રંગભૂમિનાં આ ઍક્ટ્રેસ એક કૉલેજનાં પ્રિન્સિપાલ પણ છે

15 June, 2025 06:58 AM IST  |  Mumbai | Jigisha Jain

ડૉ. અમી ત્રિવેદી વોરા, જેને રંગમંચ મોટી અમી ત્રિવેદી તરીકે ઓળખે છે તેઓ નાનપણથી રંગમંચ અને જુદાં-જુદાં કલાક્ષેત્રો સાથે જોડાયેલાં હતાં. જોકે એમ છતાં ભણવામાં હોશિયાર અને યુનિવર્સિટી ટૉપર એવાં અમીબહેને ભણવાનું મૂક્યું નહીં...

ડૉ. અમી ત્રિવેદી વોરા

ડૉ. અમી ત્રિવેદી વોરા, જેને રંગમંચ મોટી અમી ત્રિવેદી તરીકે ઓળખે છે તેઓ નાનપણથી રંગમંચ અને જુદાં-જુદાં કલાક્ષેત્રો સાથે જોડાયેલાં હતાં. જોકે એમ છતાં ભણવામાં હોશિયાર અને યુનિવર્સિટી ટૉપર એવાં અમીબહેને ભણવાનું મૂક્યું નહીં અને PhD કર્યા પછી છેલ્લાં ૩૩ વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં તેઓ સઘન રીતે કાર્યરત છે. પોતાના પ્રોડક્શન-હાઉસ હેઠળ વીસેક અને બીજાં વીસ મળીને કુલ ૪૦ જેટલાં નાટકોમાં કામ કરી ચૂકેલાં ડૉ. અમી ત્રિવેદી વોરાનું હાલમાં ‘ચેકમેટ-રાજા વગરની શતરંજ’ નામનું નવું નાટક ચાલે છે ત્યારે જાણીએ તેમના વિશે કેટલુંક જાણવા જેવું.

એક ઠસ્સાદાર પ્રતિભા, માન અને મોભો જાણે ચારે તરફથી છલકતાં આવે, આત્મવિશ્વાસ ફક્ત વાતમાંથી નહીં પણ વ્યક્તિત્વમાંથી ચારે તરફ રેલાય, અવાજમાં અત્યંત મૃદુતા પણ સ્ટેજ પર જ્યારે બોલે ત્યારે માઇકને પણ ખુદની જરૂર ન વર્તાય એવાં રંગમંચનાં કલાકાર એટલે અમી ત્રિવેદી. ૫૩ વર્ષનાં આ કલાકારની આ ઓળખ આમ તો અધૂરી ગણાય. રંગમંચના લોકો તેમને ‘અવનિ આર્ટ્‍સ પ્રાઇવેટ લિમિટેડ’ના પ્રોડ્યુસર અને ઍક્ટર અમી ત્રિવેદી તરીકે જાણે છે, કારણ કે અમી ત્રિવેદી નામની એક બીજી ઍક્ટ્રેસ પણ છે એટલે તેમને મોટી અમી ત્રિવેદી તરીકે સંબોધે છે. બીજી તરફ વિદ્યાર્થીઓ અને શિક્ષણ-સંસ્થાનો સાથે જોડાયેલા લોકો તેમને ડૉ. અમી વોરા તરીકે ઓળખે છે. મુંબઈની નરસી મોનજી કૉલેજનાં વાઇસ-પ્રિન્સિપાલ તરીકે ૮ વર્ષ કાર્યરત રહ્યા પછી અત્યારે તેઓ દેવીપ્રસાદ ગોયનકા મૅનેજમેન્ટ કૉલેજ ઑફ મીડિયા સ્ટડીઝનાં પ્રિન્સિપાલ છે. લેક્ચરર, પ્રોફેસર, વાઇસ પ્રિન્સિપાલ અને પ્રિન્સિપાલ જેવાં પ્રતિષ્ઠિત પદોને શોભાવનારા આ શિક્ષક-કમ-ઍક્ટરની સંપૂર્ણ અભિવ્યક્તિ ડૉ. અમી ત્રિવેદી વોરાના પૂરા નામમાં જ જસ્ટિફાય થઈ શકે.

