન કરીને શરણમાં લેવાની પ્રાર્થના કરે છે. એટલું જ નહીં, સાથે-સાથે એવી અરજ પણ કરે છે કે ‘હે જગદંબા, નવરાત્રિનું પાવન પર્વ આવી રહ્યું છે ત્યારે અમારા ગામ અને શહેરમાં પધારો.’ પદયાત્રા કરીને અંબાજી પહોંચી માઈભક્તો માતાજીને હૃદયપૂર્વક આમંત્રણ આપે છે. માતાજીનું હૃદય જ્યાં ધબકે છે એવા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આજથી ૨૦ સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે પદયાત્રાને લઈને જાણી-અજાણી વાતોનો સત્સંગ કરીએ.
રાજકોટથી પગપાળા અંબાજી આવતા સંઘની વિશેષતા એ છે કે આખો સંઘ એક ચોક્કસ ડ્રેસકોડમાં હોય છે, જેને કારણે એ અન્ય સંઘો કરતાં સાવ અલગ તરી આવે છે. આ વિશે વાત કરતાં કૌશિક પઢિયાર ‘મિડ-ડે’ને કહે છે, ‘રાજકોટમાં આવેલા અંબા-ખોડિયાર મંદિરથી અમારો સંઘ અમારા ગુરુજી ‘માડી’ના નેતૃત્વમાં પગપાળા અંબાજી આવે છે. આ વખતે અમારા સંઘનું આ પચીસમું વર્ષ છે. સંઘમાં આશરે ૧૩૦થી ૧૫૦ જેટલાં મહિલાઓ, પુરુષો અને બાળકો જોડાય છે. રાજકોટથી આશરે ૪૫૦ કિલોમીટર જેટલું અંતર કાપીને અમે પગપાળા અંબાજી પહોંચીએ છીએ. અમારા સંઘના તમામ સભ્યો એકસરખા ડ્રેસકોડમાં હોય છે. એની પાછળનો ભાવ એ છે કે ગુરુજી કહે છે કે લગ્નપ્રસંગમાં આપણે સરસ તૈયાર થઈને સાડી કે સારાં વસ્ત્રો પહેરીને જઈએ છીએ તો ભાદરવી પૂનમ તો સાક્ષાત્ જગદંબાનો મહાપ્રસંગ છે તો પછી માતાજીના દરબારમાં કેમ સરસ તૈયાર થઈને ન જવું? માતાજીના દ્વારે જતા હોઈએ ત્યારે સાડી, ઝભ્ભો, ધોતી કે પાયજામો શોભે. તેથી જ અમારા સંઘના તમામ સભ્યો એકસરખા પરિધાનમાં જોવા મળે છે. રોજ અલગ-અલગ પહેરવેશ હોય છે. કોઈક દિવસ રાજપૂત સમાજનો પોશાક, કોઈક દિવસ આહિર સમાજનો તો કોઈક દિવસ ભરવાડ સમાજનો પારંપરિક પોશાક ધારણ કરીને અમે આગળ વધીએ છીએ. અમે ૧૫ દિવસના અલગ-અલગ પોશાક તૈયાર કરાવીએ છીએ. તમામ સભ્યો એક જ જગ્યાએથી કાપડ લઈને પોતપોતાના માપ પ્રમાણે સિલાઈ કરાવે છે. આ માટે છેક દિવાળી પછીથી તૈયારીઓ શરૂ થઈ જાય છે અને કયા દિવસે કયો પોશાક પહેરવો એ અગાઉથી નક્કી કરવામાં આવે છે.’
