‘ફ્લાઈંગ શિખ’ મિલ્ખા સિંહનું ૯૧ વર્ષની વયે નિધન, કોરોનાએ લીધો એથ્લેટનો ભોગ

19 June, 2021 08:42 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Online Correspondent

છ દિવસ પહેલાં મિલ્ખા સિંહની પત્નીનું પણ મૃત્યુ થયું હતું; વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું

સપ્ટેમ્બર ૨૦૧૩માં મુંબઈમાં એક એવૉર્ડ સમારંભમાં મિલ્કા સિંહ (તસવીર સૌજન્યઃ એએફપી)

‘ફ્લાઈંગ શિખ’ (Flying Sikh)ના નામે ઓળખાતા પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહ (Milkha Singh)નું ૯૧ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ (COVID-19) સંક્રમણનો ભોગ બન્યા હતા. તેમણે ચંડીગઢની PGIMER હૉસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. હજી છ દિવસ પહેલાં જ તેમની પત્ની અને ભારતીય મહિલા વોલીબોલ ટીમના ભુતપુર્વ કપ્તાન ૮૫ વર્ષીય નિર્મલ કૌર (Niramal Kaur)નું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સના કારણે નિધન થયું હતું.

ગત મહિને ૨૦ મેના રોજ મિલ્ખા સિંહ અને તેમની પત્ની નિર્મલ કૌર કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ ૨૪ મેના રોજ મિલ્ખા સિંહને એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછી પરિવારના આગ્રહથી ૩૦મેના રોજ તેમને હૉસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ઘરમાં જ ચાલતી હતી. જોકે, થોડાક દિવસ પહેલાં તેમનું ઑક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું અને ૩ જૂનના રોજ મિલ્ખા સિંહને ફરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે નિર્મલ કૌરની સારવાર મોહાલીની ફોર્ટિસ હૉસ્પિટલમાં ચાલી રહી હતી. નિર્મલ કૌરનું નિધન ૧૩ જૂનના રોજ સાંજે ચાર વાગ્યે થયું હતું. ICUમાં દાખલ હોવાથી મિલ્ખા સિંહ પત્નીના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહોતા.

મિલ્ખા સિંહના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શૉક વ્યક્ત કર્યો છે.

ગૃહપ્રધાન અમિત શાહે પણ મિલ્ખા સિંહના નિધનનું દુઃખ વ્યક્ત કર્યું છે.

મિલ્ખા સિંહના જીવન વીશેઃ

૨૦ નવેમ્બર ૧૯૨૯ના રોજ ગોવિંદપુરા(પાકિસ્તાન)ના એક શિખ પરિવારમાં મિલ્ખા સિંહનો જન્મ થયો હતો. ભારત આવીને સેનામાં જોડાયા પછી ક્રોસ કન્ટ્રી દોડમાં સામેલ થયા પછી મિલ્ખા સિંહ ૪૦૦થી વધુ સૈનિકોમાં છઠ્ઠા નંબરે આવ્યા હતા.

વર્ષ ૧૯૫૬માં મેલબર્નમાં આયોજિત ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લીધો હતો. તેમાં ખાસ દેખાવ કરી શક્યા નહોતા પણ આગળની સ્પર્ધાઓ માટે માર્ગ ખુલી ગયો હતો. વર્ષ ૧૯૫૮માં કટકમાં આયોજિત નેશનલ ગેમ્સમાં ૨૦૦ અને ૪૦૦ મીટરમાં અનેક રેકોર્ડ બનાવ્યા. એ જ વર્ષે ટોક્યોમાં આયોજિત એશિયન રમતોત્સવમાં ૨૦૦ મીટર, ૪૦૦ મીટરની સ્પર્ધાઓ અને કોમનવેલ્થમાં ૪૦૦ મીટરની રેસમાં સુવર્ણ ચંદ્રકો જીત્યા. તેમની સફળતા જોઈને ભારત સરકારે ‘પદ્મશ્રી’થી સન્માનિત કર્યા હતા.

મિલ્ખા સિંહ પાકિસ્તાનમાં આયોજિત એક દોડમાં સામેલ થવા ગયા હતા. જેમાં તેમણે શાનદાર દેખાવ કર્યો. તેમના પ્રદર્શનને જોઈને પાકિસ્તાનના જનરલ અયૂબ ખાને તેમને ‘ધ ફ્લાઈંગ શિખ’ નામ આપ્યું હતું.

વર્ષ ૧૯૬૦માં રોજ રોમમાં આયોજિત સમર ઓલિમ્પિકમાં મિલ્ખા સિંહ પાસેથી અનેક આશાઓ હતી. ૪૦૦ મીટરની રેસમાં તેઓ ૨૦૦ મીટર સુધી સૌથી આગળ હતા પણ તેના પછી તેમણે ઝડપ ઓછી કરી દીધી. તેમાં તેઓ રેસમાં પાછળ રહ્યા અને ચોથા ક્રમે આવ્યા હતા. વર્ષ ૧૯૬૪માં તેમણે એશિયન રમતોત્સવમાં ૪૦૦ મીટર અને ૪x૪૦૦ રિલેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

મિલ્ખા સિંહ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાની કરિયરમાં તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા અને અનેક ચંદ્રક જીત્યા હતા. મિલ્ખા સિંહે પોતાના શાનદાર પ્રદર્શનની સાથે દાયકાઓ સુધી ભારતના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.

coronavirus covid19 sports sports news milkha singh narendra modi amit shah