`ધ નાઇટ મૅનેજર` રિવ્યુ : ઇન્ડિયન દર્શક માટે વધુ ઇમોશન્સનો તડકો

19 February, 2023 10:47 AM IST  |  Mumbai | Harsh Desai

ઓરિજિનલ સ્ટોરીના પ્લૉટ સાથે એમાં વધુ સાઇડ સ્ટોરી અને ઇમોશનલી કનેક્ટ થઈ શકાય એ માટે કેટલાંક દૃશ્યનો વધુ સમાવેશ કરવામાં આવ્યો છે : દરેક પાત્રને ચોક્કસ કારણ માટે પસંદ કરવામાં આવ્યાં છે એ સ્ટોરી અને તેમનો પર્ફોર્મન્સ કહી દે છે

`ધ નાઇટ મૅનેજર`નો સીન

ધ નાઇટ મૅનેજર

કાસ્ટ : આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર, શોભિતા ધુલિપડા, તિલોત્તમા શોમ, સાસ્વત ચૅટરજી

ડિરેક્ટર : સંદીપ મોદી, પ્રિયંકા ધોષ અને રુખ નબીલ

રિવ્યુ : ત્રણ સ્ટાર (ટાઇમ પાસ)

અનિલ કપૂર અને આદિત્ય રૉય કપૂરની ‘ધ નાઇટ મૅનેજર’ શુક્રવારે ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ છે. બ્રિટિશ શોનું આ હિન્દી ઍડપ્ટેશન છે. જોકે એને ઇન્ડિયન વર્ઝન બનાવવા માટે ઘણાં ઇમોશન્સ અને ઍડિશનલ સ્ટોરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્ટોરી ટાઇમ

શાન સેનગુપ્તા બંગલાદેશના ઢાકામાં આવેલી એક ફાઇવસ્ટાર હોટેલમાં નાઇટ મૅનેજર તરીકે કામ કરે છે. તેની હોટેલમાં ૧૪ વર્ષની એક છોકરી આવે છે, જેનાં લગ્ન જબરદસ્તી કરવામાં આવ્યાં છે. તે ત્યાંથી ભારત જવા માગે છે અને એ માટે શાન પાસે મદદ માગે છે. જોકે શાન તેની મદદ કરવા જાય છે ત્યાં તેની સામે એક અલગ જ દુનિયાનો ખુલાસો થાય છે. શાન પોતે એક્સ-નેવી લેફટનન્ટ હોય છે. તે એક આર્મી પરિવારમાંથી હોય છે, પરંતુ દુનિયામાં તેનું કોઈ નથી રહ્યું. તે આ છોકરીની મદદ કરવાની સાથે એક હથિયારની સિન્ડિકેટને પણ ખતમ કરવા માગે છે. એ માટે તે ઇન્ડિયામાં રૉ એજન્ટનો સંપર્ક કરે છે. જોકે તે જે છોકરીને બચાવવા માગતો હોય છે તેનું મર્ડર થઈ જાય છે અને તે તેને બચાવી નથી શકતો. ત્યાર બાદ સ્ટોરી આગળ વધે છે અને તે કેવી રીતે હથિયારની સિન્ડિકેટ સુધી પહોંચે છે એ જોવું રહ્યું.