ભાદરવી પૂનમના મહામેળામાં વીસનગર, વડનગર, ખેરાલુ અને સતલાસણા બાજુથી આવતા પગપાળા સંઘોમાંથી આજે પણ કેટલાક સંઘો અંબાજી જતાં પહેલાં દાંતાના અંબાજી મંદિરે અચૂક દર્શન કરીને આગળ વધે છે અથવા તો પદયાત્રીઓ મંદિર તરફ મુખ રાખી માતાજીનાં દર્શન કર્યાનો અહેસાસ કરીને આગળ વધે છે. દાંતામાં આવેલા અંબે માતાજીના મંદિરે માથું ટેકવવાનું વિશેષ માહાત્મ્ય રહેલું છે જે જૂજ શ્રદ્ધાળુઓ જ જાણતા હશે. આ વિશે વાત કરતાં દાંતાના રાજવી પરિવારના પરમવીરસિંહ ‘મિડ-ડે’ને કહે છે, ‘મહારાણા જસરાજસિંહે વિક્રમ સંવત ૧૧૩૬માં દાંતાની રાજગઢીમાં અંબે માતાજીના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. પ્રાચીન સમયમાં અમારી રાજધાની હાલ પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રદેશના નગરઠઠ્ઠામાં હતી. જોકે મહારાણા જસરાજસિંહ ત્યાંથી મધ્ય ભારત આવ્યા ત્યારે પોતાના હાથમાં માતાજીની મૂર્તિ લઈને આવ્યા હતા. એ મૂર્તિ દાંતાના ગઢમાં સ્થાપિત કરાઈ હતી. આ મૂર્તિ આશરે ૨૦૦૦ વર્ષ જૂની છે. ભાદરવી પૂનમના મેળામાં જે સંઘો અંબાજી જાય છે એ અહીં માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે. વર્ષો પહેલાં પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે અમદાવાદથી ૧૧ બ્રાહ્મણો પદયાત્રા કરીને અંબાજી જતી વખતે દાંતાના અંબાજી મંદિરે આવ્યા હતા. એ સમયે મહારાજા હમીરસિંહે તેમનું સામૈયું કરીને સ્વાગત કર્યું હતું. બ્રાહ્મણો અંબે માતાજીના મંદિરે દર્શન કરીને અંબાજી તરફ આગળ વધ્યા હતા અને ત્યાં જઈને ધજા ચડાવી હતી. આ પરંપરા ત્યારથી ચાલી આવે છે. આજે આશરે ૧૮૫ વર્ષ જૂની આ પરંપરા અકબંધ છે. આજે પણ રાજવી પરિવારના સભ્યો લાલદંડાવાળા સંઘનું સામૈયું કરે છે. તેઓ અહીં માતાજીના મંદિરે પૂજા-અર્ચના અને આરતી કરીને પછી અંબાજી તરફ પ્રયાણ કરે છે. આજે પણ આ પરંપરા ચાલુ છે અને અનેક પદયાત્રીઓ દર્શનાર્થે આવે છે.’
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલું અંબિકા માતાજીનું મંદિર આસ્થાનું મોટું કેન્દ્ર છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર ઉપરાંત હિંમતનગર, પ્રાંતિજ અને દહેગામ તરફથી આવતા સંઘો અંબાજી પહોંચતાં પહેલાં ખેડબ્રહ્મામાં આવેલા અંબિકા માતાજીનાં દર્શન કરવા અચૂક જાય છે. સંઘના યાત્રાળુઓ મંદિરના ચોકમાં ગરબે ઘૂમે છે અને ભજનો ગાઈને ભક્તિભાવ વ્યક્ત કરે છે ત્યારે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા છવાઈ જાય છે. મંદિરના પૂજારી દશરથભાઈ ‘મિડ-ડે’ને કહે છે, ‘વર્ષો જૂના અંબિકા માતાજીના મંદિરે પદયાત્રીઓ ખાસ ધજા ચડાવવા આવે છે. યાત્રીઓ માતાજીના મંદિરમાં વિસામો કરે છે અને દર્શન કરીને અંબાજી તરફ આગળ વધે છે. જેમ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો જામે છે એમ અહીં પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ દર્શનાર્થે આવતા હોવાથી મેળા જેવો જ માહોલ સર્જાય છે.’
