કોહલી બન્યો વિઝડન ક્રિકેટર્સ ઑલ્મનાકનો ‘વન-ડે પ્લેયર ઑફ ધ ડિકેડ’

16 April, 2021 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને ૨૦૧૦ના દસકા માટે વિઝડન દ્વારા વિઝડન ક્રિકેટર્સ ઑલ્મનાકનો ‘વન-ડે પ્લેયર ઑફ ધ ડિકેડ’ જાહેર કરવામાં આવ્યો છે.

વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીને ૨૦૧૦ના દસકા માટે વિઝડન દ્વારા વિઝડન ક્રિકેટર્સ ઑલ્મનાકનો ‘વન-ડે પ્લેયર ઑફ ધ ડિકેડ’ જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે વિઝડને ૧૯૭૧થી ૨૦૨૧ના પ્રત્યેક દસકા માટે પાંચ ખેલાડીઓનાં નામ જાહેર કર્યાં હતાં. કોહલી ૨૦૧૧માં વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો ભાગ રહ્યો હતો. આ દસકામાં તેણે ૬૦થી વધારાની ઍવરેજથી ૧૧,૦૦૦થી પણ વધુ રન બનાવ્યા હતા જેમાં ૪૨ સેન્ચુરી સામેલ છે.

૨૦૦૦ના દસકા માટે શ્રીલંકન સ્પિનર મુથૈયા મુરલીધરનને ‘વન-ડે પ્લેયર ઑફ ધ ડિકેડ’ જાહેર કરવામાં આવ્યો હતો.

સચિન તેન્ડુલકર અને કપિલ દેવ અનુક્રમે ૧૯૯૦ અને ૧૯૮૦ના દાયકા માટે આ સન્માન મેળવવામાં સફળ રહ્યા હતા. ૧૯૯૮માં સચિને સૌથી વધારે ૯ વન-ડે સેન્ચુરી ફટકારી હતી, જે કોઈ પણ કૅલેન્ડર વર્ષમાં કોઈ પણ ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધારે સેન્ચુરી છે. ૧૯૭૦ના દસકા માટે વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ વિવ રિચર્ડ્સ આ સન્માન મેળવવામાં સફળ રહ્યા હતા.

કોહલીએ આચારસંહિતા તોડી : ઠપકો મળ્યો

રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના કૅપ્ટન વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની બુધવારની મૅચમાં આઇપીએલની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. આ વાતની જાણકારી આઇપીએલે પોતાના એક સ્ટેટમેન્ટમાં આપી હતી. 

વાસ્તવમાં કોહલી ૨૯ બૉલમાં ૩૩ રન કરીને આઉટ થયા બાદ નાખુશ હતો અને તેણે ટીમના ડગઆઉટમાં જઈને ત્યાં પડેલી ખુરસી પર બૅટ ફટકારીને ગુસ્સો ઉતાર્યો હતો. આ પહેલાં તેણે જાહેરાતો ધરાવતી બાઉન્ડરી લાઇન પર પણ બેટ વડે ગુસ્સો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. તેનો આ ક્રોધાવેશ ટીમના સાથી ખેલાડીઓએ પણ જોયો હતો અને ટીવી કેમેરામાં કેદ થયેલા તેના આ ક્રોધિત સ્વરૂપવાળો વિડિયો પણ ઘણો વાઇરલ થયો હતો.

૨૦૧૬માં ગૌતમ ગંભીરે પણ આ રીતે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો જેના બાદ તેને મૅચ ફીના ૧૫ ટકાનો દંડ કરવામાં આવ્યો હતો.

virat kohli cricket news sports news ipl 2021 indian premier league