વિવાદોમાં ફસાયો વિજય દેવરાકોન્ડાઃ આદિવાસી સમુદાય વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવાનું પડ્યું ભારે

24 June, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Vijay Deverakonda booked: આદિવાસી સમુદાય વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ વિજય દેવરાકોન્ડા વિરુદ્ધ નોંધાઈ એફઆઇઆર; અભિનેતાએ માફી માંગી હોવા છતાં વધ્યો વિવાદ

વિજય દેવરાકોન્ડાની ફાઇલ તસવીર

સાઉથ સ્ટાર વિજય દેવરાકોન્ડા (Vijay Deverakonda) ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. ખાસ કરીને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) સાથેની તેની નિકટતાને લઈને તે ન્યુઝમાં છવાયેલો રહે છે. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી, વિજય દેવરાકોન્ડા તેના એક નિવેદનને કારણે સમાચારમાં છે, જેના કારણે તેનું નામ પણ વિવાદમાં આવ્યું છે. થોડા દિવસો પહેલા, વિજય દેવરાકોન્ડાએ કંઈક એવું કહ્યું હતું જેના કારણે તે મુશ્કેલીમાં મુકાયો છે. આદિવાસી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી કરવા બદલ અભિનેતા વિજય વિજય દેવરાકોન્ડા વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ ફરિયાદ (Vijay Deverakonda booked) દાખલ કરવામાં આવી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.

સૂર્યા (Surya)ની ફિલ્મ `રેટ્રો` (Retro`)ના પ્રી-રિલીઝ કાર્યક્રમ દરમિયાન વિજય દેવરાકોન્ડાએ આદિવાસી સમુદાય વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આદિવાસી સમુદાયોની સંયુક્ત કાર્યવાહી સમિતિના રાજ્ય પ્રમુખ નેનાવથ અશોક કુમાર નાયકે વિજય દેવરાકોન્ડા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તેમણે અભિનેતા પર આદિવાસી સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે, અભિનેતાએ પોતાના નિવેદન બાદ માફી પણ માંગી હતી છતા આ વિવાદ વધ્યો છે.

શું છે આખો મામલો?

આ મામલો ૨૬ એપ્રિલ ૨૦૨૫નો છે. વિજય દેવરાકોન્ડાએ અભિનેતા સૂર્યાની ફિલ્મ `રેટ્રો`ના પ્રમોશન દરમિયાન હૈદરાબાદ (Hyderabad)માં આદિવાસી સમુદાય વિશે કથિત રીતે ટિપ્પણી કરી હતી. આ અંગે ઘણો હોબાળો થયો હતો અને અભિનેતા પર આદિવાસી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પોલીસે પણ તાત્કાલિક આ મામલાની તપાસ શરૂ કરી દીધી હતી.

વિજય દેવરાકોન્ડાએ આ કાર્યક્રમમાં પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘કાશ્મીરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેનો ઉકેલ એ છે કે તેમને (આતંકવાદીઓને) શિક્ષિત કરવામાં આવે. ઉપરાંત, ખાતરી કરો કે તેમનું મગજ ધોવામાં ન આવે. તેઓ શું પ્રાપ્ત કરશે? કાશ્મીર ભારતનું છે અને કાશ્મીરીઓ આપણા છે. ભારતને પાકિસ્તાન પર હુમલો કરવાની પણ જરૂર નથી કારણ કે પાકિસ્તાનીઓ પોતે તેમની સરકારથી કંટાળી ગયા છે અને જો આવું જ ચાલુ રહેશે તો તેઓ તેમના પર હુમલો કરશે. તેઓ ૫૦૦ વર્ષ પહેલાં વિચાર્યા વિના લડેલા આદિવાસી કુળો અને આદિવાસીઓ જેવું વર્તન કરી રહ્યા છે. આજે પણ લોકો કોઈ પણ સમજણ વિના લડી રહ્યા છે.’

આદિવાસી નેતાઓને અભિનેતા વિજય દેવરાકોન્ડાનું આ નિવેદન ગમ્યું નહીં અને તેમણે અભિનેતા પર આદિવાસીઓની તુલના આતંકવાદીઓ સાથે કરવાનો આરોપ લગાવ્યો. આદિવાસી સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ તેની સામે SC/ST એક્ટ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. આ કેસ આદિવાસી સમુદાયોની સંયુક્ત કાર્યવાહી સમિતિના રાજ્ય પ્રમુખ નેનાવથ અશોક કુમાર નાયકે વિજય વિરુદ્ધ દાખલ કર્યો છે.

જોકે, આ કેસમાં અભિનેતા વિજય દેવરાકોન્ડાએ ૩ મેના રોજ માફી માંગી હતી અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર લખ્યું હતું કે, `મારા ધ્યાનમાં આવ્યું છે કે `રેટ્રો`ના ઓડિયો લોન્ચ ઇવેન્ટ દરમિયાન મારા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓથી કેટલાક લોકો નારાજ થયા છે. હું નિષ્ઠાપૂર્વક સ્પષ્ટ કરવા માંગુ છું - કોઈપણ સમુદાયને, ખાસ કરીને આપણા અનુસૂચિત જનજાતિઓને, જેમનો હું ખૂબ આદર કરું છું અને આપણા દેશનો અભિન્ન ભાગ માનું છું, નુકસાન પહોંચાડવાનો કે નિશાન બનાવવાનો કોઈ ઈરાદો નહોતો. જો મારા નિવેદનનો કોઈ ભાગ ગેરસમજ થયો હોય કે દુઃખ પહોંચાડ્યું હોય, તો મને તેનો દુ:ખ છે. મારો હેતુ શાંતિ, પ્રગતિ અને એકતા વિશે વાત કરવાનો હતો. હું મારા પ્લેટફોર્મનો ઉપયોગ ક્યારેય વિભાજન માટે નહીં, પરંતુ ઉત્થાન અને એકીકરણ માટે કરવા માટે પ્રતિબદ્ધ છું.`

અભિનેતા વિજય દેવરાકોન્ડાએ આ મામલે માફી માંગી હોવા છતા આ વિવાદ વકર્યો છે અને અભિનેતા મુશ્કેલીમાં ફસાયો છે.

vijay deverakonda upcoming movie Pahalgam Terror Attack pakistan jammu and kashmir india entertainment news bollywood bollywood news