Don 3 વિવાદમાં નવો વળાંક! હવે રણવીર સિંહ પહોંચ્યો કોર્ટ, FWICEને મોકલી નોટિસ?

03 June, 2026 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Don 3 Controversy: ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન 3’માંથી બહાર નીકળવા અંગે ફેડરેશન દ્વારા અસહકારનો નિર્દેશ જારી કરવામાં આવ્યા બાદ રણવીર સિંહે FWICEને કાનૂની નોટિસ મોકલી છે અને કોર્ટનો સંપર્ક કર્યો હોવાના અહેવાલ છે

રણવીર સિંહની ફાઇલ તસવીર

ફિલ્મ `ડોન ૩` (Don 3)માંથી અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh)ના બહાર નીકળવાને લઈને સર્જાયેલો વિવાદ હવે કાનૂની લડાઈમાં ફેરવાઈ ગયો છે. અહેવાલો અનુસાર, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (Federation of Western Indian Cine Employees - FWICE) દ્વારા રણવીર સિંહ વિરુદ્ધ `નોન-કોઓપરેશન ડાયરેક્ટિવ` (અસહકારની સૂચના) જાહેર કરવામાં આવ્યા બાદ, અભિનેતાએ આ સંસ્થાને કાનૂની નોટિસ મોકલી છે અને આ મામલો હવે કોર્ટમાં (Don 3 Controversy) પહોંચી ગયો છે.

રણવીર સિંહે FWICEના આદેશને કોર્ટમાં પડકાર્યો

`ડોન ૩` ફિલ્મને લઈને ચાલી રહેલા વિવાદમાં અભિનેતા રણવીર સિંહે મોટું કાનૂની પગલું ભર્યું છે. ગયા અઠવાડિયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સંગઠન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) દ્વારા તેની વિરુદ્ધ `નોન-કોઓપરેશન ડાયરેક્ટિવ` જાહેર કરવામાં આવ્યો હતો. આ એક્શનના જવાબમાં રણવીર સિંહે મંગળવારે આ સંસ્થાને કાનૂની નોટિસ ફટકારી દીધી છે.

જો કે, રણવીર સિંહે આ લીગલ નોટિસમાં ચોક્કસપણે શું માંગણી કરી છે અથવા શું વલણ અપનાવ્યું છે તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. પરંતુ કાનૂની પ્રક્રિયા અનુસાર, હવે FWICEએ આ નોટિસનો જવાબ કોર્ટ સમક્ષ આપવો પડશે. આ પગલાથી સ્પષ્ટ થાય છે કે બંને પક્ષો વચ્ચેનો આ વિવાદ હવે કાનૂની મોરચે વધુ ઉગ્ર બનવા જઈ રહ્યો છે!

ફરહાન અખ્તર (Farhan Akhtar)ના નિર્દેશનમાં અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ (Excel Entertainment)ના બેનર હેઠળ બનનારી આ મોસ્ટ અવેટેડ ફિલ્મ માટે પ્રી-પ્રોડક્શનમાં મોટો ખર્ચ થઈ ચૂક્યો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સંગઠનોનો દાવો છે કે રણવીરના આ નિર્ણયથી નિર્માતાઓને મોટું આર્થિક નુકસાન થયું છે, અને આ અંગે અભિનેતા પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો.

FWICE નું કહેવું છે કે આ વિવાદ અંગે તેમણે રણવીર સિંહ સાથે ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ ઉકેલ ન આવતા, ફેડરેશને તેના સાથે જોડાયેલા સભ્યો અને દૈનિક વેતન મેળવતા કામદારોને આ મામલો ન પતે ત્યાં સુધી રણવીર સિંહ સાથે કામ ન કરવાની (અસહકાર રાખવાની) સલાહ આપી હતી. જો કે, બાદમાં FWICEના પ્રતિનિધિઓએ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ કાનૂની પ્રતિબંધ નથી, પરંતુ ઈન્ડસ્ટ્રીની એક આંતરિક ભલામણ છે.

આ એક્શનના જવાબમાં, રણવીર સિંહે કાનૂની રસ્તો અપનાવ્યો છે. તેણે FWICE ને લીગલ નોટિસ મોકલવાની સાથે બોમ્બે સિવિલ કોર્ટ (Bombay Civil Court)ના દરવાજા ખખડાવ્યા છે અને સંસ્થાના આ પગલાને પડકાર્યો છે.

રણવીર સિંહ અને FWICEની ચુપકીદી

અત્યાર સુધી બંને પક્ષોમાંથી કોઈએ પણ પોતાની સંપૂર્ણ કાનૂની વ્યૂહરચના જાહેરમાં સ્પષ્ટ કરી નથી, પરંતુ આ વિવાદ નજીકના ભવિષ્યમાં શાંત થાય તેવું લાગતું નથી. હવે જ્યારે આ મામલે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે, ત્યારે આ કેસના ચુકાદાની ભવિષ્યમાં કલાકારો, નિર્માતાઓ અને પ્રોડક્શન હાઉસ વચ્ચેના વિવાદોના નિરાકરણ પર અને ફિલ્મ એસોસિએશનોની સત્તાની મર્યાદાઓ પર ખૂબ જ વ્યાપક અસરો પડી શકે છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂ થઈ નવી ચર્ચા

આ વિવાદના કારણે હવે બોલિવૂડના અન્ય કલાકારો અને નિર્માતાઓ વચ્ચે પણ એક નવી ચર્ચા છેડાઈ છે. ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આવી ટ્રેડ બોડીઝ (વ્યાપારી સંગઠનો) પાસે કોઈ કલાકાર વિરુદ્ધ આવો આદેશ જાહેર કરવાની સત્તા છે?

અહેવાલો અનુસાર, જાણીતા પ્રોડ્યુસર ટી.પી. અગ્રવાલ (T.P. Aggarwal) પણ સંગઠનો દ્વારા લેવાતા આવા પગલાઓની કાયદેસરતાને કોર્ટમાં પડકારી છે. તેમની દલીલ છે કે કોઈ પણ એસોસિએશન કોઈ પ્રોફેશનલ કલાકાર કે ટેકનિશિયનને કામ કરતા રોકી શકે નહીં.

ranveer singh don 3 don federation of western india cinema employees fwice bollywood controversies farhan akhtar excel entertainment bollywood bollywood news