શિક્ષક કે ઍક્ટર
‘લજ્જા તને મારા સમ’, ‘તમસ’, ‘દેવના દીધેલ’, ‘અમે મસ્તીના મતવાલા’, ‘ધર્મો રક્ષતિ’, ‘જાણતાં-અજાણતાં’, ‘આરંભ રૂડો એનો અંતેય રૂડો’ જેવાં જાણીતાં નાટકો અને ‘બેનકાબ’ જેવી વેબ-સિરીઝ કરનારાં ઍક્ટર અમી ત્રિવેદીનું હાલમાં ‘ચેકમેટ-રાજા વગરની શતરંજ’ નામનું નવું નાટક ચાલી રહ્યું છે. નાનપણથી બાળકલાકાર તરીકે રંગમંચ સાથે જોડાયા પછી અને છેલ્લાં ૩૩ વર્ષથી શિક્ષક તરીકે કાર્યરત રહ્યા પછી જો તમને પૂછવામાં આવે કે તમે ખુદને પહેલાં શિક્ષક ગણો કે ઍક્ટર? આ પ્રશ્નનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘કહેવાય છે કે એક સારો શિક્ષક એક સારો ઍક્ટર હોય છે. આ બન્ને પ્રોફેશનને જે તાર જોડે છે એ છે કમ્યુનિકેટર તરીકેનો તાર. સામે પ્રેક્ષક હોય કે પછી વિદ્યાર્થી, મારે એ બન્ને સુધી પહોંચવું જરૂરી છે. મારી વાત પહોંચાડવી જરૂરી છે. જો એ હું કરી શકું તો હું સફળ થઈ ગણાઉં. આમ મારા માટે તો બન્ને કાર્યક્ષેત્ર એકબીજાને પૂરક હોય એમ મને લાગે છે.’

નાનપણ 
મુંબઈના વાલકેશ્વરમાં જન્મેલાં અને સાંતાક્રુઝમાં મોટાં થયેલાં અમી ત્રિવેદી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણ્યાં છે પરંતુ મમ્મી-પપ્પાનો એ વાતનો આગ્રહ હતો કે દીકરીને માતૃભાષા તો લખતાં-વાંચતાં આવડવી જ જોઈએ એટલે થોડી માતા-પિતા પાસેથી અને થોડી દાદા-દાદી પાસેથી એમ પહેલાથી લઈને છઠ્ઠા ધોરણ સુધીની બાલભારતીની ગુજરાતી ચોપડી અમીબહેનને ભણાવવામાં આવી. ગુજરાતી છાપાંઓ વંચાવડાવે, જુદા-જુદા વિષયો આપીને ફકરા એટલે કે પૅરેગ્રાફ લખાવડાવે અને બાળવાર્તાઓની અઢળક ચોપડીઓ વંચાવે. આમ નાનપણમાં જ અમીબહેનને ગુજરાતી બોલતાં જ નહીં, લખતાં-વાંચતાં પણ ખૂબ સરસ આવડી ગયું હતું. એ સમયને યાદ કરતાં તેઓ કહે છે, ‘હું ભરતનાટ્યમ શીખી છું. આ સિવાય ગિટાર, બૉન્ગો, હાર્મોનિયમ બધું જ વગાડતાં આવડે. અંગ્રેજી હોય કે મરાઠી, કોઈ પણ ભાષાની વક્તૃત્વ સ્પર્ધામાં હું ભાગ લઉં એટલું જ નહીં, જીતું જ. મણિભવનમાં એ સમયે ગાંધી જયંતી પર યોજાતી વક્તૃત્વ સ્પર્ધાઓ છઠ્ઠા ધોરણથી લઈને દસમા સુધી મેં જીતી છે. ભણવામાં પણ હું ખૂબ જ હોશિયાર હતી અને બીજી પ્રવૃત્તિઓમાં પણ સતત આગળ રહેતી. જોકે ત્યારે એવું કશું નહોતું કે હું ઍક્ટિંગ કરીશ.’