સ્કિપ્ટ અને ડિરેક્શન

‘પઠાન’ના શ્રીધર રાઘવન અને ‘ક્લાસ’ના સંદીપ મોદીએ આ શોનું ઍડપ્શન કર્યું છે. ‘ક્લાસ’ની જેમ આ શો ફક્ત બનાવવા પૂરતો નથી બનાવવામાં આવ્યો. એને ખરેખર ઇન્ડિયન ઑડિયન્સને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે. ઓરિજિનલ કરતાં આ શોમાં છોકરીનું મૃત્યુ જે રીતે થાય છે એ સ્ટોરી ખૂબ ઇમોશનલ બૉન્ડ દ્વારા દેખાડવામાં આવી છે. શાન અને એ છોકરી વચ્ચેના બૉન્ડને જોઈ શકાય છે તેમ જ ઓરિજિનલમાં જે લૂપહોલ્સ હતાં એની જગ્યાએ આ વર્ઝનમાં સ્ટોરીને વધુ ઇમોશનલ અને ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં આવી છે. રાઇટર્સે પહેલા એપિસોડમાં પાત્રને ઇન્ટ્રોડ્યુસ કરવામાં ચોક્કસ સમય લીધો છે. તેમણે કોઈ ઉતાવળ નથી કરી તેમ જ જેમ-જેમ સ્ટોરી આગળ વધી રહી છે એમ પાત્રને વધુ ટાઇમ અને ફ્રેમ મળતી રહી છે. આ શોમાં અનિલ કપૂરે શૈલી એટલે કે શૈલેન્દ્ર રાંગટાનું પાત્ર ભજવ્યું છે જે એક શિપિંગ કંપનીનો માલિક છે અને તે ઘણા બિઝનેસ કરતો હોય છે. આ એક શેડી પાત્ર છે અને એ પણ ખૂબ સારી રીતે લખાયું છે. જોકે રાઇટર્સે એ વાતને ધ્યાનમાં રાખી છે કે પહેલા પાર્ટ એટલે કે ચાર એપિસોડમાં શૈલીના નાક નીચે બધું થઈ રહ્યું છે એ દેખાડવામાં આવ્યું છે, પરંતુ ક્લોઝલી નજર નાખવામાં આવે તો શૈલી તેના ડાયલૉગ અને બૉડી-લૅન્ગ્વેજ પરથી દરેક વસ્તુ નોટિસ કરતો હોય એ જોઈ શકાય છે. શૈલી એક ડાયલૉગ મારે છે, ‘મને ફક્ત એક શૂટવાળો બિઝનેસમૅન સમજી લેવાની જરૂર નથી.’ આ ડાયલૉગ ઘણું બધું કહી જાય છે. આ સાથે જ રાઇટર્સે આ શોમાં દરેક બાળકનો ખૂબ જોરદાર રીતે ઉપયોગ કર્યો છે. એક નહીં, બે નહીં, પરંતુ દરેક બાળક જે આ શોમાં જોવા મળે છે એ ફક્ત બાળક દેખાડવા પૂરતાં નથી, તેની સ્ટોરી પર ખૂબ અસર પડે છે. એક-એક પાત્ર જે દેખાડવામાં આવ્યું છે એ સ્ટોરીને બિલ્ડઅપ કરે છે અને એ જ પ્લસ પૉઇન્ટ છે. નામથી લઈને ડાયલૉગ દરેક વસ્તુ સ્ટોરીને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. આ ચાર એપિસોડને સંદીપ મોદી, પ્રિયંકા ધોષ અને રુખ નબીલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તેમણે ઓરિજિનલ વર્ઝનને સાઇડ પર મૂકીને ઇન્ડિયન દર્શકને ધ્યાનમાં રાખીને સ્ટોરી દેખાડી છે. બંગલાદેશમાં રોહિંગ્યા લોકોની જે હાલત થઈ હતી એની સાથે આ શોને કોઈ લેવા-દેવા ન હોવા છતાં બૅક સ્ટોરી તરીકે ખૂબ સારી રીતે કનેક્ટ કરી છે. ટૂંકમાં, તેમણે શોના સ્ટાર્ટથી જ દર્શકોને ઇમોશનલી કનેક્ટ કરવાની કોશિશ કરી છે. જોકે આ શોનો માઇનસ પૉઇન્ટ એ છે કે એને બે પાર્ટમાં રિલીઝ કરવામાં આવી રહ્યા છે. સાથે જ અનિલ કપૂર અને શોભિતા ધુલિપડાની જોડી એટલી જામતી નથી. જોકે તેમનાં પાત્ર પાછળ પણ લેયર્સ છે અને એ માટે બીજા પાર્ટની રાહ જોવી રહી.

