19 November, 2026 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.
લગભગ ૩૫ વર્ષ પહેલાંનો આ પ્રસંગ. મારું ચાતુર્માસ હતું ડોમ્બિવલીમાં. પર્વાધિરાજ પૂર્વે આયોજિત શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના સામૂહિક અઠ્ઠમમાં ૫૦૦ ઉપરાંત આરાધકો જોડાયા હતા. આરાધના પ્રસન્નતાપૂર્વક સંપન્ન થઈ ગઈ અને પારણાં પણ થઈ ગયાં. પારણાં બાદ વ્યવસ્થામાં જોડાયેલા અઠ્ઠમ-તપના આરાધક એક યુવકને મારી પાસે લઈ આવ્યા.
‘ગુરુદેવ, આ યુવક માટે એક ફરિયાદ છે.’
‘શેની?’
‘અઠ્ઠમ તપના તપસ્વીઓનાં થયેલાં સામૂહિક અત્તરવાયણામાં તે અત્તરવાયણું કરવા નહોતો આવ્યો. બની શકે તેને પોતાને મનમાં અઠ્ઠમ-તપ થશે કે નહીં એની શંકા હશે અથવા તો એ વખતે તેની અઠ્ઠમ તપ કરવાની ભાવના જ નહીં હોય. એમ છતાં તેણે અઠ્ઠમ તપ પૂર્ણ કર્યું. સમૂહમાં તેણે બધી આરાધનાઓ પણ કરી અને એ પછીયે અમારા સૌના અતિ આગ્રહ છતાં સામૂહિક પારણાંમાં ન આવ્યો અને અત્યારે તમામ તપસ્વીઓને થયેલી પ્રભાવના સ્વીકારવાની પણ તે ના પાડી રહ્યો છે. કોઈ આ રીતે સંઘની અવગણના કરે એ કેમ ચાલે? આપ તેને સમજાવો કે કમ સે કમ પ્રભાવના તો લઈ જ લે.’
હું એ યુવકને કાંઈ પણ કહું એ પહેલાં તેણે મને સામેથી કહ્યું, ‘મારે આપની સાથે એકાંતમાં વાત કરવી છે.’
તમામ યુવકોના ગયા પછી તેણે જે વાત કરી એ તેના જ શબ્દોમાં...
‘મેં અઠ્ઠમ તપની આરાધના કરી એ વાત સાચી, પણ આ અઠ્ઠમ તપ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું નહોતું.’
‘તો?’
‘મને પ્રાયશ્ચિત્ત આવેલું એનું હતું. હા, મેં સમૂહમાં તપ કર્યું એની પાછળ એક કારણ હતું.’ યુવકે નમ્રતા સાથે તેની નબળાઈ જણાવી, ‘મારાથી હું એકલો હોઉં ત્યારે ઉપવાસ થતા જ નથી. મેં બે વાર પ્રયાસો કર્યા પણ ખરા. એક પ્રયાસમાં એક ઉપવાસ પછી પારણું કરી દેવું પડ્યું. બીજા ઉપવાસમાં બે ઉપવાસ પછી પારણું કરી દેવું પડ્યું. આ વખતે સમૂહમાં તપ કર્યું તો સુખરૂપ અને પ્રસન્નતાથી થઈ ગયું. જોકે હું એટલું જ કહીશ કે મારું અઠ્ઠમ તપ એ આરાધનાનો ભાગ નહોતું, પણ પ્રાયશ્ચિત્તનો ભાગ હતો એટલે આપ મને પ્રભાવના લેવા માટે આગ્રહ ન કરશો.’
સંદેશ સ્પષ્ટ છે.
મહેલનું સર્જન જો પ્રસન્નતાનું કારણ બને છે તો ખંડિયેરનો વિધ્વંસ પણ પ્રસન્નતાનું કારણ બની જ શકે છે. ઉપવનનું નિર્માણ જો મનને પાગલ બનાવી શકે છે તો ઉકરડાની વિદાય પણ હૈયે હળવાશની અનુભૂતિ કરાવી જ શકે છે. પરમાત્માની પૂજા જો પ્રસન્નતામાં ઝૂમતા કરી શકે છે તો પ્રાયશ્ચિત્ત પણ પગમાં અહોભાવનું નૃત્ય પેદા કરી જ શકે છે.
વાસ્તવદર્શી વિચારધારા થકી જીવનપરિવર્તનનું નિમિત્ત બનતા જૈન ગુરુવરને ભારત સરકારે પદ્મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા છે