થાકેલો માણસ જો ચાનો એક ઘૂંટ ભરે તો શરીરમાં જાણે નવી તાજગીનો સંચાર થઈ જાય છે. દાંતા થઈને અંબાજી જતી વખતે વચ્ચે પહાડી વિસ્તારમાં ત્રિશૂળિયો ઘાટ આવેલો છે જે અત્યંત વિખ્યાત છે. ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓ જ્યારે વાંકાચૂંકા પહાડી રસ્તાઓ ચડીને ત્રિશૂળિયા ઘાટ પહોંચે છે ત્યારે તેમને મોટો હાશકારો થાય છે, કારણ કે અહીં તેમને રકાબીમાં ગરમાગરમ ચા મળે છે. પદયાત્રીઓમાં આ સેવા ‘રકાબીવાળો ચાનો કૅમ્પ’ તરીકે જાણીતી છે. ઇન્ડસ્ટ્રિયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI)ના સ્ટાફ દ્વારા છેલ્લાં ૪૧ વર્ષથી ચલાવવામાં આવતા આ અનોખા કૅમ્પ વિશે વાત કરતાં સોમભાઈ પટેલ, કલ્પેશ પટેલ અને હસમુખ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘વર્ષો પહેલાં અમારા સ્ટાફના મિત્રો પગપાળા અંબાજી જતા હતા ત્યારે અમને ચા પીવાની ઇચ્છા થઈ, પરંતુ એ સમયે ત્રિશૂળિયા ઘાટ વિસ્તારમાં ક્યાંય ચા કે સેવા કૅમ્પની સગવડ નહોતી. આથી અમે પોતે જ અહીં ચાનો કૅમ્પ શરૂ કરવાનો સંકલ્પ કર્યો અને ૧૯૮૫માં આ કૅમ્પ શરૂ થયો. અમારા સ્ટાફના સાથીઓ જ આ કૅમ્પનું સંચાલન કરે છે. ભાદરવી પૂનમના મેળા દરમ્યાન અમે દરરોજ આશરે ચારથી પાંચ હજાર લીટર શુદ્ધ દૂધની મસાલેદાર ચા બનાવીએ છીએ. ચાનો મસાલો એટલો સ્વાદિષ્ટ હોય છે કે લોકો પીતા જ રહી જાય છે. અંબાજી જતા આશરે ૮૦ ટકા પદયાત્રીઓ અમારી ચા પીને જ આગળ વધે છે. ત્રિશૂળિયો ઘાટ ચડીને આવેલા યાત્રીઓ ભારે થાકી ગયા હોય છે, પણ અહીં ચા પીતાં જ તેમનો થાક ઊતરી જાય છે અને જાણે બૂસ્ટર ડોઝ મળ્યો હોય એમ તેઓ ઊર્જા સાથે અંબાજી મંદિર તરફ ડગ માંડે છે. રકાબીમાં ચા આપવા પાછળનું મુખ્ય કારણ પર્યાવરણનું રક્ષણ છે. પ્લાસ્ટિક કે કાગળના કપ રાખીએ તો પદયાત્રીઓ ચાલતાં-ચાલતાં ચા પીને કપ રસ્તા પર ફેંકી દે છે, જેથી આખો માર્ગ ગંદકીથી ભરાઈ જાય છે. રકાબી આપવાથી યાત્રી કૅમ્પમાં બેસીને કે ઊભા રહીને જ ચા પીએ છે. ત્રિશૂળિયા ઘાટના જંગલ અને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય એ અમારું મુખ્ય ધ્યેય છે. અમારી પાસે લગભગ ૪૦૦૦ જેટલી કાચની રકાબીઓ છે. વપરાયેલી રકાબીઓને ૩ વાર ચોખ્ખા પાણીથી ધોવામાં આવે છે. આ કારણે જ પદયાત્રીઓમાં અમારો કૅમ્પ ‘રકાબીવાળો ચાનો કૅમ્પ’ તરીકે જાણીતો બન્યો છે.”
