પર્યાવરણને બચાવવા આપણે લાઇફસ્ટાઇલ બદલવી જરૂરી : ભૂમિ

21 September, 2022 01:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂમિ પેડણેકર એક ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ હોવાથી લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને સસ્ટેનેબલ વસ્તુઓના ઉપયોગ માટે પ્રેરિત કરતી આવી છે

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે પર્યાવરણને બચાવવા માટે દરેકે લાઇફસ્ટાઇલ બદલવી જરૂરી છે. તે છેલ્લાં ત્રણ વર્ષથી ક્લાઇમેટ વૉરિયર તરીકે કાર્યરત છે. તે એક ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ હોવાથી લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને સસ્ટેનેબલ વસ્તુઓના ઉપયોગ માટે પ્રેરિત કરતી આવી છે. આ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું કે ‘ઍક્ટિંગ મારો રોજગાર છે, પરંતુ હું માનું છું કે આપણે બધાએ ઑપ્ટિ​મિસ્ટ બનવું જોઈએ. પર્યાવરણને બચાવવા આપણે આપણી લાઇફસ્ટાઇલ બદલવી જરૂરી છે, એ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. જો એવું ન થયું તો આપણે જે હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ, જે પાણી પીએ છીએ અને જે ધરતી પર રહીએ છીએ એ જ નહીં બચશે. આપણી ધરતી રહેવાને લાયક નહીં રહે. સાચું કહું તો આપણું ભવિષ્ય પ્રદૂષણ અને લોકો દ્વારા ફેલાવવામાં આવેલા કચરાથી ભરાઈ જશે. હું ઘણાં વર્ષથી એ જ સમજાવવાની કોશિશ કરી રહી છું કે આપણે ક્લાઇમેટ પૉઝિટિવ હોય એવી જ વસ્તુને કેમ પસંદ કરવી જોઈએ. આપણી લાઇફના નાના-નાના બદલાવ પૃથ્વી પર મોટો બદલાવ લાવી શકે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દેવો, વધુ પડતો કચરો ન ફેલાવવો, પાણીનો સમજદારીથી ઉપયોગ કરવો. કોઈ ઘરમાં ન હોય ત્યારે વીજળીનો ઉપયોગ ન થાય એનું ધ્યાન રાખવું. હું મારા ઘરે જે વસ્તુ અપનાવું છું એ વિશે જ હું વાત કરું છું. હું રિસાઇક્લિંગ અને જૂનાં કપડાંનો ફરી ઉપયોગ થઈ શકે એ વિશે ધ્યાન રાખું છું, જેથી કાર્બન ફુટપ્રિન્ટ ઓછું થાય. સસ્ટેનેબલ લિવિંગની આદતોનો લાઇફસ્ટાઇલમાં સમાવેશ કરે. હું ઇચ્છું છું કે બદલાવ લાવવા માટે દરેક મારો સાથ આપે.’

entertainment news bollywood news bollywood bollywood gossips bhumi pednekar environment