09 June, 2023 09:43 AM IST | London | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ સિરાજે ગઈ કાલે ચાર વિકેટ લીધી હતી. અક્ષર પટેલે સ્ટાર્કને ડાયરેક્ટ થ્રોમાં રનઆઉટ કરી દીધો હતો. તસવીર એ.એફ.પી.
ઓવલમાં ગઈ કાલે અલ્ટિમેટ ટેસ્ટમાં બીજા દિવસે ભારતે ઑસ્ટ્રેલિયાને ૫૦૦ રન સુધી ન પહોંચવા દઈને ૪૬૯ રનમાં જ ઑલઆઉટ કરી નાખ્યું હતું, પરંતુ પછીથી ભારતીય બૅટર્સ જાણે હજી પણ આઇપીએલની ફટકાબાજીના મિજાજમાં જ હોય એવી રીતે રમ્યા હતા અને વહેલી વિકેટ ગુમાવી બેઠા હતા. રવીન્દ્ર જાડેજા (૪૮ રન, ૫૧ બૉલ, એક સિક્સર, સાત ફોર) અને અજિંક્ય રહાણે (૨૯ નૉટઆઉટ, ૭૧ બૉલ, ચાર ફોર) વચ્ચે પાંચમી વિકેટ માટે ૭૧ રનની ભાગીદારી થઈ એ પહેલાં તો ભારતની બૅટિંગ-હરોળ પત્તાંના મહેલની જેમ પડી ભાંગી હતી.
૩૮ ઓવરને અંતે ભારતનો સ્કોર પાંચ વિકેટે ૧૪૯ રન હતો. એ પહેલાં ભારતીય ટીમ ૧૯ ઓવરમાં રોહિત શર્મા (૧૫ રન), શુભમન ગિલ (૧૩ રન), ચેતેશ્વર પુજારા (૧૪ રન), વિરાટ કોહલી (૧૪ રન) કુલ ફક્ત ૭૧ રનમાં વહેલી વિકેટ ગુમાવી બેઠી હતી. પુજારા આઇપીએલમાં નહોતો રમ્યો, પરંતુ કાઉન્ટી ક્રિકેટનો તેનો છેલ્લા ઘણા મહિનાઓનો અનુભવ પણ એળે ગયો હતો. ભારતની પાંચ વિકેટમાં પાંચેય ઑસ્ટ્રેલિયન બોલરનું યોગદાન હતું. સ્કૉટ બોલૅન્ડ, મિચલ સ્ટાર્ક, પૅટ કમિન્સ, કૅમેરન ગ્રીન અને નૅથન લાયને એક-એક વિકેટ લીધી હતી.
સિરાજની ચાર વિકેટ
એ અગાઉ ટ્રેવિસ હેડ (૧૬૩ રન) અને સ્ટીવ સ્મિથ (૧૨૧ રન)ની સદીની મદદથી તેમ જ ઍલેક્સ કૅરીના ૪૮ રનની મદદથી ઑસ્ટ્રેલિયા ૪૫૦-પ્લસનો સ્કોર નોંધાવી શક્યું હતું. સિરાજને ચાર તથા શમી અને શાર્દુલને બે-બે વિકેટ અને જાડેજાને એક વિકેટ મળી હતી. ઉમેશ યાદવ ૭૭ રનમાં વિકેટ નહોતો લઈ શક્યો.
કૅપ્ટને લીધી કૅપ્ટનની વિકેટ
ગઈ કાલે ભારતના દાવમાં છઠ્ઠી ઓવર કૅપ્ટન પૅટ કમિન્સે કરી હતી જેમાં તેણે છેલ્લા બૉલમાં હરીફ સુકાની રોહિત શર્મા (૧૫ રન, ૨૬ બૉલ, બે ફોર)નો એલબીડબ્લ્યુમાં શિકાર કર્યો હતો.