હિંમતનગરથી ઈડર તરફ જતાં માર્ગ પર વક્તાપુર આવે છે. અહીં રોકડિયા હનુમાનજી મંદિર પાસે અમદાવાદના સંકટમોચન હનુમાન ભક્ત મંડળ દ્વારા પરંપરાગત ભોજન ઉપરાંત પદયાત્રીઓ માટે પગમાલિશ અને પ્રાથમિક તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે. કૅમ્પમાં પગમાલિશ મળવાથી પદયાત્રીઓનો શારીરિક થાક દૂર થાય છે. મંડળના પ્રમુખ અતુલ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટના સહયોગથી આ સેવા કૅમ્પમાં પદયાત્રીઓ માટે શીરો, ફાડા લાપસી, લાઇવ મોહનથાળ, ખીર, દાળ-ભાત, ખીચડી-કઢી, પૂરી, ચણા અને બટાટાનું શાક સહિતનું સાત્ત્વિક ભોજન પીરસવામાં આવે છે. આ ઉપરાંત ગરમાગરમ લાઇવ ગોટા અને ઢોકળાં સહિતનો નાસ્તો તથા ચા પણ આપવામાં આવે છે. સાથે જ ૨૪ કલાક મેડિકલ સેવાઓ પણ ઉપલબ્ધ રખાઈ છે. પદયાત્રીઓ દૂર-દૂરથી ચાલીને આવતા હોવાથી તેમનો થાક ઉતારવા માટે પગમાલિશની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. શુક્રવારથી અમારો સેવા કૅમ્પ પૂરી ક્ષમતા સાથે શરૂ થઈ ચૂક્યો છે.’
દાંતા તાલુકાના રતનપુર ખાતે આવેલા જય જલિયાણ સેવા કેમ્પમાં પહોંચતાં જ પદયાત્રીઓ મોટી રાહત અનુભવે છે. ૫૦,૦૦૦ ચોરસફુટની વિશાળ જગ્યામાં છેલ્લાં ૧૯ વર્ષથી ચાલતો આ સેવા કૅમ્પ ભાદરવી પૂનમના મહામેળા દરમ્યાન ૨૪ કલાક કાર્યરત રહે છે. વીરપુરની પરંપરા અનુસાર અહીં શુદ્ધ ઘીની બુંદી, ગાંઠિયા, ખીચડી-કઢી અને શાક-રોટલી પીરસવામાં આવે છે. આ કૅમ્પમાં અંદાજે ૨૫૦ જેટલા સ્વયંસેવકો સેવા આપે છે. અહીંની મુખ્ય વિશેષતા એ છે કે એકસાથે છ કાઉન્ટર ચલાવીને આશરે ૩૦૦૦ લોકોને ભોજન પીરસવાની વ્યવસ્થા ગોઠવાયેલી છે. આ વર્ષે પદયાત્રીઓ માટે સૌપ્રથમ વાર વિશાળ ઍર-કન્ડિશન્ડ ડોમ બનાવવામાં આવ્યો છે. જય જલિયાણ સેવા કૅમ્પના પ્રમુખ હિતેશ ઠક્કર ‘મિડ-ડે’ને કહે છે, ‘પદયાત્રીઓ લાંબું અંતર કાપીને આવતા હોવાથી તેઓ શાંતિથી વિશ્રામ કરી શકે એ માટે ૭૦૦ વ્યક્તિઓ સૂઈ શકે એવો મોટો ઍર-કન્ડિશન્ડ ડૉમ બનાવ્યો છે, જેથી તેઓ આરામ કરીને ફરી નવા ઉત્સાહ સાથે અંબાજી તરફ આગળ વધી શકે. ભોજન-પ્રસાદ અને નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા ઉપરાંત વિશેષરૂપે પદયાત્રીઓની તબીબી સારવાર માટે બે ડૉક્ટરો અને બે ફાર્મસિસ્ટ સતત ફરજ પર રહે છે. લાંબી પદયાત્રાને કારણે ઘણી વાર ચક્કર આવે, બ્લડ-પ્રેશરની તકલીફ થાય કે ડીહાઇડ્રેશન થતું હોય છે. ડૉક્ટરો તેમની તાત્કાલિક તપાસ કરે છે અને જરૂર પડ્યે બૉટલ ચડાવવાની સુવિધા પણ રાખવામાં આવી છે. આ માટે કૅમ્પમાં અલાયદા બેડની વ્યવસ્થા છે. આ ઉપરાંત હાથ-પગના દુખાવાની માલિશ તથા પાટાપિંડીની સેવાઓ પણ વિનામૂલ્ય પૂરી પાડવામાં આવે છે.’