10 June, 2025 07:04 AM IST | London | Gujarati Mid-day Correspondent
ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન પૅટ કમિન્સ, સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ટેમ્બા બવુમા
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)માં સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાના બૅટર્સ સામે પાંચ-પાંચ દિવસ સુધી પિચ પર ટકી રહેવાનો પડકાર રહેશે. એવામાં અનુભવી અને યુવા બૅટરોમાંથી કોણ પોતાની ટીમ માટે સર્વશ્રેષ્ઠ રમત બતાવશે એના પર સૌની નજર રહેશે. ચાલો જાણીએ આ બન્ને ફાઇનલિસ્ટ ટીમના બૅટિંગ યુનિટ વિશેના રસપ્રદ આંકડા.
ઑસ્ટ્રેલિયન ટીમ પાસે કૅમરન ગ્રીન અને બો વેબ્સ્ટર સહિતના નવ મજબૂત બૅટર છે, જેમાંથી માત્ર ત્રણ પ્લેયર્સને સાઉથ આફ્રિકા સામે અને ઇંગ્લૅન્ડની ધરતી પર ટેસ્ટ-ક્રિકેટ રમવાનો અનુભવ નથી. આ બૅટિંગ લાઇનઅપને ૩૮૪ ટેસ્ટ-મૅચ રમવાનો સહિયારો અનુભવ છે, જેમાંથી તેઓ ૩૪ ટેસ્ટ સાઉથ આફ્રિકા સામે અને ૬૪ ટેસ્ટ-મૅચ ઇંગ્લૅન્ડની ધરતી પર રમ્યા છે. સ્ટીવ સ્મિથ (૧૧૬ ટેસ્ટમાં ૧૦,૨૭૧ રન), ઉસ્માન ખ્વાજા (૮૦ ટેસ્ટમાં ૫૯૩૦ રન), ટ્રૅવિસ હેડ (૫૬ ટેસ્ટમાં ૫૯૩૦ રન) અને માર્નસ લબુશેન (૫૭ ટેસ્ટમાં ૪૩૯૬ રન) આ ટીમના મુખ્ય બૅટર છે. ઑસ્ટ્રેલિયન ટીમ પાસે જૉસ ઇંગ્લિસ અને ઍલેક્સ કૅરી રૂપે બે વિકેટકીપર-બૅટર્સ પણ છે.
ત્રણ-ત્રણ ઑલરાઉન્ડર અને વિકેટકીપર સહિત સાઉથ આફ્રિકા પાસે બૅટર્સના ૧૦ વિકલ્પ છે, પરતું એમાંથી સાત પ્લેયર્સને ઇંગ્લૅન્ડની ધરતી પર અને ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ-મૅચ રમવાનો અનુભવ નહીંવત્ છે. આ બૅટિંગ લાઇનઅપને ઓવરઑલ ૧૯૭ ટેસ્ટ-મૅચ રમવાનો અનુભવ છે. તેઓ ઇંગ્લૅન્ડમાં માત્ર ૧૧ ટેસ્ટ-મૅચ રમવાનો અનુભવ ધરાવે છે. આ બૅટિંગ-યુનિટમાંથી માત્ર ત્રણ બૅટર્સને ઑસ્ટ્રેલિયા સામે ઓવરઑલ ૧૫ મૅચ રમવાનો અનુભવ છે. કૅપ્ટન ટેમ્બા બવુમા (૬૩ ટેસ્ટમાં ૩૬૦૬ રન ), એઇડન માર્કરમ (૪૫ ટેસ્ટમાં ૨૮૫૭ રન) અને કાઇલ વેરિન (૨૪ ટેસ્ટમાં ૧૦૬૦ રન ) આ ટીમના મુખ્ય બૅટર્સ છે.