રેડિયો અને ટીવી 
નાનપણમાં અમીબહેને ‘નટખટ જયુ અને ‘ટકો મુંડો ટાંઉ ટાંઉ’ જેવાં નાટકો બાળકલાકાર તરીકે કર્યાં હતાં. ગુરુ પદ્‍મશ્રી કે. કલ્યાણસુંદર પિલ્લે સાથે અમીબહેને અમેરિકામાં ભરતનાટ્યમના શોઝ માટે આખી ટૂર કરી. સમય જતાં તેમણે ઑલ ઇન્ડિયા રેડિયો પર ઘણા કાર્યક્રમો કર્યા. એ સમયે બૉમ્બે દૂરદર્શન હતું જેમાં ‘મૅજિક લૅમ્પ’, ‘સંતાકૂકડી’ નામના પ્રોગ્રામ્સ પણ તેમણે કર્યા. દૂરદર્શન પર જ ‘તાના-રીરી’ નામનો ડાન્સ બૅલે પણ તેમણે કર્યો. આ ઉપરાંત દૂરદર્શન માટે ‘તાજા તનનો કક્કો’ નામે એક ડાયટ-સિરીઝ તેમણે ડિઝાઇન કરી. તેમણે પોતાના ભરતનાટ્યમના ક્લાસિસ પણ શરૂ કરેલા અને યુવાન વયે તેમની પાસે ઘણા વિદ્યાર્થીઓ શીખવા આવતા. એ સમયની વાત જણાવતાં અમીબહેન કહે છે, ‘નવું-નવું જે મને મળતું ગયું એ હું કરતી ગઈ. પહેલેથી ક્રીએટિવ કામ મને કરવા ગમતાં અને એમાં ચાંચ ડૂબતી એટલે તકો આપોઆપ મળતી ગઈ અને હું આગળ વધતી ગઈ.’

ભણતર 
મહત્ત્વનું એ હતું કે આ બધા કાર્યક્રમો અને કલા-પ્રદર્શનો વચ્ચે પણ તેમણે ભણવાનું ચાલુ જ રાખ્યું. ‘જ્યાં હાથ નાખે ત્યાં સોનું ઊપજે’ એ વાતને સાબિત કરતાં અમીબહેને બૅન્કિંગ અને ફાઇનૅન્સમાં માસ્ટર્સ તો કર્યું જ અને એની સાથે એમાં બૉમ્બે યુનિવર્સિટીમાં ટૉપ પણ કર્યું. તેમણે PhD પણ કર્યું અને ડૉક્ટરેટની પદવી હાંસલ કરી. ૧૯૯૨માં તેમણે એન. એમ. કૉલેજ લેક્ચરર તરીકે જૉઇન કરી અને એ જ કૉલેજમાંથી જ્યારે તેમણે વૉલન્ટરી રિટાયરમેન્ટ લીધું ત્યારે તેઓ એનાં વાઇસ-પ્રિન્સિપાલ હતાં. પોતાના ટીચિંગ ક્ષેત્રમાં જ નહીં પણ મીડિયામાં પણ બહોળા અનુભવના આધારે આજે તેઓ મીડિયા મૅનેજમેન્ટનો કોર્સ ચલાવતી કૉલેજમાં પ્રિન્સિપાલ છે.

લગ્ન 
૧૯૯૪માં અમીબહેને પાર્લાના અતિ પ્રતિષ્ઠિત વોરા પરિવારના દીકરા એટલે કે એ સમયના MLA રહી ચૂકેલા પ્રાણલાલભાઈ વોરા અને કટારલેખિકા તરીકે સન્માનિત અધ્યાપિકા ધૈર્યબાળા વોરાના દીકરા CA હેમંત વોરા સાથે પ્રેમલગ્ન કર્યાં. એ વિશે વાત કરતાં અમીબહેન કહે છે, ‘મારાં સાસુ-સસરાએ મને અઢળક પ્રેમ આપ્યો. મને ખૂબ જ પ્રેરિત કરી. હું સારામાં સારું કામ કરું અને આગળ વધું એવી તેમની ઇચ્છા અને સતત પ્રયાસે હું આટલું કામ કરી શકી છું. એ સમયે કૉલેજમાં વ્યસ્ત હોઉં અને નાટકો પર ધ્યાન ન દેતી હોઉં તો મારા પતિ તો ખરા જ, સાસુ-સસરા પણ પૂછે કે કેમ નાટક નથી કરતી? મને કશું જ કરવાની ના તો ભૂલી જ જાઓ, ઊલટું બધું જ કરવાની ભારોભાર પ્રેરણા તેમણે મને આપી છે. તેમની પ્રેરણા થકી જ મેં પોતાનું પ્રોડક્શન-હાઉસ શરૂ કર્યું હતું અને પોતાના બૅનર હેઠળ ૧૮-૨૦ ગુજરાતી નાટકો પ્રોડ્યુસ કર્યાં. એ સિવાયનાં લગભગ વીસેક જેટલાં નાટકો મેં કર્યાં છે અને ગુજરાતી ટીવી-સિરિયલ, ‘છૂટાછેડા’માં પણ ૮૦૦ એપિસોડ જેટલું કામ કર્યું છે.’

