વિમેન્સ આઇપીએલનું આજથી વાનખેડેમાં શરૂ થાય છે ‘રિહર્સલ’

07 February, 2023 01:44 PM IST  |  Mumbai | Ajay Motivala

૯ ગુજરાતી ખેલાડીઓ સહિત કુલ ૬૦ પ્લેયર્સ પ્રેસિડન્ટ્સ કપમાં રમશે અને પર્ફોર્મન્સના આધારે ચાર ૪ માર્ચે શરૂ થનારી બાવીસ દિવસની ડબ્લ્યુપીએલ માટેની ટીમમાં આમાંની ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવશે

શેફાલી વર્મા અને હરમનપ્રીત કૌર

ઑસ્ટ્રેલિયાની વિમેન્સ બિગ બૅશ અને ઇંગ્લૅન્ડની ધ હન્ડ્રેડ નામની લીગ ટુર્નામેન્ટ મહિલા ક્રિકેટમાં જાણીતી છે, પરંતુ ક્રિકેટવિશ્વની સૌથી મોટી સ્પર્ધા ઇન્ડિયન પ્રીમિયર લીગના આધારે હવે આવતા મહિને (૪થી ૨૬ માર્ચ) પહેલી વાર મહિલાઓ માટેની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) શરૂ થઈ રહી છે અને એ માટે સોમવાર ૧૩ ફેબ્રુઆરીએ યોજાનારા પ્લેયર્સ ઑક્શન માટેની સિલેક્શન ટ્રાયલ કહી શકાય એવી ‘પ્રેસિડન્ટ્સ કપ ફૉર વિમેન ટી૨૦’ ટુર્નામેન્ટ આજે વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થઈ રહી છે જેમાંથી ફ્રૅન્ચાઇઝીના સિલેક્ટરો પર્ફોર્મન્સના આધારે પોતાની પસંદગીની ખેલાડીઓ નક્કી કરી શકશે.

વિમેન્સ ક્રિકેટની કુલ ૬૦ ભારતીય ખેલાડીઓ વાનખેડેની સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. ૧૫-૧૫ ખેલાડીની ચાર ટીમ નક્કી કરવામાં આવી છે. વાનખેડેની ચાર દિવસની ટુર્નામેન્ટ ૧૦ ફેબ્રુઆરી સુધી ચાલશે. એ જ દિવસે સાઉથ આફ્રિકામાં આઇસીસી વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં હરમનપ્રીત કૌર ભારતની કૅપ્ટન અને સ્મૃતિ મંધાના વાઇસ કૅપ્ટન છે. એ ટીમમાં અન્ડર-19 વર્લ્ડ કપની ચૅમ્પિયન શેફાલી વર્માનો તેમ જ જેમાઇમા રૉડ્રિગ્સ, રિચા ઘોષ, રાધા યાદવ, દીપ્તિ શર્માનો પણ સમાવેશ છે. શિખા પાન્ડે, પૂનમ રાઉત, વેદા કૃષ્ણમૂર્તિ, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ, માનસી જોશી, સ્નેહ રાણા, રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર, નુઝહત પરવીન, અનુજા પાટીલ, આયુષી સોની, હર્લીન દેઓલ વગેરે ખેલાડીઓના પર્ફોર્મન્સ પર પણ ૧૩મીના પ્લેયર્સ ઑક્શનમાં ફ્રૅન્ચાઇઝીઓની નજર રહેશે.

આ પણ વાંચો : મહિલાઓની પહેલી આઇપીએલ કદાચ માત્ર મુંબઈમાં રમાશે

કઈ ટીમની કોણ કૅપ્ટન?

વાનખેડેના પ્રેસિડન્ટ્સ કપમાં જે ચાર ટીમ રમશે એમાં પ્રકાશિકા નાઈક મુંબઈ યુનિકૉર્ન્સની, જાગ્રવી પવાર મુંબઈ વૉરિયર્સની, રિયા ચૌધરી મુંબઈ બ્લાસ્ટર્સની અને હુમૈરા કાઝી મુંબઈ થન્ડર્સ ટીમની કૅપ્ટન છે.

કઈ ગુજરાતી ખેલાડી કઈ ટીમમાં?

હર્લી ગાલા (મુંબઈ બ્લાસ્ટર્સ), મહેક પોકાર (મુંબઈ વૉરિયર્સ), તુશી શાહ (વાઇસ કૅપ્ટન, મુંબઈ થન્ડર્સ), રિદ્ધિ કોટેચા (મુંબઈ યુનિકૉર્ન્સ), વૈભવી રાજા (મુંબઈ બ્લાસ્ટર્સ), માહી ઠક્કર (મુંબઈ બ્લાસ્ટર્સ), વિધિ મથુરિયા (મુંબઈ થન્ડર્સ), પલક ધરમસી (મુંબઈ થન્ડર્સ) અને ‌ત્રિશા પરમાર (મુંબઈ વૉરિયર્સ).

ડબ્લ્યુપીએલના કયા પાંચ ફ્રૅન્ચાઇઝી

મુંબઈ ઇન્ડિયન્સ, દિલ્હી કૅપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, લખનઉ વૉરિયર્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર.

દરેક ટીમ માટે ૧૨ કરોડનું ફન્ડ નક્કી

પાંચમાંની દરેક ટીમ વધુમાં વધુ ૧૨ કરોડ રૂપિયાના નક્કી થયેલા ફન્ડમાંથી પ્લેયર્સને પસંદ કરી શકશે. ૧૦ લાખ રૂપિયા અને ૨૦ લાખ રૂપિયા ખેલાડીઓની બેઝ પ્રાઇસ છે.

sports news sports cricket news t20 indian womens cricket team indian premier league mumbai indians royal challengers bangalore delhi capitals gujarat titans lucknow super giants