‘ધમાકા’ કરવામાં જરાક માટે ચૂકી ગઈ

20 November, 2021 07:21 PM IST  |  Mumbai | Harsh Desai

કોરિયન ફિલ્મ ‘ધ ટેરર લાઇવ’ની હિન્દી રીમેકમાં કેટલાંક દૃશ્યો અને ડાયલૉગ થોડાં વિચિત્ર લાગે છે : કાર્તિકે પહેલી વાર સિરિયસ પાત્ર ભજવ્યું છે અને તે ઍક્ટિંગ કરી જાણે છે

કાર્તિક આર્યન

ધમાકા 
કાસ્ટ : કાર્તિક આર્યન, મૃણાલ ઠાકુર, અમૃતા સુભાષ
ડિરેક્ટર : રામ માધવાણી

કાર્તિક આર્યનની ‘ધમાકા’ હાલમાં જ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. રામ માધવાણી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં કાર્તિક એકદમ અલગ અવતારમાં જોવા મળ્યો છે. ચૉકલેટી બૉય તરીકે હંમેશાં જોવા મળતો કાર્તિક આ ફિલ્મ દ્વારા પહેલી વાર સિરિયસ રોલમાં જોવા મળ્યો છે. તે પ્રાઇમ ટાઇમ ન્યુઝ ઍન્કર હોય છે. આ ફિલ્મમાં તેની પત્નીના પાત્રમાં મૃણાલ ઠાકુર જોવા મળી છે. તેણે રિપોર્ટરનું પાત્ર ભજવ્યું છે.
સ્ટોરી ટાઇમ
કાર્તિક આર્યન એક પ્રાઇમ ટાઇમ ન્યુઝ ઍન્કર હોય છે. તેણે રિપોર્ટર મૃણાલ ઠાકુર સાથે લગ્ન કર્યાં હોય છે. કાર્તિકના ટીઆરપી હંમેશાં ટૉપ પર હોય છે. જોકે એક ઘટનાને કારણે તેને ન્યુઝ ઍન્કર તરીકે કાઢી નાખવામાં આવ્યો હોય છે. તેના તેની પત્ની સાથે ડિવૉર્સ પણ થવાના હોય છે. પછી તે રેડિયો જૉકી તરીકે કામ કરતો હોય છે. આ દરમ્યાન એક દિવસ તેના પર એક કૉલ આવે છે અને તે કહે છે કે તે સી લિન્કને બૉમ્બથી ઉડાવી દેશે જો એક પૉલિટિશ્યન તેની પાસે માફી નહીં માગે. કાર્તિક આ વાત હળવાશમાં લે છે અને ધમાકો થાય છે. ત્યાર બાદ કાર્તિક એક્સક્લુઝિવના ચક્કરમાં તેના બૉસને બ્લૅકમેલ કરી તેની જૉબ પાછી માગે છે અને ફિલ્મની સ્ટોરી આગળ વધે છે.
ડિરેક્શન અને સ્ક્રિપ્ટ
રામ માધવાણીએ ‘નીરજા’ આપી હતી જેમાં તેઓ દર્શકોના ઇમોશન્સને ખૂબ જ સારી રીતે ફિલ્મ સાથે કનેક્ટ કરતા જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મમાં પણ તેમની એ કારીગરી જોવા મળે છે. ૨૦૧૩માં આવેલી કોરિયન ફિલ્મ ‘ધ ટેરર લાઇવ’ પરથી આ ફિલ્મની રીમેક બનાવવામાં આવી છે. ઓરિજિનલ ફિલ્મની સ્ટોરીને હૂબહૂ રાખવામાં આવી છે, ફક્ત એને ઇન્ડિયન રૂપ આપવામાં આવ્યું છે. તેમ જ કેટલાંક દૃશ્યો પણ ઇન્ડિયાને ધ્યાનમાં રાખીને ઉમેરવામાં આવ્યાં છે. સ્ક્રીનપ્લેને એ રીતે રાખવામાં આવ્યો છે કે દર્શકને એક સેકન્ડનો પણ કંટાળો ન આવે. ફિલ્મ ખૂબ જ સ્પીડમાં ચાલતી જોવા મળે છે. રામ માધવાણીએ તેમના ડિરેક્શન દ્વારા ફિલ્મને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવાની કોશિશ કરી છે, પરંતુ અમુક જગ્યાએ તેઓ માર ખાઈ જાય છે.