શોખ
અમીબહેનને કાર ચલાવવાનો ખૂબ શોખ છે. તેઓ જાતે ડ્રાઇવ કરીને સુરત, જામનગર, શ્રીનાથજી અને ઉદયપુર જેવાં સ્થળોએ જઈ આવ્યાં છે. વ્યસ્ત જીવનશૈલીને કારણે જેટલું ફરવું જોઈએ એટલું ફરી શક્યાં નથી એવું તેમને લાગે છે એટલે હવે આગળ બકેટ-લિસ્ટમાં ટ્રાવેલનો શોખ સર્વોપરી રાખવામાં આવ્યો છે. વધુપડતા પ્લાન્ડ હૉલિડે તેમને ગમતા નથી. બસ, કાર ઉપાડો અને ચાલી નીકળો એ પ્રકારના હૉલિડે તેમને ખૂબ ગમે છે. તેઓ સ્વભાવે અત્યંત વર્કોહૉલિક છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી સતત કામ કરતા રહેવું એ તેમનું ધ્યેય છે.

જીવનની કસોટી 
૧૯૯૪માં લગ્ન થયાં અને ૨૦૦૪માં અમીબહેનના પતિ હેમંતભાઈને મલ્ટિપલ ઑર્ગન ફેલ્યર જેવી કપરી પરિસ્થિતિ સામે આવી. એ સમયે અમીબહેન એક નાટકમાં કામ કરતાં હતાં. એ સમયને કમને યાદ કરતાં તેઓ કહે છે, ‘મારા પતિ હૉસ્પિટલમાં હતા. અચાનક આવી પડેલી આ પરિસ્થિતિએ મને અંદરથી આખી હચમચાવી દીધેલી. મારી જે હાલત હતી એ હું વર્ણવી શકું એમ નથી. એ સમયે નાટક ક્યાં કરવાની? એટલે મારું રિપ્લેસમેન્ટ કરવા માટે એક બીજી ઍક્ટ્રેસને અપ્રોચ કર્યો. તેમણે હા પાડી એટલે ત્રણ શોની તકલીફ દૂર થઈ, પરંતુ એક શો અમદાવાદમાં હતો અને એના માટે કોઈ રિપ્લેસમેન્ટ મળી નહોતું રહ્યું. મારે જવું જ પડે એવી હાલત આવી ગઈ હતી. હેમંત હૉસ્પિટલમાં અને તેમને છોડીને હું અમદાવાદ જાઉં? નાટક કરવા? એ સમયે મારાં સાસુ-સસરાએ મારી હિમ્મત બાંધી. મને કહ્યું કે અમે છીએ હેમંત પાસે, તું જા. તેમણે કહ્યું કે હેમંતને એ નહીં ગમે કે તું તારું કમિટમેન્ટ છોડે. આ વાતે હું ઇમોશનલ થઈ ગઈ અને અમદાવાદ ગઈ. ત્યાંથી દરેક સીન પછી અહીં હૉસ્પિટલ ફોન કરતી રહી. ખબર લેતી રહી. મારું તન અમદાવાદ હતું પણ મન અહીં જ હતું. રંગમંચ પર કહેવાય છે કે શો મસ્ટ ગો ઑન, પણ એ કહેવાયેલું જીવવું ઘણું અઘરું છે. તરત જ એ રાતની ફ્લાઇટ પકડી હું વહેલી સવારે હૉસ્પિટલ પહોંચી. હેમંત જાણે મારી વાટ જ જોતા હોય એમ હું આવી અને એના થોડા સમયમાં તે મને છોડીને જતા રહ્યા.’
૩૨ વર્ષની યુવાન વયે અમીબહેને હેમંતભાઈને ગુમાવ્યા. એ પછી તેઓ તેમનાં સાસુ-સસરા સાથે તેમના જીવનપર્યંત રહ્યાં. એ બન્નેનાં નિધન પછી હાલમાં તેઓ તેમનાં મમ્મી સાથે રહે છે. આટલી નાની વયે આવી પડેલા આ મોટા દુઃખને તમે કઈ રીતે જીરવ્યું? એ પ્રશ્નનો જવાબ આપતાં અમીબહેન કહે છે, ‘સહેલું નહોતું જરાય મારા માટે. પણ એ પછી મેં મારી જાતને કામમાં ડુબાડી દીધી. બાળકો નથી, પણ મારા વિદ્યાર્થીઓને મેં મારાં બાળકો ગણી લીધાં છે. સમાજ માટે, લોકો માટે કંઈક કરીને જવાના મારા પ્રયત્નએ મને ટકાવી રાખી છે.’

gujarati inflluencer gujarati community news gujaratis of mumbai Gujarati Natak Gujarati Drama gujarati film gujarati mid-day gujarat news dhollywood news entertainment news