ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા હવે કહેવાશે ડૉ. સિદ્ધાર્થ રાંદેરિયા

16 January, 2026 02:49 PM IST  |  Ahmedabad | Rashmin Shah

કૉલેજકાળમાં આર્કિટેક્ચરમાં ઍડ્‌મિશન લીધા પછી ત્યાં નાટકની કોઈ ઍક્ટિવિટી થતી ન હોવાથી સિદ્ધાર્થ રાંદેરિયાએ એક વર્ષ પછી આર્ટ્‍સમાં ઍડ્‍મિશન લઈ લીધું હતું...

સૂર્યકુમાર યાદવના હસ્તે સિદ્ધાર્થ રાંદેરિયાને ડૉક્ટરેટની પદવીથી નવાજવામાં આવ્યા હતા

સરદાર વલ્લભભાઈ પટેલ, ગણેશ માલવણ‍કર અને દેશના જાણીતા ઍડ્વોકેટ એલ. એમ. નાણાવટી દ્વારા ૧૯૨૭માં સ્થપાયેલી અમદાવાદની GLS યુનિવર્સિટીએ ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના જાણીતા ઍક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાને ડૉક્ટરેટની માનદ પદવીથી સન્માનિત કર્યા છે. GLS દ્વારા યુનિવર્સિટીમાં પર્ફોર્મિંગ આર્ટ્સનો કોર્સ શરૂ કરવામાં આવ્યો એના માનમાં સિદ્ધાર્થભાઈએ પર્ફોર્મિંગ આર્ટ્‌સના ક્ષેત્રમાં કરેલા તેમના પ્રદાનને ધ્યાનમાં રાખીને તેમને આ ડૉક્ટરેટની માનદ પદવી ક્રિકેટર સૂર્યકુમાર યાદવના હસ્તે આપવામાં આવી હતી. એને લીધે આજ સુધી ‘ગુજ્જુભાઈ’ તરીકે ગુજરાતીઓમાં પૉપ્યુલર થયેલા સિદ્ધાર્થ રાંદેરિયા હવે ડૉ. સિદ્ધાર્થ રાંદેરિયા તરીકે ઓળખાશે.

બાળનાટકોથી રંગભૂમિ પર કાર્યરત સિદ્ધાર્થભાઈ છેલ્લાં ૫૦ વર્ષથી ગુજરાતી રંગભૂમિ પર સક્રિય છે. સિદ્ધાર્થભાઈ કહે છે, ‘નાનો હતો ત્યારે ડૉક્ટર બનવાનું મન બહુ થતું, પણ આપણને ખબર છે કે આપણો એમાં કાંઈ ગજ વાગવાનો નથી એટલે ડૉક્ટર તરીકે ઓળખાવું એક સપનું જ રહ્યું હતું, જે હવે આ રીતે પૂરું થયું એની ખુશી છે.’

બહુ ઓછા લોકોને ખબર છે કે સિદ્ધાર્થભાઈએ આર્કિટેક્ચરમાં ઍડ્‍મિશન લીધું હતું અને એક જ વર્ષમાં આર્કિટેક્ચર છોડીને તેઓ આર્ટ્‍સમાં આવી ગયા હતા. સિદ્ધાર્થભાઈ પોતાના કૉલેજના એ દિવસોને યાદ કરતાં કહે છે, ‘આર્કિટેક્ચર છોડવાનું એકમાત્ર કારણ એ કે કૉલેજમાં ડ્રામાની કોઈ ઍક્ટિવિટી જ નહોતી થતી અને નાટક તો આપણો પહેલો પ્રેમ. એમ કાંઈ થોડું એને છોડી દેવાય. ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા-કૉમ્પિટિશન માટે મેં મૅનેજમેન્ટને સમજાવ્યું એટલે તેમણે શરૂઆત કરી અને ૭ દિવસમાં નામ નોંધાવી જવાનું કહ્યું. હું તો સૌથી પહેલાં જઈને મારું નામ લખાવી આવ્યો હતો. સાતમા દિવસે પણ એ લિસ્ટમાં એક જ નામ હતું, મારું... આપણે કીધું કે ભાઈ, મૂકો આ આર્કિટેક્ટ બનવાના અભરખા; આપણને આટલું સિરિયસ થઈને ભણતાં નહીં ફાવે. મેં ઘરે વાત કરી ને માત્ર નાટક માટે આખી ફૅકલ્ટી ચેન્જ કરી નાખી. આજે પાછળ ફરીને જોઉં છું ત્યારે થાય છે કે સારું જ કર્યું. આપણે બનાવેલા પુલ તૂટે એના કરતાં (હસી-હસીને) લોકોનાં જડબાં દુખે એ સારું...’
ડૉક્ટરેટ ડિગ્રીનું આ ફંક્શન ૨૦ ડિસેમ્બરે અમદાવાદમાં GLS યુનિવર્સિટી કૅમ્પસમાં રાખવામાં આવ્યું હતું.

siddharth randeria Education gujarat news gujarati community news gujaratis of mumbai ahmedabad Gujarati Natak dhollywood news entertainment news