03 November, 2026 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેેેટ-પ્રૅક્ટિસ દરમ્યાન ગઈ કાલે વિરાટ કોહલી અને રોહિત શર્મા
૪થી ૧૫ નવેમ્બર દરમ્યાન વન-ડે ટીમ સાથે વિરાટ કોહલી અને રોહિત શર્મા ફરી ઍક્શનમાં જોવા મળશે. વન-ડે વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે આ પાંચ મૅચ લાંબી સિરીઝ બન્ને માટે મહત્ત્વપૂર્ણ બનશે.
ભારતીય બૅટર તરીકે ન્યુ ઝીલૅન્ડની ધરતી પર સચિન તેન્ડુલકરે સૌથી વધુ વન-ડે રન ફટકાર્યા છે. સચિને ન્યુ ઝીલૅન્ડમાં ૧૮ વન-ડે મૅચમાં ૬૫૨ રન કર્યા છે. અહીં વિરાટ કોહલીએ ૧૩ વન-ડે મૅચમાં ૫૯૬ રન અને રોહિત શર્માએ ૧૪ વન-ડે મૅચમાં ૪૩૭ રન કર્યા છે.
વિરાટ કોહલી ન્યુ ઝીલૅન્ડ સામે નંબર વન બૅટર બની શકે છે. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર રિકી પૉન્ટિંગે ન્યુ ઝીલૅન્ડ સામે ૫૧ વન-ડે મૅચમાં ૬ સેન્ચુરીની મદદથી ૧૯૭૧ રન કર્યા હતા. વિરાટ કોહલી આ લિસ્ટમાં ૩૬ વન-ડે મૅચમાં ૭ સદીના આધારે ૧૮૯૭ રન કરીને બીજા ક્રમે છે. રોહિત શર્માએ ૩૪ વન-ડેમાં બે સદીના આધારે ૧૧૩૪ રન કર્યા છે.
ભુવનેશ્વર કુમારને T20 ટીમમાં સામેલ કરીને ભારતીય સિલેક્ટર્સે ભૂલ કરી : ઇરફાન પઠાણ
ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની ટીમ ઇન્ડિયામાં વાપસી વિશે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણે મોટું નિવેદન આપ્યું છે. ઇરફાન પઠાણ કહે છે, ‘કોઈ શંકા નથી કે ભુવનેશ્વર એક ઉત્તમ બોલર અને અનુભવી ખેલાડી છે. જોકે સિલેક્ટર્સે તેને T20 ટીમમાં સામેલ કરીને ભૂલ કરી છે. તેને વન-ડે ટીમમાં સામેલ કરવો જોઈએ, કારણ કે વન-ડે વર્લ્ડ કપ સૌથી નજીક છે.’
૩૬ વર્ષના ભુવનેશ્વર કુમારે ન્યુ ઝીલૅન્ડ સામેની T20 સિરીઝમાં ૪ મૅચમાં ૧૬ ઓવર ફેંકીને ૧૮૦ રન આપ્યા અને માત્ર એક વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમારે છેલ્લે જાન્યુઆરી ૨૦૨૨માં અંતિમ વન-ડે મૅચ અને જાન્યુઆરી ૨૦૧૮માં અંતિમ ટેસ્ટ-મૅચ રમી હતી.
ન્યુ ઝીલૅન્ડને ઇન્જરીનો ફટકો : ભારત સામેની વન-ડે સિરીઝમાંથી બહાર થયા માર્ક ચૅપમૅન, રચિન રવીન્દ્ર
ભારત સામે ૪ નવેમ્બરથી શરૂ થતી પાંચ વન-ડે મૅચની સિરીઝ પહેલાં ન્યુ ઝીલૅન્ડને ડબલ ફટકો પડ્યો છે. ન્યુ ઝીલૅન્ડના સ્પિન ઑલરાઉન્ડર્સ રચિન રવીન્દ્ર અને માર્ક ચૅપમૅન ઇન્જરીઓને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. માર્ક ચૅપમૅન ડાબા હૅમસ્ટ્રિંગની અને રચિન રવીન્દ્ર જમણા ખભાની ઇન્જરીમાંથી સંપૂર્ણ ફિટ થયા ન હોવાથી વન-ડે સિરીઝ રમી શકશે નહીં.
ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે આખી સિરીઝ માટે ટૉપ-ઑર્ડર બૅટર ટિમ સાઇફર્ટને સામેલ કર્યો છે. બૅટર્સ હેન્રી નિકોલ્સને પહેલી ત્રણ મૅચ અને ડીન ફૉક્સક્રૉફ્ટને અંતિમ બે મૅચ માટે ન્યુ ઝીલૅન્ડની સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યા છે.