11 November, 2025 12:37 PM IST | Siliguri | Gujarati Mid-day Correspondent
દાર્જીલિંગમાં રિચા ઘોષના નામે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું વચન આપ્યું મમતા બૅનરજીએ
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ જાહેરાત કરી છે કે સિલિગુડીમાં જન્મેલી વિમેન્સ વર્લ્ડ કપ સ્ટાર રિચા ઘોષના નામે દાર્જીલિંગમાં એક નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે. બાવીસ વર્ષની વિકેટકીપર-બૅટર રિચા ઘોષના શાનદાર પ્રદર્શન બદલ બંગાળ સરકાર આ પહેલાં તેને રાજ્યનો સર્વોચ્ચ નાગરિક અવૉર્ડ, ૩૪ લાખ રૂપિયા, DSP રૅન્ક, સોનાનાં બૅટ-બૉલ જેવા આકર્ષક પુરસ્કાર આપી ચૂકી છે.
મમતા બૅનરજીએ એક મીટિંગ દરમ્યાન કહ્યું હતું કે ‘રિચા માત્ર બાવીસ વર્ષની ઉંમરે વર્લ્ડ ચૅમ્પિયન બની છે. આપણા નેતાઓએ તેના વતનમાં તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગૉલે મને તેના સન્માન સમારોહમાં આમંત્રણ આપ્યું હતું અને પશ્ચિમ બંગાળ સરકાર વતી અમે તેનું સન્માન પણ કર્યું હતું. હવે હું અહીં એક ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માગું છું.
દાર્જીલિંગમાં લગભગ ૨૭ એકર જમીન છે. હું મેયરને ક્રિકેટ સ્ટેડિયમની યોજના બનાવવા માટે કહીશ. આ ક્રિકેટ સ્ટેડિયમનું નામ રિચા ક્રિકેટ સ્ટેડિયમ રાખવું જોઈએ જેથી લોકો ભવિષ્યમાં તેના પ્રદર્શનને યાદ રાખે. એ સ્ટેડિયમ ઘણા લોકોને પ્રેરણા આપશે.’