KBC 14 : બિગ બીના પ્રશ્નોના જવાબ આપી ગુજરાતી છોકરો જીત્યો ૨૫ લાખ, હવે ચુકવશે ૯ લાખનું દેવું

18 August, 2022 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પચાસ લાખ રુપિયાના સવાલ સુધી પહોંચ્યા બાદ માની લીધી હાર

‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર અમિતાભ બચ્ચન

સોની ટીવી (Sony TV)ના લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati) સિઝન ૧૪ ચાલી રહેલી છે. સાત ઑગસ્ટના રોજ શરૂ થયેલા આ શોમાં દેશના અલગ-અલગ ખૂણેથી સ્પર્ધકો આવ્યા હતા અને મુશ્કેલ પ્રશ્નોના જવાબ આપીને લાખો રૂપિયા જીત્યા હતા. જો કે, અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) દ્વારા હોસ્ટ કરવામાં આવેલી KBCની ૧૪મી સિઝનમાં હજુ સુધી કોઈ સ્પર્ધક કરોડપતિ નથી બન્યો, પરંતુ ઘણા લોકો લખપતિ બની ગયા છે. તાજેતરમાં ગુજરાતનો વિમલ નારણભાઈ કંબાડ પણ કેબીસીમાંથી લખપતિ બન્યો.

બુધવારના એપિસોડમાં ગુજરાતથી આવેલા વિમલ નારણભાઈ કંબાડ સાથે રમતની શરૂઆત થઈ હતી. વિમલે આ ગેમ શોમાંથી ૨૫ લાખ રૂપિયા જીત્યા હતા. જોકે, તે ૫૦ લાખ રૂપિયાનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો હતો.

વિમલે ખૂબ જ સારી રમત રમી અને તે ૨૫ લાખ રૂપિયા જીત્યો હતો. તેને પૂછવામાં આવ્યું હતું કે, આમાંથી કયા ભારત રત્ન વિજેતાનો જન્મ અને મૃત્યુ બન્ને ભારતની બહારના દેશમાં થયા હતા? વિકલ્પો હતા, પ્રથમ - લાલ બહાદુર શાસ્ત્રી, બીજ - મૌલાના અબુલ કલામ આઝાદ, ત્રીજા - મધર ટેરેસા, ચોથા - જેઆરડી ટાટા. સાચો જવાબ ચોથો એટલે કે જેઆરડી ટાટા હતો.

વિમલને આ પ્રશ્નનો જવાબ ખબર નોહતો અને તેણે તેની ત્રણેય લાઈફલાઈનનો પણ પહેલા જ ઉપયોગ કરી લીધો હતો. આવી સ્થિતિમાં, તેણે સમજદારીપૂર્વક રમત છોડવાનો નિર્ણય કર્યો અને ૫૦ લાખ રૂપિયામાંથી ૨૫ લાખ રૂપિયા પસંદ કર્યા. બધાએ તેના નિર્ણયની પ્રશંસા કરી હતી.

શો દરમિયાન વિમલે ખુલાસો કર્યો હતો કે, તેના પર નવ લાખ રૂપિયાનું દેવું છે. એટલું જ નહીં, પોતે જીતેલી રકમથી તે તેનાં પરિવારનું દેવું ચુકવશે તેમ તેણે જણાવ્યું હતું.

આ ગેમમાં અમિતાભ બચ્ચને વિમલ સાથે કેટલીક અંગત વાતો પણ કરી હતી. આ દરમિયાન અભિનેતાએ પૂછ્યું કે વિમલ ભાઈસાહેબ, તમારા જીવનમાં કંઈ ખાસ છે? અમિતાભ બચ્ચનની આ વાત પર પહેલા તો વિમલ થોડો શરમાયો હતો પછી તેણે કહ્યું હતું કે, ‘સર, જુઓ, મેં જીવનમાં એક ટાર્ગેટ રાખ્યો હતો જ્યારે પણ મારો પગાર પાંચ આંકડામાં આવશે ત્યારે હું લગ્ન કરીશ.’

entertainment news indian television television news sony entertainment television kaun banega crorepati amitabh bachchan gujarat