19 July, 2026 08:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર્ટિકલ 370નો પોસ્ટર
ગઈ કાલે ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કારો માટે ૨૦૨૪ની પહેલી જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા પ્રમાણિત થયેલી ફિલ્મોને પાત્ર ગણવામાં આવી હતી. આ વર્ષે યામી ગૌતમ અભિનીત ‘આર્ટિકલ 370’ને બેસ્ટ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે. ઉપરાંત આ જ ફિલ્મમાં શાનદાર અભિનય બદલ યામી ગૌતમને બેસ્ટ ઍક્ટ્રેસનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો છે.
રાજકુમાર રાવ અભિનીત ‘શ્રીકાંત’ને બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મનો એવૉર્ડ મળ્યો છે. આ સિવાય ‘ચંદુ ચૅમ્પિયન’ માટે કાર્તિક આર્યન અને મલયાલમ ફિલ્મ ‘બ્રહ્મયુગમ’ માટે મમૂટીને સંયુક્ત રીતે બેસ્ટ અભિનેતાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
ગઈ કાલે જાહેર થયેલા ૭૨મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સમાં ડિરેકટર અભિષેક જૈનની ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મની વાર્તા સામાજિક કુરિવાજો અને મહિલા શોષણના એક અત્યંત ગંભીર વિષય પર આધારિત છે. આ ફિલ્મ આપણા સમાજની કેટલીક સત્ય ઘટનાઓ અને કડવી વાસ્તવિકતા પરથી પ્રેરિત છે.
‘મારણ’ની વાર્તા મુખ્યત્વે હાઇવેની આસપાસ સક્રિય એવી એક ગુપ્ત કાળી દુનિયાનો પર્દાફાશ કરે છે, જ્યાં નાની છોકરીઓનું અપહરણ કરીને તેમને હ્યુમન ટ્રાફિકિંગ અને જાતીય ગુલામીમાં ધકેલી દેવામાં આવે છે. આ ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે સમાજ અને પિતૃસત્તાક વ્યવસ્થા સ્ત્રીઓને માત્ર એક વસ્તુ સમજીને એનું શોષણ કરે છે. ફિલ્મ આ ગંભીર ચક્ર અને એની સામે અવાજ ઉઠાવનારાં પાત્રોના સંઘર્ષની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં યશ સોની અને દીક્ષા જોશીએ અદ્ભુત અને યાદગાર અભિનય કર્યો છે.