સોશ્યલ મીડિયા અને પેઇડ વર્ઝન : હાશકારો લેવાનો સમય આવ્યો એવું કહેવું સહેજ પણ ખોટું નહીં ગણાય

18 January, 2023 03:44 PM IST  |  Mumbai | Manoj Joshi

ઍપલ પણ હવે સિરિયસલી વિચારી રહ્યું છે કે એ પણ પોતાના મેસેન્જરનો ચાર્જ શરૂ કરી દે અને વૉટ્સઍપ-ફેસબુક પણ આ જ દિશામાં વિચારે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ટેલિગ્રામ નામનું એક મેસેન્જર છે. ૧૫ દિવસ પહેલાં એણે પોતાના મેસેન્જરનું પ્રીમિયમ વર્ઝન લૉન્ચ કર્યું, જેનું માસિક સબસ્ક્રિપ્શન ૧૫૦ રૂપિયાની આસપાસ છે. આ જ રસ્તે સ્નૅપચૅટ પણ આવ્યું અને એણે પણ પ્રીમિયમ વર્ઝન ઇન્ટ્રોડ્યુસ કર્યું, જેનો ભાવ પણ કંઈક આવો જ છે, ૧૦૦-૧૨૫ રૂપિયા પ્રતિ મહિનો. ઍપલ પણ હવે સિરિયસલી વિચારી રહ્યું છે કે એ પણ પોતાના મેસેન્જરનો ચાર્જ શરૂ કરી દે અને વૉટ્સઍપ-ફેસબુક પણ આ જ દિશામાં વિચારે છે. જો વૉટ્સઍપ-ફેસબુક એ વિશે વિચારે તો નૅચરલી એ જ ગ્રુપના ઇન્સ્ટાગ્રામને કેવી રીતે બાકાત રાખવામાં આવે. આ ત્રણેત્રણમાં પણ ચાર્જ શરૂ કરવા માટે ગંભીરતા સાથે વિચારવામાં આવી રહ્યું છે અને ધારો કે, ધારો કે, આપણાં સદ્નસીબ હશે તો બે-ચાર મહિનામાં એ ઇન્ટ્રોડ્યુસ પણ કરી દેવામાં આવે.
ના, આ કોઈ મંદીનું પરિણામ નથી. નથી જ નથી, પણ આ એક એવી સોચી-સમજી સાજિશ હતી જેનો આજ સુધી કોઈને અણસાર સુધ્ધાં નહોતો આવ્યો. ફ્રીના નામે એકાદ દસકા સુધી તમને આ સુવિધા આપ્યા પછી હવે આ કંપનીઓ પાસે અને આ મેસેન્જર કંપનીઓના પ્રણેતાઓ પાસે ડેટા એ સ્તરે છે કે આવતાં પાંચ-સાત વર્ષ સુધી તેમણે ડેટાની બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી અને જો જરૂર નથી તો પછી શું કામ પૈસા કમાવાની દુકાન હવે શરૂ ન કરવી?

સહજ અને સરળતા સાથે આદત પાડી દીધા પછી હવે કોઈને આ મેસેન્જર વિના ચાલવાનું નથી. તમને ખ્યાલ હોય તો ઝૂમ નામની વિડિયો કૉલ ઍપને કોઈ ઓળખતું નહોતું, પણ લૉકડાઉનમાં જેવી ઘરેથી ઑફિસો શરૂ થઈ કે ઝૂમની ડિમાન્ડ નીકળી અને જેવી ડિમાન્ડ નીકળી કે તરત જ કૉર્પોરેટ સેક્ટરને એ વિડિયો-ઍપનાં લાઇસન્સ લેવાની ફરજ પાડવામાં આવી. આ જે નીતિ અપનાવવામાં આવી છે એ વેપારનીતિ છે અને વેપારનીતિનો પહેલો સિદ્ધાંત છે મફત કશું હોતું નથી.

આ પણ વાંચો :  ઍરવેઝમાં અફરાતફરી : છેલ્લા થોડા સમયથી ઘટતી ઘટનાઓ સૂચવે છે કે સમય સાવચેત રહેવાનો

આજ સુધી તમે ડેટા આપતા રહ્યા અને અમે એનો ભરપૂર ઉપયોગ કરતા રહ્યા. હવે એ ડેટાનો ઉપયોગ પણ કરીશું અને એની સાથોસાથ હવે અમે કમાણી પણ કરતા જઈશું. કંપનીની આ માનસિકતાના જવાબદાર આપણે છીએ, કારણ કે આપણે હવે આ બધી જણસ અને જણસમાં પોરવાતી ટાઇમપાસની આ રમતો વિના રહી શકતા નથી. આદત હવે લોહીમાં છે કે ઘડીએ-ઘડીએ મોબાઇલ હાથમાં લઈને આપણે એમાં નજર કરી લઈએ. કોઈનો મેસેજ ન હોય તો પણ આપણને આ મેસેન્જર ક્ષણવાર પણ ચેન લેવા નથી દેતું અને મનમાં એ સતત ઝળક્યા કરે છે. ખરેખર હાશકારો થાય છે એ વાત જાણીને, સાંભળીને કે મેસેન્જર ક્યારેય પણ ચાર્જ ચાલુ કરી શકે છે અને એમાં ખોટું પણ નથી. ફાયદો પણ તમને-મને અને આપણને જ થવાનો છે. આપણને જ થોડી શાંતિ મળશે. જો ખરેખર આ બધા મેસેન્જર પર આપણી આવક નિર્ભર હશે, કામ નિર્ભર હશે તો એ આપણે ખરીદીશું જ અને ધારો કે એવું નહીં હોય તો... એક ગુજરાતી કહેવત યાદ આવે છે.

‘ભલું થયું ભાંગી જંજાળ.’ જો ચાર્જેબલ મેસેન્જર આવશે તો એ પછી આવનારા એક પણ નોટિફિકેશન આપણે મિસ નહીં કરીએ, ખરેખર. કારણ કે આપણે જાણતા જ હોઈશું, હવે નકામું લોહી પીનારો કોઈ હોવાનો નથી.

columnists manoj joshi facebook whatsapp twitter apple