UAEમાં ફસાયેલી અભિનેત્રી ઈશા ગુપ્તા હેમખેમ આવી ગઈ ભારત, ભગવાનનો માન્યો પાડ

03 March, 2026 02:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Esha Gupta returns to India: બોલિવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા સુરક્ષિત રીતે ભારત પરત ફરી; ભારત અને યુએઈ સરકારનો આભાર માન્યો; સોશ્યલ મીડિયા પોસ્ટમાં અભિનેત્રીએ યુએઈ એરપોર્ટ પર પરિસ્થિતિ કેવી ભયાનક હતી તે જણાવ્યું

ઈશા ગુપ્તાની ફાઇલ તસવીર

મધ્ય પૂર્વ (Middle East)માં ચાલી રહેલા તણાવ અને મિસાઇલ હુમલાઓ વચ્ચે અબુ ધાબી (Abu Dhabi)માં ફસાયેલી બોલીવુડ (Bollywood) અભિનેત્રી ઈશા ગુપ્તા (Esha Gupta) આખરે સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે. મંગળવારે ઘરે પરત ફર્યા બાદ, ઈશાએ સોશ્યલ મીડિયા (Social Media) પર પોતાની વ્યથા શૅર કરી, જે ખરેકર દર્દનાક છે. અભિનેત્રીએ વર્ણવ્યું કે, કેવી રીતે થોડીવારમાં એક સુંદર એરપોર્ટ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે, અભિનેત્રી ઈશા ગુપ્તા સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે. તે સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates)માં ફસાયેલી હતી. મંગળવારે, તેણે સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની અગ્નિપરીક્ષા શૅર કરી, ભારત સરકાર (Indian Government) અને યુએઈ વહીવટ (UAE administration)નો આભાર માન્યો.

સોશ્યલ મીડિયા પર જણાવી પરિસ્થિતિ

ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ઈશા ગુપ્તાએ (Esha Gupta returns to India) લખ્યું છે કે, ‘હું ઘરે પાછી આવી ગઈ છું. તમારી પ્રાર્થનાઓ બદલ આભાર. અમે જે પરિસ્થિતિમાં હતા તે ખૂબ જ મુશ્કેલ સમય હતો. ભગવાનની કૃપા છે કે અમે સુરક્ષિત છીએ. હું ૨૮મી તારીખે, રવિવારે એરપોર્ટ પર હતી. બપોરે ૧ વાગ્યા સુધીમાં એરપોર્ટ બંધ થઈ ગયું. બધે અંધાધૂંધી હતી. કોઈ સમજી શક્યું નહીં કે શું થયું. પછી મિસાઈલ હુમલાના સમાચાર આવવા લાગ્યા. અમને ખબર નહોતી કે બીજી જ ઘડીએ શું થશે. અજાણ્યા લોકો એકબીજાની સંભાળ રાખી રહ્યા હતા. બધા ઘરે ફોન કરી રહ્યા હતા.’

યુએઈ સરકારની કરી પ્રશંસા

અભિનેત્રી ઈશા ગુપ્તાએ મુશ્કેલ સમયમાં યુએઈ સરકારના સંચાલનની પ્રશંસા કરી. તેણીએ સમજાવ્યું કે પરિસ્થિતિ ભયાનક હોવા છતાં, એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ શાંત રહ્યા અને દરેક મુસાફરને મદદ કરી. એશાએ ચેક ઇન કર્યું ન હતું, તેથી તે તેની હોટલમાં પાછી ફરી. તેણીએ સમજાવ્યું કે, સરકારે એરપોર્ટ પર ફસાયેલા મુસાફરો માટે ભોજન પૂરું પાડ્યું હતું અને શહેરની હોટલોમાં તેમના માટે રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરી હતી.

ભારત સરકારનો માન્યો આભાર

ભાવુક થઈને ઈશાએ આગળ લખ્યું, ‘આપણી સરકાર (ભારત સરકાર)નો આભાર જેમણે પોતાના નાગરિકોને આશ્વાસન આપ્યું અને અમને પાછા લાવવા માટે દિવસ-રાત કામ કર્યું. આ કટોકટી દરમિયાન વિશ્વભરના મુસાફરો માટે ઢાલ બનીને ઉભા રહેલા UAE વહીવટનો પણ આભાર.’

તેણીએ પોતાના સંદેશના અંતે "રાધે-રાધે" લખીને ભગવાનનો આભાર માન્યો. હાલમાં, તેના ચાહકો તેના સુરક્ષિત વાપસીથી ખૂબ જ ખુશ છે.

તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે અમેરિકા (America) અને ઇઝરાયલ (Israel)ના હુમલામાં ઈરાન (Iran)ના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેની (Ayatollah Khamenei)ના મૃત્યુ પછી, સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધ ફાટી નીકળ્યું છે. તેના જવાબમાં, ઈરાને યુએઈ (UAE), સાઉદી અરેબિયા (Saudi Arabia) અને ઇઝરાયલ (Israel) જેવા દેશો પર સેંકડો બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોન છોડ્યા છે. આના કારણે ગલ્ફ દેશોના હવાઈ ક્ષેત્ર બંધ થઈ ગયા છે અને હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

ઈશા ગુપ્તા એ થોડા ભાગ્યશાળી લોકોમાંની એક છે જે આ `યુદ્ધ ક્ષેત્ર`માંથી સુરક્ષિત રીતે બહાર નીકળીને પોતાના દેશ પાછી આવી શકી.

esha gupta united arab emirates iran israel united states of america abu dhabi india indian government entertainment news bollywood bollywood news