અનુષ્કા અને વિરાટનો ટાર્ગેટ કમ્પ્લીટ

15 May, 2021 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાપીડિતોની મદદ કરવા માટે તેમણે સાથે મળીને ૧૧ કરોડથી પણ વધુ રૂપિયા જમા કર્યા છે

અનુષ્કા અને વિરાટનો ટાર્ગેટ કમ્પ્લીટ

કોરોનાથી પીડિત લોકોની મદદ કરવા માટે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ સાથે મળીને ૧૧ કરોડથી વધુની રકમ જમા કરી છે. આ બન્નેએ સાથે મળીને ૭ મેએ ફન્ડરેઝિંગ અભિયાન શરૂ કર્યું હતું. એના માટે તેમણે કીટો પ્લૅટફૉર્મ સાથે હાથ મિલાવ્યા હતા. આ પહેલમાં તેમણે બે કરોડ દાન કર્યા છે. સાથે જ ૭ કરોડ એકઠા કરવાનું તેમણે લક્ષ નિર્ધારિત કર્યું હતું. 
જોકે એ તરત જ પૂરું થઈ જતાં તેમણે અગિયાર કરોડ ભેગા કરવાનું નક્કી કર્યું હતું. તેમણે એ લક્ષથી પણ વધુની ધનરાશિ કરી છે. એના માટે ઇન્સ્ટાસ્ટોરી પર અનુષ્કાએ એક નોટ શૅર કરી હતી. એ નોટમાં લખ્યું હતું કે ‘તમારા બધાનો આભાર. અમે અમારા ટાર્ગેટ કરતાં પણ વધુ રકમ એકઠી કરી છે. કોવિડ રિલીફ ફન્ડ માટે અમે ૧૧ કરોડ ૩૯ લાખ ૧૧ હજાર ૮૨૦ રૂપિયા જમા કર્યા છે.’
આ નોટને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુષ્કાએ કૅપ્શન આપી હતી કે ‘ખરેખર ખૂબ જ ચોંકી ગયા છીએ અને તમે સૌએ દેખાડેલી એકતાની તાકાત જોઈને ખુશ છીએ. અમને એ વાતનો ગર્વ છે કે અમે નિર્ધારિત કરેલા લક્ષ કરતાં વધુ રકમ જમા કરી છે. એનાથી ઘણા લોકોના પ્રાણ ઉગારી શકાશે. ભારતના લોકોને મદદ કરવા માટે તમારા ઉમળકાભરેલા સપોર્ટનો આભાર. તમારા સાથ-સહકાર વગર આ શક્ય નહોતું. જય હિન્દ.’ 

virat anushka anushka sharma virat kohli bollywood news bollywood bollywood gossips entertainment news