ભારતનું ટાંય ટાંય ફિસ : હેડ બન્યો હેડેક અને ઑસ્ટ્રેલિયાની ‘સિક્સર’

20 November, 2023 07:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦ મૅચ જીતનાર ભારતની પ્લેઇંગ-ઇલેવન ૧૧મી મૅચ ન જીતી : કાંગારૂઓ છઠ્ઠી વાર બન્યા વર્લ્ડ ચૅમ્પિયન ઃ હેડ પ્લેયર ઑફ ધ ફાઇનલ

ઑસ્ટ્રેલિયનોને ૩૩ કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું

રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ ૧૩મા વન-ડે વર્લ્ડ કપમાં શરૂઆતથી સેમી ફાઇનલ સુધી શાનદાર રમી અને લાગલગાટ ૧૦ મૅચ જીતી, પરંતુ અમદાવાદના ગ્રૅન્ડ ફિનાલેમાં જીતીને ૧૧મા વિજયનો સમય આવ્યો ત્યારે આ ટીમ (૨૦૦૩ની ફાઇનલની જેમ) ઑસ્ટ્રેલિયા સામે પાણીમાં બેસી ગઈ અને ૬ વિકેટે હારી ગઈ.

મૅન ઑફ ધ ફાઇનલ ટ્રેવિસ હેડ (રોહિતનો અફલાતૂન ડાઇવિંગ કૅચ અને પછી ૧૨૦ બૉલ તથા ૧૬૬ મિનિટમાં ચાર સિક્સર, પંદર ફોરની મદદથી યાદગાર ૧૩૭ રન) ગઈ કાલનો સુપરસ્ટાર હતો અને તેણે ઑસ્ટ્રેલિયા માટે સન્ડેને ‘સુપર સે ભી ઉપર’ બનાવી દીધો હતો. ભારત ત્રીજી વાર ચૅમ્પિયન ન બની શક્યું અને ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વિશ્વવિજેતાપદ જીતીને પોતાના જ વિશ્વવિક્રમને લંબાવ્યો હતો.

૧૯૨ની ભાગીદારી ભારે પડી

ઑસ્ટ્રેલિયાએ ૨૪૧ રનનો લક્ષ્યાંક ૪૩ ઓવરમાં ૪ વિકેટના ભોગે મેળવી લીધો હતો. ટ્રેવિસ હેડની સાથે લબુશેનનું સ્થાન પણ ટુર્નામેન્ટની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયન ટીમમાં નક્કી નહોતું, પરંતુ ગઈ કાલે એ જ બે બૅટર ભારતને ભારે પડ્યા. લબુશેને ૧૧૦ બૉલ રમીને, ૧૩૩ મિનિટ સુધી ક્રીઝ પર રહીને ચાર ફોરની મદદથી અણનમ ૫૮ રન બનાવ્યા હતા. તેની અને હેડ વચ્ચે ૨૧૫ બૉલમાં ૧૯૨ રનની ભાગીદારી થઈ હતી, જેમાંથી ૧૨૭ રન હેડના અને ૫૮ લબુશેનના હતા.

ભારતના પાંચ બોલર્સમાં બુમરાહને બે તેમ જ શમી અને સિરાજને એક-એક વિકેટ મળી હતી. જાડેજા અને કુલદીપ વિકેટ વિનાના રહ્યા હતા. એ પહેલાં, ભારતના ૨૪૦ રનમાં રાહુલના ૬૬ રન સૌથી વધુ હતા. વિરાટ કોહલીએ ૫૪ રન બનાવ્યા હતા, પરંતુ ઓપનર રોહિતના ૪૭ રનને બાદ કરતાં બીજો કોઈ બૅટર ભારતને મોટો સ્કોર નહોતો અપાવી શક્યો. મિચલ સ્ટાર્કે ત્રણ તેમ જ કમિન્સ અને હૅઝલવુડે બે-બે વિકેટ અને મૅક્સવેલ-ઝૅમ્પાએ એક-એક વિકેટ લીધી હતી. કુલદીપ રનઆઉટ થયો હતો.