પર્ફોર્મન્સ

આદિત્ય રૉય કપૂર નાઇટ મૅનેજરના પાત્ર શાનમાં ખૂબ જચી રહ્યો છે. તે પોતે એક એક્સ-નેવી ઑફિસર હોય એ દેખાઈ આવે છે અને સાથે જ તે એક ઇમોશનલ વ્યક્તિ હોય એ સાઇડ પણ તેની જોઈ શકાય છે. ખાસ કરીને તે જ્યારે શૈલીના દીકરા સાથે હોય ત્યારે તેની આ સાઇડ જોઈ શકાય છે. શૈલી એટલે કે અનિલ કપૂર તેના પાત્રમાં જચી રહ્યો છે. તે હાલમાં તો આંખ આડા કાન કરી રહ્યો છે, પરંતુ ‘હાથી પર બૈઠતા હૂં, સબ પે નઝર રખતા હૂં’ જેવું તેનું કામ છે. તિલોત્તમા શોમે ખૂબ જ અદ્ભુત કામ કર્યું છે. તે આ કેસ હૅન્ડલ કરી રહી છે. શાનની હૅન્ડલર તે હોય છે અને પ્રેગ્નન્ટ હોવા છતાં એક ઓછા બજેટનું મિશન તે કેવી રીતે પાર પાડે છે એ ઇન્ટરેસ્ટિંગ છે. તેનાં કપડાંથી લઈને તેના ચહેરા પરના રંગથી લઈને તે ક્યાં રહે છે એ દરેક ડિટેઇલ એકમદ ઇન્ટરેસ્ટિંગ છે અને તેણે આ પાત્રને પોતાનું બનાવી દીધું છે. શોભિતા ધુલિપડા એક ગ્લૅમર રોલમાં જોવા મળી રહી છે. તેની પણ બૅક સ્ટોરી છે, પરંતુ એને હજી સુધી એક્સપ્લોર કરવામાં નથી આવી. તે ફોન પર બે વાર રડતી જોવા મળી રહી છે, પરંતુ તે કોની સાથે ફોન પર વાત કરી રહી છે એ નથી દેખાડવામાં આવ્યું. એક વાર શામ તેને અર્ધનગ્ન અવસ્થામાં જોઈ લે છે ત્યારે તે રડી પડે છે. આ માટે શામ તેની માફી માગે છે, પરંતુ ત્યારે તે કહે છે કે મને લગ્ન અવસ્થામાં કોઈ જોઈ લે એનાથી ફરક નથી પડતો, પરંતુ રડતાં કોઈએ ન જોવું જોઈએ. આથી આ ડાયલૉગ પણ ઘણું કહી જાય છે. જોકે આ ચાર એપિસોડમાં તેની પાસે ફક્ત ગ્લૅમરસ દેખાડવા સિવાય બીજું કોઈ કામ નથી. આ શોમાં શૈલીના રાઇટ હૅન્ડનું પાત્ર સાસ્વત ચૅટરજીએ ભજવ્યું છે. તે એકદમ ખતરનાક અને દરેક વસ્તુને શકની નજરે જોતો હોય છે. તે કોઈ પણ વસ્તુને હલકામાં નથી લેતો. જોકે તે ગે હોય છે. તેના આ ગેની સ્ટોરીલાઇનને ખૂબ ઑર્ડિનરી બનાવી દેવાઈ છે.

આખરી સલામ

આ શોની પહેલી સીઝન બે પાર્ટમાં રિલીઝ કરવામાં આવી રહી છે. પહેલા પાર્ટમાં ચાર એપિસોડ છે અને બીજો પાર્ટ જૂનમાં રિલીઝ થશે. જોકે આ રિલીઝ કરવાની જે રીત છે એ શો માટે થોડો પ્રૉબ્લેમ ઊભો કરી શકે છે.

entertainment news bollywood bollywood news film review anil kapoor aditya roy kapur hotstar harsh desai