31 October, 2026 05:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
`અજય અભિમન્યુ કી મહાભારત અને `તાના રીરી`
ફિલ્મ નિર્માતા હાર્દિક ગજ્જરે તેના આગામી બે મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. તેની ફિલ્મ `કૃષ્ણાવતારમ પાર્ટ 1: ધ હાર્ટ (હૃદયમ્)` ની સફળતા બાદ, તે બે નવા પ્રોજેક્ટ્સ લઈને આવી રહ્યો છે. તેના આગામી બન્ને પ્રોજેક્ટ ભારતીય લોક-કથાઓ પર આધારિત `તાના-રીરી` અને મહાભારતના અભિમન્યુની વાર્તા પર કેન્દ્રિત `અજય અભિમન્યુ કી મહાભારત` હશે. `તાના-રીરી` માટે, હાર્દિક ગજ્જર ફરી એકવાર અભિનેત્રી સંસ્કૃતિ જયના સાથે કામ કરશે, જેણે તેની સાથે `કૃષ્ણાવતારમ`માં પણ કામ કર્યું હતું. 16મી સદીના ગુજરાતની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ વડનગરની જોડિયા બહેનો, તાના અને રીરીની વાર્તા રજૂ કરે છે.
તાના અને રીરી તેમના અસાધારણ મ્યુઝિક ટેલેન્ટ અને શાસ્ત્રીય સંગીત પ્રત્યેના ઊંડા સમર્પણ માટે જાણીતી છે. લોકકથાઓ અનુસાર, આ બહેનોએ શાસ્ત્રીય સંગીત પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા દ્વારા પોતાની ભૂમિનું ગૌરવ જાળવી રાખ્યું હતું. આ વાત ફિલ્મના પહેલા પોસ્ટર પણ જોવા મળી રહ્યું છે, જેમાં બન્ને બહેનો એક રાજ્યના ભવ્ય પ્રવેશદ્વારથી અંદર પ્રવેશ કરતી દેખાઈ રહી છે. પોસ્ટરમાં 16મી સદીના ગુજરાતની આર્કિટેક્ચુઅલ સ્ટાઈલ અને વાતાવરણની ઝલક દેખાઈ રહી છે. આ ફિલ્મ ઑક્ટોબર 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.
હાર્દિક ગજ્જર મહાભારતના અભિમન્યુની કથા પર આધારિત `અજય અભિમન્યુ કી મહાભારત` નામની ફિલ્મ પર પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અભિમન્યુનું શૌર્ય, દ્રઢ નિશ્ચય અને બલિદાનની વાર્તા મોટા પડદા પર દર્શાવવામાં આવશે. મહાભારતના એક મહત્ત્વપૂર્ણ પાત્ર તરીકે, અભિમન્યુની વીરતા અને આત્મ-બલિદાનની ગાથા પેઢીઓથી ચાલી આવી રહી છે.
આ ફિલ્મ જૂન 2028માં રિલીઝ થશે. બન્ને ફિલ્મોનું નિર્માણ `અથશ્રીકથા મોશન પિક્ચર્સ એલએલપી` (Athshrikatha Motion Pictures LLP) દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેને હાર્દિક ગજ્જર ડિરેક્ટ કરશે. આ બે ફિલ્મોના માધ્યમથી, હાર્દિક ગજ્જર ભારતીય લોકકથાઓ અને પૌરાણિક કથાઓને મોટા પડદા પર લાવવા જઈ રહ્યો છે. ‘તાના રીરી’ ગુજરાતના સાંસ્કૃતિક વારસા પર આધારિત છે, જ્યારે બીજી ફિલ્મ મહાભારતના એક મહત્ત્વપૂર્ણ પાત્રની વાર્તા પર કેન્દ્રિત હશે.