`થાર` Review : સારા લોકેશન સાથે સારી સ્ટોરીની પણ જરૂર હતી

08 May, 2022 02:25 PM IST  |  Mumbai | Harsh Desai

અનિલ કપૂર અને દીકરા હર્ષવર્ધન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મના સબ-પ્લૉટને પણ એક્સપ્લોર કરવાની જરૂર હતી, જેથી ફિલ્મને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાય

`થાર`નો સીન

વેબ-ફિલ્મ : થાર

કાસ્ટ : અનિલ કપૂર, હર્ષવર્ધન કપૂર, ફાતિમા સના શેખ, સતીશ કૌશિક

ડિરેક્ટર : રાજ સિંહ ચૌધરી

રિવ્યુ : ઠીક-ઠીક (બે સ્ટાર)

‘થાર’ સાંભળતાની સાથે જ મહિન્દ્રની કાર નજર સામે આવી જાય, પરંતુ બીજા ‘થાર’ની વાત કરીએ તો રાજસ્થાનમાં આવેલું રણ યાદ આવે છે. દૂર-દૂર સુધી દેખાતું રણ, ત્યાં આવેલાં નાનાં-નાનાં ગામડાં અને નાના-નાના ગઢ પર આવેલા કિલ્લા નજર સમક્ષ આવી જાય તથા આ રણની વચ્ચે આવેલું એક નાનકડું જંગલ જ્યાં ગામના લોકો તેમનાં ઢોર ચરાવવા જાય છે. 
હર્ષવર્ધન કપૂર અને અનિલ કપૂરની હાલમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘થાર’માં આ બધું છે, પરંતુ એમાં ખૂન-ખરાબા અને ઍક્શનનો નશો ઉમેરવામાં આવ્યો છે. નશો એટલા માટે કે પાકિસ્તાન અને ભારતની બૉર્ડર પર આવેલું નાનકડું ગામડું હોય અને પાકિસ્તાનીઓ ત્યાં અફીણનું સ્મગલિંગ ન કરતા હોય એવું બને ખરું?

સ્ટોરી ટાઇમ

‘થાર’માં ૧૯૮૫ના સમયની વાત કરવામાં આવી છે. એ સમય જ્યારે ‘શોલે’ ફિલ્મ હિટ રહી હતી. ૧૯૭૫માં આવેલી આ ફિલ્મનો અહીં ઘણી વાર રેફરન્સ આપવામાં આવ્યો છે. રાજ સિંહ ચૌધરી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘થાર’માં અનિલ કપૂરે ઇન્સ્પેક્ટર સુરેખા સિંહની ભૂમિકા ભજવી છે. તેમને રિટાયર થવામાં થોડા મહિના જ બાકી હોય છે. તેઓ લાઇફમાં ખુશ નથી હોતા. તેમને ક્યારેય પ્રમોશન નથી મળ્યું. તેઓ ભારત-પાકિસ્તાનની બૉર્ડર નજીક આવેલા એક નાનકડા ગામ મુનાબાવમાં રહે છે. તેઓ ફક્ત નેતાઓની સિક્યૉરિટીના બંદોબસ્તમાં પોતાની કરીઅર પૂરી કરે છે. જોકે તેઓ રિટાયર થવાના હોય એના થોડા મહિના પહેલાં જ તેમના ગામમાં એક મર્ડર થાય છે. એક વ્યક્તિનું ખૂન કરીને તેને ઝાડ પર ટિંગાડી દેવામાં આવ્યો છે, જેથી તેના શરીરમાંનું પૂરેપૂરું લોહી નીતરી આવે. એ મર્ડર થતાની સાથે જ ગામમાં એક લૂંટ પણ થાય છે અને એક પતિ-પત્નીને મારી નાખવામાં આવે છે. આ લૂંટ અફીણ માટે ચાલી હોય છે. એ દરમ્યાન સિદ્ધાર્થ એટલે કે હર્ષવર્ધન કપૂરની ફિલ્મમાં એન્ટ્રી થાય છે. તે શહેરનો હોય છે અને તેનો ઍન્ટિક્સનો બિઝનેસ હોય છે. તે ગામડાના લોકોને પોતાની જરૂરિયાત મુજબ કામ આપતો રહે છે. તે ગામમાં આવે છે અને મર્ડર શરૂ થાય છે એથી ઇન્સ્પેક્ટરનું માનવું છે કે તે ઍન્ટિક્સની આડમાં અફીણનો બિઝનેસ કરે છે અને તે શકનો શિકાર બને છે. આ સાથે જ​ સિદ્ધાર્થ પન્ના અને તેના સાથીઓની રાહ જોઈને બેઠો હોય છે, કારણ કે તેમને માટે તેની પાસે એક ખાસ કામ હોય છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