યજમાનના વિજયની પરંપરા તૂટી

૨૦૧૧માં ભારત ઘરઆંગણે વન-ડેનું ચૅમ્પિયન બન્યા પછી ૨૦૧૫માં ઑસ્ટ્રેલિયા પોતાના દેશમાં જ ફરી ચૅમ્પિયન બન્યું હતું. ૨૦૧૯માં ઇંગ્લૅન્ડે લૉર્ડ‍્સમાં ન્યુ ઝીલૅન્ડને બે ટાઇવાળી ફાઇનલમાં હરાવીને પહેલી વખત વિજેતાપદ મેળવ્યું હતું. જોકે આ વખતે ભારતીય ટીમ ઘરઆંગણે ન જીતી એ સાથે હોમ ટીમના વિજયની પરંપરા તૂટી ગઈ છે. હવે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ગણતરીના દિવસોમાં ટી૨૦ સિરીઝ શરૂ થશે.

ભારતની હારનાં ૮ કારણો

(૧) અમદાવાદમાં યજમાન ભારતને ઑસ્ટ્રેલિયાએ બોલિંગ, બૅટિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં પાછળ રાખી દીધું હતું. ટૂંકમાં ભારતની પિચ પર સતત આઠ મૅચ જીતીને ફાઇનલમાં આવેલી (પાંચ વાર ચૅમ્પિયન બનેલી ઑસ્ટ્રેલિયન ટીમ) નવમી મૅચ પણ જીતી અને છઠ્ઠી વાર ચૅમ્પિયનપદ મેળવી લીધું.
(૨) કમિન્સે ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી અને સેકન્ડ ઇનિંગ્સમાં બોલિંગ કરનાર ટીમના બોલર્સને (ખાસ કરીને સ્પિનર્સને) ભેજને લીધે બૉલ પર ગ્રિપ મેળવવામાં તકલીફ થઈ શકે એવું જે જજમેન્ટ રાખ્યું એ અચૂક સાચું પડ્યું.
(૩) પાંચમી ઓવરમાં ગિલે તેના ફક્ત ૪ રને વિકેટ ગુમાવતાં હજારો પ્રેક્ષકો અને કરોડો ટીવી-દર્શકોને નિરાશ કરી મૂક્યા હતા.
(૪) રોહિત (૪૭ રન) અફલાતૂન ઓપનર છે, પરંતુ ઘણી વાર તેની એક પ્રકારની લિમિટ દેખાઈ જાય છે. તેણે ઑસ્ટ્રેલિયન ન્યુ બૉલ બોલર્સને ઝૂડી કાઢ્યા, પણ મૅક્સવેલના ઑફ સ્પિનની જાળમાં ફસાઈ ગયો હતો અને ટ્રેવિસ હેડને કૅચ આપી બેઠો હતો.
(૫) આ વર્લ્ડ કપનો સિક્સર-સ્પેશ્યલિસ્ટ શ્રેયસ ઐયર (૪ રન) ખરા સમયે પાણીમાં બેસી ગયો.
(૬) સૂર્યકુમાર (૧૮) અને જાડેજા ખરા સમયે સાધારણ ભાગીદારી પણ ન કરી શક્યા.
(૭) અશ્વિનને ઇલેવનમાં સમાવાશે એવી સ્ટ્રૉન્ગ અટકળ હતી, પણ એવું કંઈ નહોતું બન્યું અને અનચેન્જ્ડ ટીમ રખાઈ હતી.
(૮) કોહલીએ પહેલા જ બૉલમાં કૅચ છોડ્યો હતો. જોકે બીજી ઓવરમાં (શમીના પ્રથમ બૉલમાં) વૉર્નરનો કૅચ પકડીને તેણે હિસાબ સરખો કરી લીધો હતો. જે કંઈ હોય, પણ શરૂઆતમાં જ કૅચ છૂટ્યો અને પછી ભારતની ફીલ્ડિંગ અપ-ટુ-ધ-માર્ક નહોતી એ પણ પરાજય માટેનું એક કારણ કહી શકાય.

world cup india australia narendra modi stadium ahmedabad sports sports news cricket news