માઇનસ પૉઇન્ટ
ફિલ્મમાં જ્યારે કૉલર કહે છે કે તેણે બૉમ્બ લગાવ્યો છે, પરંતુ કેવી રીતે લગાવ્યો એ દેખાડવામાં નથી આવ્યું એટલું જ નહીં, કાર્તિકના હેડફોનમાં જે બૉમ્બ હોય છે, તેની ઑફિસમાં જે બૉમ્બ હોય છે એ કેવી રીતે લગાવવામાં આવ્યો એ પણ દેખાડવામાં નથી આવ્યું. એક ન્યુઝ ચૅનલમાં કેટલા સીસીટીવી કૅમેરા અને સિક્યૉરિટી હોય અને એ બધાની વચ્ચે આ બૉમ્બ લગાવવામાં આવે તો એ દેખાડવું જરૂરી છે. આ પ્લૉટને ફિલ્મમાં દેખાડવામાં જ નથી આવ્યો. તેમ જ કાર્તિકની બૉસનું પાત્ર અમૃતા સુભાષ દ્વારા ભજવવામાં આવ્યું છે. એક દૃશ્યમાં તે ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડના હેડને કહે છે કે તે તેની કોઈ વાત નથી માનવાની. નૅશનલ સિક્યૉરિટીની વાત હોય ત્યારે સરકાર સામે કોઈનું કંઈ નથી ચાલતું હોતું. આ સાથે જ એક દૃશ્યમાં કાર્તિક અને મૃણાલ વચ્ચે લાઇવ ટીવી દરમ્યાન એક પર્સનલ મોમેન્ટ આવી જાય છે. આ થોડું વિચિત્ર લાગે છે.
ઍક્ટિંગ
કાર્તિકે પહેલી વાર સિરિયસ ફિલ્મ કરી છે અને એ પ્રમાણે તેણે ઘણું સારું કામ કર્યું છે. જોકે કેટલાંક દૃશ્યમાં તેનાં એક્સપ્રેશન એટલાં કન્વિન્સિંગ નથી લાગતાં. સદમો પહોંચ્યો હોય એવાં એક્સપ્રેશન તેણે આપવાનાં  હોય ત્યારે તે માર ખાઈ જાય છે. બાકી તેણે તેના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. મૃણાલે પણ સારું કામ કર્યું છે. તેનું પાત્ર ખૂબ જ નાનું છે, પરંતુ એમ છતાં તેણે એ દ્વારા અસર છોડી છે. અમૃતા સુભાષે એક કૉર્પોરેડ લેડીનું પાત્ર ભજવ્યું છે જેના માટે દરેક બાબતથી પર ટીઆરપી હોય છે. તેને હ્યુમન ઇમોશન્સ સાથે કોઈ લેવાદેવા નથી હોતી. આ પાત્રને એ રીતનું દેખાડવામાં તેણે કોઈ કચાશ નથી છોડી.
આખરી સલામ
‘ધમાકા’માં કેટલાંક દૃશ્યો એટલે કે જે પણ માઇન્સ પૉઇન્ટ કહ્યા છે એને બાદ કરવામાં આવે તો ફિલ્મ ‘બંટી ઔર બબલી 2’ની સરખામણીએ જોવાલાયક છે.

bollywood news bollywood bollywood gossips entertainment news kartik aaryan harsh desai bollywood movie review