અમે કોઈ ભૂલ નથી કરી, જ્યારે નક્કી થયું ત્યારે ભારતમાં બધું નૉર્મલ થઈ રહ્યું હતું : ગાંગુલી

07 May, 2021 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ કહે છે કે સ્પાર્ટ્‍સને પેન્ડેમિક-પ્રૂફ ન બનાવી શકો, ઇંગ્લિશ પ્રીમિયર લીગની ટીમો મૅન્ચેસ્ટર સિટી અને આર્સનેલના ખેલાડીઓ પણ કોરોનાગ્રસ્ત થયા હતા

સૌરવ ગાંગુલી

આઇપીએલની ૧૪મી સીઝન ૨૯ મૅચ બાદ બાયો-બબલ્સમાં કોરોનાના પ્રવેશને લીધે અટકાવી દેવી પડી હતી. કોરોનાના કેર વચ્ચે આઇપીએલનું આયોજન કરવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડની ભારે ટીકા થઈ રહી છે અને અમુક એને મૂર્ખામી ગણાવી રહ્યા છે. આઇપીએલ સસ્પેન્ડ થયા બાદ ગઈ કાલે પહેલી વાર ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટે આ બાબતે ટીકાકારોનોના સવાલના જવાબ આપ્યા હતા. 

ભારતમાં આઇપીએલ યોજવાના નિર્ણયને યોગ્ય ગણાવતાં ગાંગુલીએ કહ્યું હતું કે ‘જ્યારે અમે આઇપીએલ ભારતમાં યોજવાનું નક્કી કર્યું હતું ત્યારે કોરોનાના કેસ એટલા બધા નહોતા. બધું નૉર્મલ થઈ રહ્યું હતું. અમે ઇંગ્લૅન્ડની સિરીઝ પણ નિર્વિઘ્ને પાર પાડી હતી. અમુક મૅચોમાં અમે પ્રેક્ષકોને પણ પ્રવેશ આપ્યો હતો. અમે પહેલાં ગઈ સીઝનની જેમ યુએઈમાં જ આયોજન કરવાનું વિચાર્યું હતું, પણ ભારતમાં બધુ નૉર્મલ થઈ રહ્યું હતું એટલે અહીં યોજવા માટે આગળ વધ્યા હતા, પણ છેલ્લાં ત્રણેક અઠવાડિયાંમાં ઝડપથી બધું બદલાઈ ગયું હતું.’

મોટા દાવાઓ છતાં કોરોના વાઇરસ બાયો-બબલ્સમાં કેવી રીતે પ્રવેશ્યો એ વિશે પૂછતાં ગાંગુલીએ કહ્યું હતું કે એ અત્યારે કહેવું ખૂબ અઘરું છે કે કોરોના વાઇરસ ટીમ બબલ્સમાં કેવી રીતે પ્રવેશ્યો. જેવી રીતે અત્યારે ભારતમાં આટલા બધા લોકો કોરોનાગ્રસ્ત કેમ થઈ રહ્યા છે એવું કહેવું મુશ્કેલ છે. પ્રોફેશનલ ટીમ બધું જ આયોજન કરી રહી હતી, પણ સ્પોર્ટ્સને તમે ફુલ પેન્ડેમિક-પ્રૂફ ન બનાવી શકો. ઇંગ્લિશ પ્રીમિયર લીગનો જ દાખલો લો. મૅન્ચેસ્ટર સિટી અને આર્સેનલના ખેલાડીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. મૅચોને રીશિડ્યુલ કરવામાં આવી હતી. જોકે તેમની સીઝન ૬ મહિના લાંબી હોવાથી તેઓ સહેલાઈથી રીશેડ્યુલ કરી શકે છે, પણ અમે ખૂબ ટાઇટ શેડ્યુલમાં આયોજન કરતા હોઈએ છીએ અને તેમ જ અલગ-અલગ દેશ પાસેથી તેમના ખેલાડીઓ ઉપલબ્ધ કરાવવાના હોય છે આથી રીશેડ્યુલ ખૂબ મુશ્કેલ હોય છે. 

આર્થરટનને નથી લાગતું કે આ સીઝન પૂરી થાય
ક્રિકેટ બોર્ડે અધૂરી રહેલી આઇપીએલની ૧૪મી સીઝન ક્યારે પૂરી કરવી એ માટે વર્કિંગ કરી રહી છે, પણ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇક આર્થરટનને લાગે છે એ શક્ય નહીં બને. આર્થરટને કહ્યું હતું કે ભરચક ક્રિકેટ શેડ્યુલને જોતાં મને જરાય શક્યતા દેખાતી નથી. ભારત પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ રમવા ઇંગ્લૅન્ડ આવી રહ્યું છે જે સપ્ટેમ્બરની મધ્યમાં પૂરી થશે. ત્યાર બાદ ટી૨૦ વર્લ્ડ કપ (ઑક્ટોબર-નવેમ્બર) જે ભારતમાં યોજાવાનો છે, પણ કદાચ યુએઈમાં શિફટ પણ થાય. હા, આ વચગાળામાં થોડો ગૅપ છે, પણ ત્યારે દરેક દેશ વર્લ્ડ કપ માટે તૈયારીમાં વ્યસ્ત હશે. ઇંગ્લૅન્ડ પણ બંગલા દેશ અને પાકિસ્તાન જવાનું છે. બીજું, આટલા લાંબા સમય સુધી ખેલાડીઓને બાયો-બબલ્સમાં મારા મતે વધુ પડતું થઈ જશે.’

sourav ganguly ipl 2021 indian premier league cricket news sports news