રાજ સિંહ ચૌધરીએ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે અને એને ડિરેક્ટ પણ કરી છે. ફિલ્મનું લોકેશન, સિનેમૅટોગ્રાફી અને ટોન જેટલો અદ્ભુત છે એટલી ફિલ્મની સ્ટોરી નથી. એવું લાગે છે કે ફિલ્મની સ્ટોરીને ઇન્ટરેસ્ટિંગ અને રહસ્યમય બનાવવા માટે એમાં ટ્વિસ્ટ જબરદસ્તીથી ઍડ કર્યા હોય. રાજનું ડિરેક્શન પણ સ્ટોરીને લઈને કુતૂહલ જગાવવામાં નિષ્ફળ રહ્યું છે. તેના ડિરેક્શનને લીધે સ્ટોરી પણ પ્રિડિક્ટેબલ થઈ જાય છે. વારંવાર ચોક્કસ વસ્તુ પર ફોકસ કરવાથી સ્ટોરીનો ચાર્મ નથી રહેતો તેમ જ એ મેઇન સ્ટોરીને ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં સબ-પ્લૉટ નજરઅંદાજ થઈ ગયો છે. અફીણને લઈને જે સ્ટોરી હતી એને પણ એક્સપ્લોર કરવાની જરૂર હતી, પરંતુ એને ફક્ત સ્પર્શ કરીને છોડી દેવામાં આવી છે. રાજ સિંહ ચૌધરીએ અગાઉ અનુરાગ કશ્યપ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના ડાયલૉગની ક્રેડિટ અનુરાગ કશ્યપને આપવામાં આવી છે. તેણે કેટલાક સારા ડાયલૉગ આપ્યા છે તેમ જ ડાયલૉગ દ્વારા કેટલીક કમેન્ટ પણ કરવામાં આવી છે. આમાં પિતૃપ્રધાન દેશને લઈને તેમ જ કાસ્ટ-સિસ્ટમને લઈને પણ કમેન્ટ કરવામાં આવી છે. ફિલ્મમાં એક જ ગીત છે, પરંતુ એમાં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સારું આપવામાં આવ્યું છે.

પર્ફોર્મન્સ

અનિલ કપૂરે પોલીસ-ઇન્સ્પેક્ટરનો રોલ કર્યો છે. જોકે આ રોલમાં તે પોતાની રીતે કંઈક નવું કરી શકે એવો કોઈ ખાસ સ્કોપ નહોતો. ૧૯૮૫ના સેટિંગ્સમાં તેણે તેનાથી બનતા તમામ પ્રયત્ન કર્યા છે જેનાથી પાત્રને વધુ અસરકારક બનાવી શકાય. સિદ્ધાર્થના પાત્રમાં હર્ષવર્ધન પાસે ખૂબ ઓછા ડાયલૉગ બોલાવડાવ્યા છે. જોકે તેણે તેની આંખો દ્વારા વધુ કહેવાની કોશિશ કરી છે, પરંતુ જ્યારે ઇમોશન્સ દેખાડવાની વાત આવે ત્યારે તે માર ખાઈ જાય છે. ફાતિમા સના શેખ પાસે પણ કંઈ ખાસ કામ નહોતું છતાં તેણે તેની સુંદરતાનો સારો એવો ઉપયોગ કર્યો છે. મુક્તિ મોહનનું પાત્ર સૌથી નબળું અથવા તો નકામું કહી શકાય એવું હતું, પરંતુ તેણે એને ખૂબ સારી રીતે ભજવ્યું છે. ભલે થોડી સેકન્ડ માટે કેમ ન હોય, પરંતુ તેને જોવાની મજા પડે છે. આ ફિલ્મમાં લોકેશન એટલે કે કૅમેરાવર્ક બાદ સૌથી સારું કામ કોઈએ કર્યું હોય તો એ સતીશ કૌશિકનું છે. તેમણે ભૂરેનું પાત્ર ભજવ્યું છે એ ખૂબ રિયલ લાગે છે અને ડાયલૉગ પણ એકદમ ટાઇમ અને કટાક્ષથી ભરપૂર હોય છે.

આખરી સલામ

ફિલ્મની સ્ટોરીમાં લોચા છે, પરંતુ ઘણા લાંબા સમય બાદ રાજસ્થાનના અનએક્સપ્લોર લોકેશન ફિલ્મમાં દેખાડવામાં આવ્યાં છે. કોઈ સેટનો ઉપયોગ કર્યો હોય એવું નથી. મોટા ભાગનાં દૃશ્યો રિયલ લોકેશન પર શૂટ કરવામાં આવ્યાં છે અને એથી જ એ એટલાં જ રિયલ લાગે છે.

entertainment news bollywood bollywood news movie review film review anil kapoor harshvardhan kapoor harsh desai